Gold-Silver ETF Crash: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના એક નિવેદને વૈશ્વિક બજાર સહિત ભારતીય રોકાણકારોના શ્વાસ અદ્ધર કરી દીધા છે. છેલ્લા કેટલાક સમયથી સોના અને ચાંદીમાં ચાલી રહેલી રૅકોર્ડબ્રેક તેજી પર અચાનક બ્રેક લાગી છે. 22 જાન્યુઆરીના રોજ ગોલ્ડ અને સિલ્વર Exchange Traded Funds(ETF)માં 15થી 21 ટકા જેટલો મોટો કડાકો જોવા મળ્યો હતો.
આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ ટ્રમ્પ દ્વારા યુરોપિયન દેશો પરના ટેરિફ અને ગ્રીનલૅન્ડ મુદ્દે લેવાયેલું નરમ વલણ છે. અગાઉ જ્યારે તણાવ વધુ હતો ત્યારે સુરક્ષિત રોકાણ ગણીને લોકો સોના-ચાંદીમાં નાણા રોકી રહ્યા હતા, પરંતુ જેવો આંતરરાષ્ટ્રીય જોખમનો ડર ઘટ્યો, રોકાણકારોએ પ્રોફિટ બુકિંગ શરુ કરી દીધું.
ઈટીએફ અને શેરબજારમાં ભારે વેચવાલી
ટ્રમ્પના વલણમાં ફેરફાર આવતા જ બજારની દિશા પલટાઈ ગઈ હતી. ટાટા સિલ્વર ઈટીએફમાં સૌથી વધુ 21%નો ઘટાડો નોંધાયો હતો, જ્યારે અન્ય સિલ્વર ઈટીએફ 14થી 16% જેટલા તૂટ્યા હતા. સોનાના ઈટીએફમાં પણ 9થી 12%નો ઘટાડો જોવા મળ્યો હતો. આ હલચલની અસર ભારતીય શેરબજાર પર પણ પડી, જેમાં ભારતની સૌથી મોટી ચાંદી ઉત્પાદક કંપની 'હિન્દુસ્તાન ઝિંક'ના શેરમાં 6%થી વધુનો ઘટાડો નોંધાયો હતો. બજારના નિષ્ણાતો માને છે કે આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં આવેલા આ સુધારાને કારણે રોકાણકારોએ સોના-ચાંદીમાંથી નાણાં પાછા ખેંચી લીધા છે.
આ પણ વાંચો: નોકરીઓનો નવો યુગ: આ 15 સેક્ટરમાં સૌથી વધુ કમાણી, જાણો ક્યાં આવશે મંદી
નિષ્ણાતોનો મત: શું સોનાની ચમક જળવાઈ રહેશે?
ભલે અત્યારે બજારમાં કડાકો જોવા મળી રહ્યો હોય, પરંતુ લાંબા ગાળે સોનાનું ભવિષ્ય હજુ પણ ઉજળું હોવાનું નિષ્ણાતો માને છે. એએનઝેડ(ANZ)ના સ્ટ્રેટેજીસ્ટ સોની કુમારીના મતે, સેન્ટ્રલ બૅન્કોના ટેકાને કારણે સોનું હજુ પણ મજબૂત સ્થિતિમાં છે. બીજી તરફ, જાણીતી બ્રોકરેજ ફર્મ ગોલ્ડમેન સેક્સે ડિસેમ્બર 2026 સુધીમાં સોનાનો ભાવ 5400 ડૉલર પ્રતિ ઔંસ સુધી પહોંચવાની આગાહી કરી છે. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં સંભવિત કાપ અને વૈશ્વિક અનિશ્ચિતતાને જોતા લાંબા ગાળાના રોકાણકારો માટે સોનું હજુ પણ આકર્ષક વિકલ્પ બની શકે છે. આમ, રોકાણકારોએ ઉતાવળમાં નિર્ણય લેવાને બદલે લાંબા ગાળાની વ્યૂહરચના અપનાવવી જોઈએ.


