Get The App

યુદ્ધ વચ્ચે સોના-ચાંદીમાં મોટો કડાકો, એકઝાટકે સોનું 1800 તો ચાંદી 7500 રૂપિયા સસ્તી?

Updated: Mar 9th, 2026

GS TEAM

Google News
Google News
Gold-Silver Rate Fall


Gold-Silver Rate Fall: મિડલ ઈસ્ટમાં ચાલતા યુદ્ધ અને વૈશ્વિક તણાવની વચ્ચે સોના-ચાંદીના ભાવમાં અચાનક મોટો ઘટાડો જોવા મળ્યો છે, જેનાથી રોકાણકારો હેરાન છે. સામાન્ય રીતે અશાંતિના સમયમાં સોના-ચાંદીને સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે અને તેના ભાવ વધતા હોય છે, પરંતુ આ વખતે બજાર ખુલતાંની સાથે જ કિંમતી ધાતુઓના ભાવમાં મોટો કડાકો જોવા મળ્યો છે. સોમવારે ચાંદીના ભાવમાં એકાએક 7,500 રૂપિયા અથવા 2.53% સુધીનો મોટો ઘટાડો નોંધાયો છે, જ્યારે સોનું પણ પ્રતિ 10 ગ્રામ 1800 રૂપિયાથી વધુ સસ્તું થયું છે.

ચાંદીના ભાવમાં એક જ ઝટકામાં 7,542 રૂપિયાનો ઘટાડો

ચાંદીના ભાવમાં આવેલા આ મોટા ઘટાડાની વાત કરીએ તો, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર શુક્રવારે ચાંદીનો ભાવ 2,68,285 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો હતો, જે સોમવારે ખુલતાંની સાથે જ ઘટીને 2,60,743 રૂપિયા પર આવી ગયો હતો. આમ, માત્ર એક જ ઝટકામાં ચાંદી પ્રતિ કિલો 7,542 રૂપિયા સસ્તી થઈ છે. 

તેવી જ રીતે સોનાના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. શુક્રવારે 1,61,634 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયેલું સોનું સોમવારે ઘટીને 1,59,826 રૂપિયા પર પહોંચ્યું હતું, એટલે કે 24 કેરેટ સોનામાં પ્રતિ 10 ગ્રામ 1808 રૂપિયાનો ઘટાડો થયો છે.

આ પણ વાંચો: 9 દિવસમાં રોકાણકારોના 60 લાખ કરોડ સ્વાહા, શેરબજારમાં 1 દિવસમાં માર્કેટ કેપ 10 લાખ કરોડ ઘટી

વૈશ્વિક તણાવ વચ્ચે સોના-ચાંદીમાં ઘટાડો

સામાન્ય રીતે જ્યારે દુનિયામાં તણાવ વધે છે, ત્યારે રોકાણકારો સોના-ચાંદીને સુરક્ષિત માનીને તેમાં રોકાણ વધારે છે, જેના કારણે તેના ભાવ આસમાને પહોંચતા હોય છે. જોકે, અત્યારે સ્થિતિ થોડી અલગ જોવા મળી રહી છે, કારણ કે યુદ્ધની શરૂઆતમાં ભાવમાં મોટો ઉછાળો આવ્યા બાદ હવે રોકાણકારો નફો વસૂલ કરવાનું એટલે કે 'પ્રોફિટ બુકિંગ' કરવાનું પસંદ કરી રહ્યા છે. એક્સપર્ટ્સના જણાવ્યા મુજબ, રોકાણકારો અત્યારે કિંમતી ધાતુઓમાં રોકાણ કરવાને બદલે હાથ પર રોકડ રકમ રાખવાને વધુ મહત્ત્વ આપી રહ્યા છે, જેના પરિણામે બજારમાં સોના-ચાંદીની કિંમતોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.

યુદ્ધ વચ્ચે સોના-ચાંદીમાં મોટો કડાકો, એકઝાટકે સોનું 1800 તો ચાંદી 7500 રૂપિયા સસ્તી? 2 - image