Gold-Silver Market Cap : સોના અને ચાંદીની કિંમતમાં રોજબરોજ વધારો થઈ રહ્યો છે, ત્યારે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં બંનેના ભાવમાં ઉછાળો થયો છે. સોનાની કિંમત પ્રતિ ઔંશ (ભારત મુજબ 31.10 ગ્રામ સોનું) 5100 ડૉલર પર પહોંચી ગઈ છે, જ્યારે ચાંદીની કિંમત પ્રતિ ઔંશ 108 ડૉલરને પાર પહોંચી ગઈ છે. આ ભાવવધારા વચ્ચે સૌથી મહત્ત્વની વાત એ છે કે, ગોલ્ડનું માર્કેટ કેપ 35 ટ્રિલિયન ડૉલર અને ચાંદીનું માર્કેટ કેપ 6 ટ્રિલિયન ડૉલરને પાર પહોંચી ગયું છે.
સોના-ચાંદીનું માર્કેટ કેપ વિશ્વની સૌથી મૂલ્યવાન કંપનીથી 9 ગણુ વધુ
ગોલ્ડ અને સિલ્વરનું માર્કેટ કેપ હવે વિશ્વની સૌથી મૂલ્યવાન કંપની એનવીડિયોથી લગભગ 9 ગણું વધુ થઈ ગયું છે. AI ચિપ બનાવતી એનવીડિયાનું માર્કેટ કેપ 4.569 ટ્રિલિયન ડૉલર છે. સોના અને ચાંદીના ભાવમાં 2025માં તેજી જોવા મળ્યા બાદ હવે 2026માં પણ તેના ભાવમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો : ભારતમાં લક્ઝુરિયસ કારોના ભાવમાં 50 ટકાનો ઘટાડો થવાના અણસાર, જાણો કારણ
વિશ્વની ટોપ-5 મૂલ્યવાન એસેટ્સ
- સોનાનું માર્કેટ કેપ - 35.348 ટ્રિલિયન ડૉલર
- ચાંદીનું માર્કેટ કેપ - 6.205 ટ્રિલિયન ડૉલર
- એનવીડિયા માર્કેટ કેપ - 4.569 ટ્રિલિયન ડૉલર
- અલ્ફાબેટ માર્કેટ કેપ - 3.964 ટ્રિલિયન ડૉલર
- એપલનું માર્કેટ કેપ - 3.665 ટ્રિલિયન ડૉલર
ત્રણ દેશોની GDP
- અમેરિકાની GDP - 30.62 ટ્રિલિયન ડૉલર
- ચીનની GDP - 19.4 ટ્રિલિયન ડૉલર
- ભારતની GDP - 4.13 ટ્રિલિયન ડૉલર
સોનાનું માર્કેટ કેપ અમેરિકાની GDPથી વધુ
ગોલ્ડનું માર્કેટ કેપ ભારતની GDPથી લગભગ 8 ગણું વધારે છે. ફોર્બ્સના રિપોર્ટ મુજબ, ભારતની GDP 4.13 ટ્રિલિયન છે. જ્યારે સિલ્વરનું માર્કેટ કેપ પણ ભારતની જીડીપીથી વધુ છે. ગોલ્ડ વિશ્વની સૌથી મૂલ્વયાન સંપત્તિ છે. તેનું માર્કેટ કેપ વિશ્વની સૌથી મોટી ઈકોનોમી અમેરિકા (30.62 ટ્રિલિયન ડૉલર)ની જીડીપીથી વધુ અને ચીન (19.4)ની જીડીપીથી લગભગ બમણુ છે. વિશ્વની સૌથી મૂલ્વયાન એસેટ્સની યાદીમાં પ્રથમ ક્રમે ગોલ્ડ, બીજા ક્રમે સિલ્વર, ત્રીજા ક્રમે એનવીડિયા બાદ ચોથા ક્રમે ગૂગલની પેરેન્ટ્સ કંપની અલ્ફાબેટ (3.964 ટ્રિલિયન ડૉલર) અને પાંચમા ક્રમે એપલ (3.665 ટ્રિલિયન ડૉલર)નો સમાવેશ થાય છે. આમ સોનાએ અમેરિકાની જીડીપીનો રેકોર્ડ તોડ્યો છે.
આ વર્ષે સોના-ચાંદીના ભાવમાં કેટલો વધારો થયો?
2026માં સોનાની કિંમતમાં 18 ટકાનો, જ્યારે ચાંદીની કિંમતમાં 51 ટકાનો વધારો થયો છે. જાણકારોનું કહેવું છે કે, આગામી કેટલાક દિવસોમાં બંનેની કિંમતમાં વધારો-ઘટાડો જોવા મળી શકે છે. અમેરિકાની સુપ્રીમ કોર્ટ ટ્રમ્પના ટેરિફ મામલે સુનાવણી કરવાની છે. આ ઉપરાંત ફેડરલ રિઝર્વ વ્યાજ દર પર નિર્ણય લેવાની છે, જેની અસર માર્કેટ સહિત સોના-ચાંદિના ભાવ પર પણ પડી શકે છે. એટલું જ નહીં ભારતમાં પહેલી ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય બજેટ રજૂ થવાનું છે, જેમાં આયાત કરમાં ફેરફાર થશે તો સોના-ચાંદીની કિંમતમાં અસર જોવા મળી શકે છે.
ભારતમાં સોના-ચાંદીના ભાવ
ભારતમાં 10 ગ્રામ સોનાના ભાવની વાત કરીએ તો MCX એક્સચેન્જ પર ગત સપ્તાહના છેલ્લા દિવસે એટલે કે 23મી જાન્યુઆરીએ સોનાનો ભાવ 1,55,963 પર બંધ થયો હતો, જે પાછલા બંધ ભાવની સરખામણીએ 0.05% નો નજીવો ઘટાડો દર્શાવે છે. દિવસ દરમિયાન સોનાનો ભાવ ઊંચામાં 1,59,226 અને નીચામાં 1,55,248 સુધી પહોંચ્યો હતો.
જ્યારે પ્રતિ કિલો સિલ્વર ફ્યુચર્સના ભાવમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો. સપ્તાહના છેલ્લા દિવસે ચાંદીનો ભાવ 3,34,699 પર પહોંચ્યો છે, જેમાં પાછલા બંધ ભાવની સરખાણીએ 0.03 ટકાનો નજીવો ઘટાડો નોંધાયો છે. દિવસ દરમિયાન ચાંદીના ભાવમાં મોટી વધઘટ જોવા મળી હતી, જેમાં નીચલા સ્તરે 3,27,502 અને ઊંચા સ્તરે 3,34,927 સુધીની ઉથવપાથલ નોંધાઈ છે.


