Get The App

સોનામાં રૂ.3000નો જ્યારે ચાંદીમાં રૂ.5000નો ઉછાળો

- વૈશ્વિક સોનું ૫૧૦૦ ડોલર અને ક્રૂડ ૯૪ ડોલરને પાર

Updated: Mar 8th, 2026

GS TEAM

Google News
Google News
સોનામાં રૂ.3000નો જ્યારે ચાંદીમાં રૂ.5000નો ઉછાળો 1 - image

મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જોકે બંધ બજારે સોના- ચાંદીના ભાવ ઘટતા ટકી વિશ્વબજાર  પાછળ ફરી ઉછળતા જોવા મળ્યા હતા. વિશ્વબજારમાં ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ વધ્યા પછી ઝડપી ઘટતાં વૈશ્વિક સોનામાં ફંડો ફરી ખરીદવા દાખલ થયાના સમાચાર મળ્યા હતા. 

વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ૫૦૯૨થી ૫૦૯૩ ડોલરવાળા ઉછળી સપ્તાહના અંતે ૫૧૭૧થી ૫૧૭૨ ડોલર રહ્યાના નિર્દેશો હતા. દરમિયાન, ઘરઆંગણે અમદાવાદ ઝવેરીબજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૨૫૦૦ ઉછળી ૯૯૫ના ભાવ રૂ.૧૬૫૭૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૬૬૦૦૦ બોલાયા હતા.

જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૩૦૦૦ વધી રૂ.૨૬૮૦૦૦ રહ્યા હતા. વિશ્વબજારમાં સોના પાછળ ચાંદીના ભાવ પણ ઔંશના ૮૨.૭૪થી ૮૨.૭૫ વાળા વધી ૮૪.૫૪થી ૮૪.૫૫ ડોલર રહ્યા હતા. પ્લેટીનમના ભાવ ૨૧૫૨ ડોલર  રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૧૬૨૭ ડોલર રહ્યા હતા.

વિશ્વબજારમાં બ્રેન્ટક્રૂડના ભાવ વધી  બેરલના ૯૪ ડોલર ઉપર જોતા રહ્યા હતા. દરમિયાન મુંબઈ બુલીયન બજારમાં આજે  સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૫૮૧૧૫થી વધી રૂ.૧૬૦૩૦૦ રહ્યા હતા. જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૧૫૮૭૫૧ વાળા રૂ.૧૬૦૯૦૦ રહ્યા હતા.

મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૨૬૦૨૭૩ વાળા વધી રૂ.૨૬૫૩૦૦ રહ્યા હતા. વિશ્વબજારમાં ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ ઉંચામાં ૯૯.૪૪ થયા પછી નીચામાં આ ઈન્ડેક્સ ૯૮.૮૪ થઈ ૯૮.૮૬ રહ્યાના નિર્દેશો હતા. 

દરમિયાન, વિશ્વબજારમાં વોર ઈફેક્ટ વચ્ચે ક્રૂડતેલ બજારમાં બ્રેન્ટના ભાવ ૮૯.૩૩થી વધી ૯૪.૬૪ થઈ છેલ્લે ભાવ ૯૨.૬૯ ડોલર રહ્યા હતા. બ્રેન્ટના ભાવ ૮થી ૯ ટકા તથા યુએસ ક્રૂડના ભાવ ૧૨થી ૧૩ ટકા વધ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ઉંચામાં ૯૨.૬૧ થઈ ૯૦.૯૦ ડોલર રહ્યા હતા.

વિશ્વબજારમાં ક્રૂડના ભાવ ઉછળતાં મુંબઈ કરન્સી બજારમાં આજે બંધ બજારે રૂપિયા સામે ડોલરભાવ રૂ.૯૧.૬૯થી વધી રૂ.૯૧.૭૮થી ૯૧.૭૯ આસપાસ બોલાતા થયા હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા.