Get The App

સ્પેન, જર્મની અને પોલેન્ડ જેવા યુરોપિયન દેશોમાં ભારતીય નિકાસ ઝડપથી વધી

- સ્પેન ભારતીય નિકાસ માટે યુરોપમાં સૌથી ઝડપથી વિકસતું બજાર, નિકાસ વધીને ૪.૭ બિલિયન ડોલર

Updated: Jan 13th, 2026

GS TEAM

Google News
Google News
સ્પેન, જર્મની અને પોલેન્ડ જેવા યુરોપિયન દેશોમાં ભારતીય નિકાસ ઝડપથી વધી 1 - image

અમદાવાદ : સ્પેન, જર્મની, બેલ્જિયમ અને પોલેન્ડ જેવા યુરોપિયન દેશો ભારત માટે મહત્વપૂર્ણ નિકાસ બજારો તરીકે ઉભરી રહ્યા છે. વાણિજ્ય મંત્રાલયના ડેટા અનુસાર, સ્પેન, જર્મની, બેલ્જિયમ અને પોલેન્ડ હવે ૨૭ દેશોના યુરોપિયન યુનિયન (ઈયુ) માં ભારતીય માલ માટે મજબૂત અને મહત્વપૂર્ણ નિકાસ બજારો બની ગયા છે. 

ડેટા દર્શાવે છે કે સ્પેન ભારતીય નિકાસ માટે યુરોપમાં સૌથી ઝડપથી વિકસતું બજાર છે. આ નાણાકીય વર્ષના એપ્રિલ-નવેમ્બર સમયગાળા દરમિયાન સ્પેનમાં ભારતની નિકાસ વધીને ૪.૭ બિલિયન ડોલર થઈ ગઈ છે, જે ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં ૩ બિલિયન ડોલર હતી.

ભારતની કુલ નિકાસમાં સ્પેનો હિસ્સો ૨.૪% થયો છે, જે આ સમયગાળા દરમિયાન યુરોપિયન દેશોમાં સૌથી વધુ છે. તેવી જ રીતે, આ નાણાકીય વર્ષના પ્રથમ આઠ મહિનામાં (એપ્રિલ-નવેમ્બર) ભારતની જર્મનીમાં નિકાસ ૯.૩ ટકા વધીને ૬.૮ બિલિયન ડોલર થી ૭.૫ બિલિયન ડોલર થઈ છે. 

મંત્રાલયના જણાવ્યા અનુસાર, જર્મનીએ ભારતીય ઉત્પાદનોની સ્થિર માંગ જાળવી રાખી છે, જે ભારતની કુલ નિકાસના ૨.૬ ટકા છે અને ૦.૨ ટકાનો વધારો થયો છે. એપ્રિલ-નવેમ્બર ૨૦૨૫-૨૬ દરમિયાન ભારતની બેલ્જિયમમાં નિકાસ ૪.૨ બિલિયન ડોલર થી વધીને ૪.૪ બિલિયન ડોલર થઈ છે. દરમિયાન, આ સમયગાળા દરમિયાન પોલેન્ડમાં ભારતની નિકાસ ૭.૬ ટકા વધીને ૧.૮૨ બિલિયન ડોલર થઈ છે, જે એપ્રિલ-નવેમ્બર ૨૦૨૪ માં ૧.૬૯ બિલિયન ડોલર હતી.

આ બધા વલણો સ્પષ્ટપણે દર્શાવે છે કે ભારત પરંપરાગત બજારોથી આગળ વધી રહ્યું છે અને નવા બજારોમાં તેની હાજરી મજબૂત કરી રહ્યું છે. ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે મુક્ત વેપાર કરાર માટે વાટાઘાટો ચાલી રહી છે. આનાથી વૈશ્વિક આથક અનિશ્ચિતતાઓ છતાં બંને દેશો વચ્ચેના વેપારમાં નોંધપાત્ર વૃદ્ધિ થવાની ધારણા છે.

ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ૨૦૨૪-૨૫માં માલસામાનનો દ્વિપક્ષીય વેપાર ૧૩૬.૫૩ બિલિયન ડોલર સુધી પહોંચવાની ધારણા છે. આમાંથી, ભારતની નિકાસ ૭૫.૮૫ બિલિયન ડોલર અને આયાત ૬૦.૬૮ બિલિયન ડોલર હતી.. ઈયુ બજાર ભારતના કુલ નિકાસમાં આશરે ૧૭ ટકા હિસ્સો ધરાવે છે, જ્યારે ઈયુ ની કુલ વિદેશી નિકાસમાં ભારતનો હિસ્સો ૯ ટકા છે.