સોનામાં આગેકૂચ: ચાંદી વધુ રૂ.1500 ઉછળતાં બે દિવસમાં રૂ.2500ની તેજી
- યુએસ ક્રૂડ ૬૦ ડોલરની અંદર: વિશ્વ બજારમાં સોનાના ભાવ ફરી વધી ૪૨૦૦ ડોલર વટાવી ગયા
- અમેરિકામાં વ્યાજ દર ઘટાડા પૂર્વે ડોલર ઈન્ડેક્સ ઘટતાં વૈશ્વિક સોનામાં ફંડોનું બાઈંગ વધ્યું

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં આગેકૂચ ચાલુ રહી હતી. વિશ્વ બજારના સમાચાર પ્રોત્સાહક હતા. વિશ્વ બજાર ઉંચકાતાં તથા ઘરઆંગણે કરન્સી બજારમાં ડોલર વધતાં તથા રૂપિયો તૂટતાં કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ ઉંચી ગઈ હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંશના ૪૧૯૭થી ૪૧૯૮ વાળા વધી ૪૨૧૮ થઈ ૪૨૧૨થી ૪૨૧૩ ડોલર રહ્યા હતા.
વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સની પીછેહટ વચ્ચે વૈશ્વિક સોનામાં ફંડોનું બાઈંગ વધ્યાની ચર્ચા બજારમાં સંભળાઈ હતી. દરમિયાન, સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઔંશદીઠ ૫૮.૬૫ વાળા વધી ૫૮.૭૮ થઈ ૫૮.૪૬થી ૫૮.૪૭ ડોલર રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે અમદાવાદ ઝવેરી બજારમાં આજે ચાંદીના ભાવ કિલોના વધુ રૂ.૧૫૦૦ વધી રૂ.૧૭૬૫૦૦ બોલાયા હતા. ચાંદીના ભાવ બે દિવસમાં રૂ.૨૫૦૦ વધી ગયા હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. દરમિયાન, અમદાવાદ સોનાના ભાવ ૧૦ ગ્રામના ૯૯૫ના રૂ.૧૩૧૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૩૨૦૦૦ રહ્યા હતા.
મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫નૌ વધી રૂ.૧૨૮૧૨૨ થઈ છેલ્લે ભાવ રૂ.૧૨૭૭૪૩ રહ્યા હતા જ્યારે ૯૯૯ના ભાવ વધી રૂ.૧૨૮૬૯૧ થઈ રૂ.૧૨૮૨૫૭ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર વધી રૂ.૧૭૯૧૦૦ થઈ છેલ્લે ભાવ રૂ.૧૭૯૦૮૮ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં આજે પ્લેટીનમના ભાવ ઔંશના ૧૬૪૩ વાળા વધી ૧૬૬૯ થઈ ૧૬૫૯થી ૧૬૬૦ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ઔંશના ૧૪૬૧થી વધી ૧૪૮૩ થઈ ૧૪૭૮થી ૧૪૭૯ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ જો કે ૦.૨૦ ટકા માઈનસમાં ટ્રેડ થતા દેખાયા હતા.
વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ આજે દબાણ હેઠળ રહ્યા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૬૩.૭૫થી ૬૩.૧૧ ડોલર રહ્યા હતા જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૬૦.૦૮ વાળા ૫૯.૪૫ ડોલર રહ્યા હતા. રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ વિરામની વાતચીત કેવી આગળ વધે છે તેના પર ક્રૂડતેલ બજારની નજર રહી હતી.

