- કિંમતી ધાતુઓમાં તેજીવાળાઓ પર માર્જિનમાં ફરી વૃદ્ધિ
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે ૨૦૨૫ના વર્ષના છેલ્લા દિવનસે સોના-ચાંદીના ભાવમાં ઝડપી ઘટાડો જોવા મળ્યો હતો. વિશ્વ બજારમાં ભાવ તૂટતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ નીચી ઉતરી હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. અમેરિકામાં કિંમતી ધાતુઓના વાયદાઓમાં સટ્ટારૂપી તત્વોને કાબુમાં રાખવા તેજીવાળાઓ પર માર્જિનમાં વધુ વ-દ્ધી કરવામાં આવ્યાના નિર્દેશોે મળ્યા હતા.
આના પગલે વિશ્વ બજારમાં સોના-ચાંદીના ભાવ ઝડપી તૂટયા હતા. ડોલર ઈન્ડેક્સ વધતાં ફંડોનીપણ વેચવાલી જોવા મળી હતી. દરમિયાન, વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૩૦૦૦ તૂટી ૯૯૫ના ભાવ રૂ.૧૩૬૨૦૦ તથા ૯૯૯ના રૂ.૧૩૬૫૦૦ બોલાઈ ગયા હતા.
દરમિયાન, અમદાવાદ ચાંદી કિલોના રૂ.૨૩૩૦૦૦ રહી હતી. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔસના ૪૩૯૪થી ૪૩૯૫ ડોલર વાળા ઘટી નીચામાં ભાવ ૪૨૭૪ થઈ ફરી વધી ૪૩૧૩થી ૪૩૧૪ ડોલર રહ્યા હતા. વૈશ્વિક ચાંદીના ભવા પણ ઔંસના ૭૫.૭૦ વાળા નીચામાં ભાવ ૭૦.૫૨ થઈ ૭૧.૮૬થી ૭૧.૮૭ ડોલર રહ્યા હતા. દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૩૪૦૬૦ વાળા રૂ.૧૩૨૬૬૨ રહ્યા હતા જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૧૩૪૫૯૯ વાળા રૂ.૧૩૩૧૯૫ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૨૩૨૩૨૯ વાળા રૂ.૨૨૯૪૩૩ થઈ રૂ.૨૩૦૪૨૦ બંધ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંસના ૨૨૦૭થી ૨૨૦૮ વાળા નીચામાં ૧૯૨૯ થઈ ૨૦૧૬થી ૨૦૧૭ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૧૬૪૧થી ૧૬૪૨ વાળા નીચામાં ૧૪૮૯ થઈ ૧૫૮૩થી ૧૫૮૪ ડોલર રહ્યા હતા. કોપરના વૈશ્વિક ભાવ આજે ૧૯૫ ટકા તૂટયા હતા.
ક્રૂડતેલ પણ નરમ હતું. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના નીચામાં ૬૧.૦૭ થઈ ૬૧.૫૯ ડોલર રહ્યા હતા. જ્યારે યુએસ ક્રૂડના ભાવ નીચામાં ૫૭.૬૯ થઈ ૫૮.૨૩ ડોલર રહ્યા હતા. મુંબઈ બજારમાં ૨૦૨૫ના વર્ષમાં સોનાના ભાવમાં રૂ.૫૭૦૦૦નો તથા ચાંદીના ભાવમાં વાર્ષિક રૂ.૧૪૫૦૦૦નો જંગી ઉછાળો નોંધાયો હોવાનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા.
સોનું-૧,૩૬૨૦૦
ચાંદી -૨,૩૩૦૦૦


