સોનું-ચાંદી સતત બીજા દિવસે ઓલટાઇમ હાઇ! ચાંદીમાં રૂ.6500નો વધારો, સોનું રૂ. 1.40 લાખને પાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gold Silver Rate Today: સોના-ચાંદીના ભાવમાં આજે, 13 જાન્યુઆરીના રોજ સતત બીજા દિવસે ઐતિહાસિક ઉછાળો જોવા મળ્યો છે. ઇન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ ઍસોસિએશન(IBJA)ના રિપોર્ટ અનુસાર, ચાંદીની કિંમતમાં એક જ દિવસમાં રૂ. 6566નો તોતિંગ વધારો થતાં તે રૂ. 2,62,742 પ્રતિ કિલોના ઓલટાઇમ હાઇ લેવલ પર પહોંચી ગઈ છે. નોંધનીય છે કે માત્ર બે જ દિવસમાં ચાંદી રૂ. 20,000 જેટલી મોંઘી થઈ છે.
24 કેરેટ સોનું રૂ. 1.40 લાખની ઐતિહાસિક સપાટીએ
બીજી તરફ, 24 કેરેટ સોનાનો ભાવ પણ રૂ. 33 વધીને રૂ. 1,40,482 પ્રતિ 10 ગ્રામની નવી સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો છે. વર્ષ 2025માં સોનામાં 75% અને ચાંદીમાં 167% જેટલો જંગી વધારો નોંધાયા બાદ પણ કિંમતો અટકવાનું નામ નથી લઈ રહી. નિષ્ણાતોના મતે આગામી સમયમાં ચાંદી રૂ. 2.75 લાખ અને સોનું રૂ. 1.50 લાખને પાર કરી શકે છે.
આંતરરાષ્ટ્રીય ઘટનાક્રમોને કારણે સોનાના ભાવમાં ઉછાળો
સોના અને ચાંદીની કિંમતોમાં જોવા મળી રહેલી આ અસાધારણ તેજી પાછળ મુખ્યત્વે વૈશ્વિક પરિબળો જવાબદાર છે. ડૉલરના મૂલ્યમાં ઘટાડો, રશિયા-યુક્રેન યુદ્ધ જેવી ભૌગોલિક તંગદિલી અને ચીન જેવી મધ્યસ્થ બૅન્કો દ્વારા કરવામાં આવી રહેલી સોનાની જંગી ખરીદીને કારણે સોનું સતત મોંઘું થઈ રહ્યું છે.
ઈલેક્ટ્રોનિક્સ અને EVના કારણે ચાંદીની માંગમાં રૅકોર્ડ વધારો
બીજી તરફ ચાંદીના કિસ્સામાં, સોલાર પેનલ્સ, ઈલેક્ટ્રોનિક્સ અને ઈલેક્ટ્રિક વ્હીકલ્સ(EV)માં વધતી જતી ઔદ્યોગિક માંગને કારણે તે હવે માત્ર ઘરેણું મટીને એક અનિવાર્ય 'રો મટિરિયલ'(કાચો માલ) બની ગઈ છે. આ ઉપરાંત, અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ પોલિસીના ડરથી અનેક કંપનીઓ મોટા પાયે ચાંદીનો સંગ્રહ કરી રહી છે, જેના કારણે વૈશ્વિક પુરવઠામાં અછત સર્જાઈ છે અને ભાવ આસમાને પહોંચ્યા છે.
આ પણ વાંચો: સ્પેન, જર્મની અને પોલેન્ડ જેવા યુરોપિયન દેશોમાં ભારતીય નિકાસ ઝડપથી વધી
શહેર મુજબ ભાવમાં તફાવત
સામાન્ય ગ્રાહકો માટે એ જાણવું ખૂબ જ જરૂરી છે કે IBJA દ્વારા જાહેર કરવામાં આવતા સોના-ચાંદીના ભાવમાં 3% GST, ઘડામણ કે જ્વેલર્સનો નફો સામેલ હોતો નથી. આ કારણોસર જ દરેક શહેરમાં સ્થાનિક કક્ષાએ સોના-ચાંદીના ભાવમાં તફાવત જોવા મળી શકે છે. બજારમાં સતત વધી રહેલી કિંમતો વચ્ચે છેતરપિંડીથી બચવા માટે ગ્રાહકોએ ખરીદી કરતી વખતે ચાંદીની શુદ્ધતાની યોગ્ય તપાસ કરવી પણ અત્યંત અનિવાર્ય છે.









