For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સોનામાં તોફાની તેજી: રૂ.61000નો નવો રેકોર્ડ સર્જાયો

- ચાંદી વધી રૂ.૬૯૦૦૦ થતાં હવે રૂ.૭૦૦૦૦ પર નજર: વિશ્વબજારમાં સોનું ઉછળી ૨૦૦૦ ડોલર નજીક પહોંચ્યું

- જોકે ભાવ તીવ્ર ગતિએ વધતાં સોનામાં નવી ખરીદીના બદલે હવે લોકો સોનું વેેચવા બજારમાં આવતા થયાના નિર્દેશો

Updated: Mar 18th, 2023

Article Content Image

(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જોકે બંધ બજારે વિશ્વબજાર પાછળ કિંમતી ધાતુઓમાં રેકોર્ડ બ્રેક તેજી આગળ વધ્યાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. વિશ્વબજારમાં બેન્કીંગ કટોકટી વધતાં તથા ડોલર ઈન્ડેક્સ અને બોન્ડ યીલ્ડ ઘટી જતાં વૈશ્વિક સોનામાં ફંડોનું બાઈંગ વધ્યાના નિર્દેશો હતાં. વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ૧૯૪૩થી ૧૯૪૪ વાળા વધુ ઉછળી સપ્તાહના અંતે ૧૯૮૯થી ૧૯૯૦ ડોલર બોલાતા થયાના સમાચાર હતા.

 હવે ૨૦૦૦ ડોલર પર બજારના ખેલાડીઓની નજર રહી હતી. વિશ્વબજારમાં સોના પાછળ ચાંદીના ભાવ પણ ઔંશના ૨૧.૯૭થી ૨૧.૯૮ વાળા વધુ ઉછળી છેલ્લે ૨૨.૬૦થી ૨૨.૬૧ ડોલર રહ્યાના સમાચાર હતા. વિશ્વબજાર ઉછળતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ વધી જતાં દેશના ઝવેરીબજારોમાં તોફાની તેજી આગળ વધ્યાના નિર્દેશો હતા.

અમદાવાદ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૧૧૦૦ ઉછળી રૂ.૬૧ હજારની સપાટી પાર કરી જતાં નવો રેકોર્ડ સર્જાયો હતો. અમદાવાદ બજારમાં આજે સોનાના ભાવ ઉછળી ૯૯.૫૦ના રૂ.૬૧૧૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૬૧૩૦૦ બોલાયા હતા. અમદાવાદ ચાંદીના ભાવ આજે કિલોના વધુ રૂ.૧૫૦૦ ઉછળી રૂ.૬૯૦૦૦ને આંબી ગયા હતા.

વિશ્વબજારના સમાચાર મુજબ બે વર્ષના બોન્ડની યીલ્ડ જે તાજેતરમાં વધી ૫.૦૮ ટકા થઈ ગઈ હતી તે હવે ઝડપી ઘટી ૩.૭૨ ટકાના મથાળે ઉતરી જતાં સાત મહિનાના તળીયે ઉતરી ગઈ હતી. આની અસર વૈશ્વિક સોનાના ભાવ પર તેજીની પડી હતી.

ઘરઆંગણે હોળી પછી સામાન્યપણે ઝવેરીબજારમાં મોસમી માગ ફરી નિકળતી હોય છે પરંતુ આ વર્ષે હોળી પછી સોનાના ભાવમાં મોટો ઉછાળો આવતાં દેશના ઝવેરીબજારોમાં નવી માગ પાંખી પડી ગઈ છે તથા અમુક શહેરોમાં તો લોકો હવે સોનું વેંચવા માટે ઝવેરીબજારોમાં આવતા થયાના વાવડ મળ્યા હતા.

દરમિયાન, મુંબઈ બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૫૭૯૮૭ વાળા રૂ.૫૯૫૦૦ તથા ૯૯.૯૦ના વાળા રૂ.૫૮૨૨૦ વાળા ઉછળી રૂ.૫૯૭૦૦ બોલાતા થયા હતા. જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૬૬૭૭૩ વાળા ઉછળી રૂ.૬૮૨૭૫ બોલાયા હતા. મુંબઈ બજારમાં સોના- ચાંદીના જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા.

દરમિયાન, મુંબઈ કરન્સી બજારમાં આજે બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૮૨.૫૪ વાળા વધી રૂ.૮૨.૫૯થી ૮૨.૬૦ બોલાઈ રહ્યા હતા. દરમિયાન, વિશ્વબજારમાં સોના- ચાંદીના ભાવ ઉછળી રહ્યા હતા ત્યારે અન્ય કિંમતી ધાતુઓના ભાવ ઉંચા મથાળે બેતરફી વધઘટે અથડાતા જોવા મળ્યા હતા. પ્લેટીનમના ભાવ ઔંશના ૯૯૨થી ૯૯૩ વાળા ઉંચામાં ૧૦૦૦થી ૧૦૦૧ તથા નીચામાં ૯૬૪થી ૯૬૫ થઈ છેલ્લે ભાવ ૯૭૮થી ૯૭૯ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ઔંશના ૧૪૧૮થી ૧૪૧૯ વાળા ઉંચામાં ૧૪૫૫થી ૧૪૫૬ તથા નીચામાં ભાવ ૧૩૮૮થી ૧૩૮૯ થઈ છેલ્લે ભાવ ૧૪૨૩થી ૧૪૨૪ ડોલર રહ્યા હતા.

Gujarat