યુએસ-ઈરાન યુદ્ધની શક્યતા ઘટતાં સોના-ચાંદી તથા ક્રૂડતેલના ભાવ વધ્યા પછી ઝડપથી ગબડયા
- ઝવેરી બજાર તથા કરન્સી બજારમાં ઉછાળા ઉભરા જેવા નિવડયા: પેલેડીયમના ભાવ ૨૧૦૦ ડોલર ઉપર ગયા પછી નીચા ઉતર્યા
(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ, તા. 08 જાન્યુઆરી 2020, બુધવાર
મુંબઈ ઝવેરી બજારમાં આજે ભાવમાં બેતરફી વધઘટે તેજી આગળ વધી હતી. જોકે આજે સવારે સોના-ચાંદીના ભાવ નોંધપાત્ર ઉંચા ખુલ્યા પછી સાંજે ભાવ ઉંચા મથાળેથી નીચા ઉતર્યા હતા છતાં મંગળવારના બંધ ભાવની સામે આજે બુધવારે બંધ ભાવ ઉંચા રહ્યા હતા. વિશ્વ બજારમાં સોના ચાંદીના ભાવ ઉછળ્યા પછી બપોર પછી નીચા ઉતર્યા હતા. ઈરાને ઈરાક ખાતે આવેલા એરબેઝ પર મિસાઈલ હુમલાઓ કર્યાના સમાચાર આજે સવારે આવ્યા હતા. તથા આ હુમલામાં અમેરિકાના ઘણા સૈનિકો માર્યા ગયાનો દાવો ઈરાને કર્યો હતો.
આના પગલે અમેરિકા તથા ઈરાન વચ્ચે ટેન્શન વધતાં વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઉછળી એક તબક્કે ઔંશના ૧૬૦૦ ડોલર ઉપર ઝઈ ૧૬૧૧.૭૦ ડોલર સુધી પહોંચી ગયા હતા જોક ેત્યારપછી ભાવ નીચા ઉતરી ૧૫૭૦ થઈ સાંજે ભાવ ૧૫૮૦.૧૦ ડોલર રહ્યાના સમાચાર મળ્યા હતા.
વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે પણ ઝવેરી બજારમાં કિંમતી ધાતુઓના ભવા સવારે ઉછળ્યા પછી બપોર પછી નીચા ઉતર્યા હતા. મુંબઈ કરન્સી બજારમાં આજે ડોલરના ભાવ ઉંચામાં રૂ.૭૨.૦૮ તથા નીચામાં ૭૧.૬૮ રહ્યા પછી બંધ ભાવ રૂ.૭૧.૭૦ હતાં ડોલરના ભાવમાં ૧૨ પૈસાનો ઘટાડો નોંધાયો હતો.
દરમિયાન મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૧૦ ગ્રામના ૯૯.૫૦ના રૂ.૪૦૩૭૫ વાળા ઉંચામાં રૂ.૪૧૦૮૮ થઈ રૂ.૪૦૬૮૭ બંધ રહ્યા હતા જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૪૦૫૩૭ વાળા રૂ.૪૧૨૫૩ થઈ રૂ.૪૦૮૫૧ બંધ રહ્યા હતા. જ્યારે જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.
દરમિયાન, મુંબઈ બજારમાં આજે ચાંદીના ભાવ કિલોના ૯૯૯ના જીએસટી વગર રૂ.૪૭૧૪૫ વાળા રૂ.૪૮૩૯૫ થયા પછી બંધ ભાવ રૂ.૪૭૭૯૫ રહી સાંજે ભાવ રૂ.૪૭૭૦૦થી ૪૭૭૫૦ તથા કેશમાં ભાવ આ ભાવથી રૂ.૮૦૦થી ૮૫૦ ઉંચા રહ્યા હતા. જ્યારે જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.
વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદીના ભાવ ઔંશદીઠ એક તબક્કે ઉછળી ઉંચામાં ૧૮.૮૮ ડોલર થયા પછી નીચામાં ભવા ૧૮.૩૫ ડોલર થઈ સાંજે ભાવ ૧૮.૪૦ ડોલર રહ્યા હતા. વિશ્વ બજાર પાછળ તથા ડોલર પાછળ ઝવેરી બજારમાં આજે કિંમતી ધાતુઓમાં આરંભીક ઉછાળા ઉભરા જેવા નિવડયા હતા તથા બપોર પછી ભવા ઝડપી નીચા ઉતર્યા હતા.
ઈરાન તથા અમેરિકા વચ્ચેઆગળ ઉપર કેવા નવા બનાવો બને છે એના પર વિશ્વ બજારના ખેલાડીઓની નજર રહી છે. દરમિયાન, ક્રૂડતેલના ભાવ આજે સાંજે ન્યુયોર્કના બેરલના આશરે ૧.૨૦થી ૧.૨૫ ટકા નરમ રહી ૬૨ ડોલરની અંદર ઉતરી ૬૧.૯૦ થઈ ૬૨.૦૮ ડોલર બોલાઈ રહ્યા હતા. અમેરિકાના શેરબજારો આજે સાંજે આંચકા પચાવી ફરી ઉંચા બોલાતા થયા હતા.
ઈરાને મિસાઈલ એટેક કર્યા પછી વિશ્વ બજારના જાણકારોના જણાવ્યા મુજબ ઈરાન અમેરિકા સાથે કુલ કેલેજે વોર કરશે એવી શક્યતા ઘટી છે અને તેના પગલે વિશ્વ બજારમાં આજે બપોર પછી સોના-ચાંદી તથા ક્રૂડતેલના ભાવ ઉંચા મથાળેથી ઝડપી નીચા ઉતર્યા હતા. આજે સાંજે બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના ઘટી ૬૮ ડોલરની અંદર ૬૭.૮૫થી ૬૭.૯૦ ડોલર રહ્યા હતા.
જ્યારે સોનાના ભાવ નીચા ઉતરી સાંજે ઔંશના ૧૫૭૭.૭૦થી ૧૫૭૩.૮૦ ડોલર રહ્યા હતા. જ્યારે ચાંદીના ભાવ ઉંચેથી ગબડી ઔંશદીઠ સાંજે ૧૮.૨૭થી ૧૮.૨૮ ડોલર રહ્યા હતા. પ્લેટીનમના ભાવ આજે સાંજે ઘટી ઔંશના ૯૬૯.૬૦થી ૯૬૯.૭૦ ડોલર તથા પેલેડીયમના ભાવ સાંજે ૨૦૯૫.૬૦થી ૨૦૯૫.૭૦ ડોલર રહ્યાના સમાચાર હતા. પેલેડીયમના ભવા આજે ઉંચામાં ૨૧૦૦ ડોલરની ઉપર ગયા પચી સાંજે ફરી ૨૧૦૦ ડોલરની અંદર બોલાતા થયા હતા.