Get The App

સોનાચાંદીમાં ભાવ વૃદ્ધિ જળવાઈ : પેલેડિયમમાં તોફાની તેજી

ચીન-અમેરિકા વચ્ચે વેપાર કરાર પાર પડતા ક્રુડમાં સળવળાટ: બ્રેન્ટ ૬૫ ડોલરને પાર

Updated: Jan 17th, 2020

GS TEAM

Google News
Google News
સોનાચાંદીમાં ભાવ વૃદ્ધિ જળવાઈ : પેલેડિયમમાં તોફાની તેજી 1 - image

(ગુજરાત સમાચાર કાર્યાલય)    મુંબઈ, તા. 17 જાન્યુઆરી 2020, શુક્રવાર

ડોલર સામે રૂપિયાની નબળાઈને પરિણામે સ્થાનિક સોનાચાંદી બજારમાં ભાવમાં સુધારો આગળ ધપ્યો હતો. ડોલર ઊંચકાતા ગોલ્ડની લેન્ડીંગ કોસ્ટ વધવાની ગણતરીએ ભાવ વધ્યા હતા. સોના પાછળ ચાંદીમાં પણ સુધારો જળવાઈ રહ્યો હતો.  

બીજી બાજુ અન્ય કિંમતી ધાતુઓ પેલેડિયમ અને પ્લેટિનમમાં પણ આગઝરતી તેજી જોવા મળી રહી છે. ચીન તથા અમેરિકા વેપાર યુદ્ધ સમી રહ્યું છે અને ૨૦૨૦માં સ્થિતિમાં સુધાર થવાની આશા વધી રહી છે, જેને પગલે ક્રુડમાં ભાવ ઊંચકાયા હતા.

સ્થાનિક સોનાચાંદી બજારમાં ગોલ્ડ ૯૯.૫૦નો  દસ ગ્રામનો જીએસટી વગરનો ભાવ જે ગઈકાલે રૂપિયા ૩૯૭૪૦ બંધ રહ્યો હતો તે આજે વધીને ૩૯૮૦૯ બંધ જોવાયો હતો. ૯૯.૯૦ ગોલ્ડના ભાવ રૂપિયા ૩૯૯૦૦ આજે વધીને રૂપિયા ૩૯૯૬૯ રહ્યા હતા. જીએસટી સાથેના ભાવ ત્રણ ટકા ઊંચા બોલાતા હતા. ગોલ્ડ પાછળ ચાંદી પણ ઊંચકાઈ હતી. .૯૯૯ ચાંદી એક કિલોના ભાવ રૂપિયા ૪૬૨૭૦થી વધી રૂપિયા ૪૬૫૫૫ બંધ રહી હતી.

મોડીસાંજે ખાનગીમાં રૂપિયા ૪૬૫૦૦થી રૂપિયા ૪૬૫૫૦  સંભળાતા હતા. વિદેશમાં ગોલ્ડ એક ઔંસના ભાવ આજે નીચામાં ૧૫૫૨.૨૦ ડોલર તથા ઊંચામાં ૧૫૫૭.૪૦ ડોલર વચ્ચે અથડાતું જોવા મળ્યું હતું. જ્યારે ચાંદી ઔંસ દીઠ ૧૭.૯૧થી ૧૮.૦૯ ડોલર વચ્ચે અથડાતી જોવા મળી હતી. 

કરન્સી બજારમાં ડોલર ૭૧ રૂપિયાની સપાટી પાર કરીને રૂપિયા ૭૧.૦૮ બંધ રહ્યો હતો. ડોલરમાં ગઈકાલની સરખામણીએ ૧૬ પૈસા સુધારો થયો હતો. પાઉન્ડ ૪ પૈસા સુધરીને ૯૨.૬૬ ડોલર જ્યારે યુરો ૧૯ પૈસા ઘટી ૭૮.૯૬ રૂપિયા બંધ રહ્યો હતો. બ્રિટનમાં રિટેલ સેલના આંકડા નબળા આવતા વિશ્વ બજારમાં પાઉન્ડ નબળો પડયો હતો. આ હકીકતને ધ્યાનમાં રાખતા બ્રિટનમાં વ્યાજ દરમાં કપાત આવવાની ધારણાં રખાઈ રહી છે.

પેલેડિયમમાં પૂરવઠા ખેંચ વચ્ચે ઔદ્યોગિક માગ ચાલુ રહેતા ભાવમાં આગઝરતી તેજી ચાલુ રહી હતી. પેલેડિયમનો એક ઔંસ દીઠ ભાવ ૨૩૦૦ ડોલર પાર કરી ૨૩૭૬ ડોલર બોલાતો હતો. અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમમાં પણ ઔંસ દીઠ ૧૦૨૦ ડોલર બોલાતા હતા.અમેરિકા-ચીન વેપાર ડીલથી વર્તમાન વર્ષમાં સ્થિતિ સુધરવાની ધારણાંએ ક્રુડ ઓઈલમાં સુધારો જોવા મળ્યો છે. બ્રેન્ટ ક્રુડ પ્રતિ બેરલ ૬૫ ડોલરને પાર કરી મોડી સાંજે ૬૫.૧૦ ડોલર જ્યારે નાયમેકસ ૫૮ ડોલર પાર કરી ૫૮.૯૦ ડોલર બોલાતો હતો. 

Tags :