સોના-ચાંદી તથા ડોલર ઉંચકાયા : આઠ મહિનામાં સોનાની આયાત સાત ટકા ઘટી
- જ્વેલરીની નિકાસમાં દોઢ ટકાની પીછેહટ: વિશ્વ બજારમાં કિંમતી ધાતુઓ ઉંચકાઈ: પ્લેટીનમના ભાવમાં બે ટકાથી વધુનો ઉછાળા
- રૂપિયા સામે બ્રિટીશ પાઉન્ડ તથા યુરોના સામસામા રાહ
(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ, તા. 02 જાન્યુઆરી 2020, ગુરુવાર
મુંબઈ ઝવેરી બજારમાં આજે આંચકા પચાવી ભાવ ફરી વધી આવ્યા હતા. વિશ્વ બજારના સમાચાર મજબૂતાઈ બતાવતા હતા. ઘરઆંગણે કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલર પણ ઉંચકાયો હતો. આના પગલે ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ વદી છે. કરન્સી બજારમાં આજે ડોલરના ભાવ ૧૫ પૈસા વધી રૂ.૭૧.૩૭ રહ્યા હતા.
વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંશના વધી ૧૫૨૩.૨૦ ડોલર થઈ સાંજે ભાવ ૧૫૨૨.૮૦ ડોલર રહ્યા હતા. વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદીના ભાવ પણ વધી ૧૭.૯૬ ડોલર થઈ સાંજે ભાવ ૧૭.૯૦ ડોલર રહ્યા હતા.
દરમિયાન, મુંબઈ કરન્સી બજારમાં આજે બ્રિટીશ પાઉન્ડના ભવા ૨૯ પૈસા ઘટી રૂ.૯૪.૧૭થી ૯૪.૧૮ રહ્યા હતા જ્યારે યુરોના ભાવ પાંચ પૈસા વધી રૂ.૭૯.૯૦થી ૭૯.૯૧ રહ્યા હતા.
યુરોના ભાવ આજે ચાલુ બજારે રૂ.૮૦ની ઉપર રૂ.૮૦.૦૩ સુધી ટ્રેડ થયા હતા. મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૧૦ ગ્રામના ૯૯.૫૦ના રૂ.૩૮૯૬૨ વાળા રૂ.૩૯૦૫૮ તથા ૯૯.૯૦ના રૂ.૩૯૧૧૯ વાળા રૂ.૩૯૨૧૫ બંધ રહ્યા હતા.
જ્યારે જીેલટી સાથેના ભાવ આ ભાવતી ૩ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, મુંબઈ બજારમાં આજે ચાંદીના ભાવ કિલોના જીએસટી વગર ૯૯૯ના રૂ.૪૬૧૪૫ વાળા રૂ.૪૬૩૪૦ બંધ રહ્યા પછી સાંજે ભાવ રૂ.૪૬૩૦૦થી ૪૬૩૫૦ તથા કેશમાં ભાવ આ ભાવથી રૂ.૮૦૦થી ૮૫૦ ઉંચા રહ્યા હતા. જ્યારે જીએસટી સાથેના ભાવ ૩ ટકા ઉંચા રહ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ આજે વધી રહ્યા હતા. ત્યારે અમેરિકા તથા યુરોપના શેરબજારો પણ ઉંચા ગયા હતા.
ચીન દ્વારા બેન્કો માટે કેશ રિઝર્વ રેશિયો ઘટાડતાં ત્યાં રોકડ પ્રવાહિતા સિસ્ટમમાં વધવાની ગણતરી જાણકારો બતાવી રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં આજે વિવિધ કરન્સીઓ સામે ડોલરનો ઈન્ડેક્સ નીચે જતાં સોનામાં વિશ્વ બજારમાં ઘટાડે ફંડવાલા લેવાલ રહ્યા હતા. વિશ્વ બજારમાં મોડી સાંજે સોનાના ભાવ ઔંશદીઠ ૧૫૨૪.૬૦થી ૧૫૨૪.૭૦ ડોલર રહ્યા હતા.
જ્યારે ચાંદીના ભાવ ૧૮.૦૦થી ૧૮.૦૧ ડોલર રહ્યા હતા. પ્લેટીનમના ભાવ બે ટકાથી વધુ ઉછળી સાંજે ૯૮૭.૪૦થી ૯૮૭.૫૦ ડોલર રહ્યા હતા. જ્યારે પેલેડીયમના ભાવ વદી સાંજે ૧૯૫૦ ડોલર રહ્યા હતા. ન્યુયોર્ક કોપર વાયદાના ભાવ આજે સાંજે ધીમો સુધારો બતાવતા હતા. જ્યારે વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભવા શાંત હતા.
બ્રેન્ટ ક્રૂડના ભાવ આજે સાંજે બેરલદીઠ ૬૬થી ૬૬.૦૫ ડોલર રહ્યા હતા. જ્યારે ન્યુયોર્કના ભાવ ૬૧ ડોલર રહ્યા હતા. દરમિયાન, લંડન એક્સ.માં આજે કોપરના ભાવ ટન ૩ મહિનાની ડિલીવરીના ૬૨૧૦ ડોલર રહ્યા હતા. કોપરનો સ્ટોક ૧૦૨૫ ટન ઘટયો હતો.
ભારતમાં લ૨૦૧૯માં એપ્રિલથી નવેમ્બરના ગાળામાં સોનાની આયાત ૭ ટકા ઘટી આશરે ૨૦ અબજ ડોલરની થઈ છે જ્યારે જ્વેલરીની નિકાસ આ ગાળામાં દોઢ ટકો ઘટી હોવાના સમાચાર હતા.