ટ્રમ્પના ટેરિફે હવે ગોલ્ડ માર્કેટ હચમચાવ્યું: રેકોર્ડ સ્તર પર પહોંચ્યા ભાવ, હજુ ભારે તેજીના એંધાણ
Gold Prices: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગોલ્ડ બાર પર ટેરિફ લાદવાનો નિર્ણય જાહેર કરતાં કિંમતી ધાતુના ભાવમાં આકર્ષક ઉછાળો નોંધાયો છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ગોલ્ડ ફ્યુચર્સ રેકોર્ડ ટોચે પહોંચ્યું છે. જ્યારે સ્થાનિક બજારમાં પણ સોનું 1,04,000 પ્રતિ 10 ગ્રામની રેકોર્ડ સપાટી કુદાવી ગયું છે. ચાંદી પણ રૂ. 1,16,000 પ્રતિ કિગ્રા પર ક્વોટ થઈ રહી છે.
અમેરિકાનો નવો ટેરિફ
અમેરિકી મીડિયા અનુસાર, યુએસ કસ્ટમ્સે 1 કિગ્રા અને 100 ઔંસના ગોલ્ડ બારને ટેરિફ કેટેગરીમાં સામેલ કર્યા છે. આ નિર્ણય ખાસ કરીને સ્વિટ્ઝરલેન્ડ જેવા દેશોને પ્રભાવિત કરશે. જે વિશ્વમાં સૌથી ટોચનું ગોલ્ડ રિફાઈનિંગ હબ છે. સ્વિટ્ઝરલેન્ડે છેલ્લા એક વર્ષમાં અમેરિકામાં 61.5 અબજ ડોલરના સોનાની નિકાસ કરી હતી. ટ્રમ્પના આ પગલાંથી બેન્ક સેટલમેન્ટ અને ગોલ્ડ ટ્રેડમાં મુશ્કેલીઓ આવી શકે છે. જેના લીધે વૈશ્વિક બજારોમાં સોનાના ભાવોમાં તેજી જોવા મળી હતી.
સોનું રૂ. 800 ઉછળી નવી ટોચે
અમદાવાદમાં આજે સોનાનો ભાવ રૂ. 800 ઉછળી રૂ. 1,04,300 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યા હતા. જ્યારે ચાંદી રૂ. 1,16,000 પ્રતિ કિગ્રા પર ક્વોટ થઈ રહી હતી. તહેવારોની આવતીકાલથી શરૂ થઈ રહેલી સીઝનમાં કિંમતી ધાતુના ભાવ રેકોર્ડ ટોચે નોંધાતા સ્થાનિક બજારમાં ઘરાકીનો અભાવ જોવા મળ્યો છે. વૈશ્વિક પરિબળોના પગલે સોના-ચાંદી હજી નવી રેકોર્ડ સપાટી નોંધાવે તેવી શક્યતા સાથે પ્રોફિટ બુકિંગ વધી શકે છે.
આ પણ વાંચોઃ ફક્ત રશિયાનું ઓઈલ નહીં પણ ભારતની આ વાતને લઈને પણ ટ્રમ્પને પેટમાં દુઃખે છે!
ટ્રમ્પના ટેરિફ બોમ્બથી સેફ હેવનની માગ વધી
ટ્રમ્પના વિવિધ દેશો પર ટેરિફ બોમ્બના કારણે મોંઘવારી વધવાની ભીતિ સર્જાઈ છે. ડોલર નબળો પડ્યો છે. ફેડના વ્યાજ દરો ઘટવાની અપેક્ષા વચ્ચે રોકાણકારો સેફ હેવન તરફ ડાયવર્ટ થયા છે. જેના લીધે સોનાના ભાવ રેકોર્ડ સ્તરે વધી રહ્યા છે. રોકાણકારો માટે આ એક મજબૂત સેફ હેવન સાબિત થઈ રહ્યું છે. વૈશ્વિક સ્તરે સ્પોટ ગોલ્ડ આજે 29.30 ડોલર ઉછળી 3483.50 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું છે. જ્યારે સિલ્વર 0.311 ડોલર વધી 38.60 ડોલર પ્રતિ ઔંસ પર ક્વોટ થઈ રહી છે.
સોનું રૂ. 10,000 ઉછળવાની શક્યતા
વર્તમાન પરિબળોને ધ્યાનમાં લેતાં આગામી સમયમાં સોના-ચાંદીના ભાવમાં વધુ ઉછાળો નોંધાય તેવી શક્યતા છે. કોમોડિટી નિષ્ણાતોના મતે, ટૂંકા ગાળા માટે સોનાનો ભાવ રૂ. 10,000 સુધી વધી શકે છે. ચાંદીમાં પણ ભાવ વધવાની વકી છે.
(નોંધઃ અહીં આપવામાં આવેલા સમાચાર માત્ર માહિતી પૂરતા છે. જે રોકાણ કરવાની સલાહ આપતા નથી. રોકાણ કરતાં પહેલાં તમારા નાણાકીય સલાહકારની સલાહ અવશ્ય લો.)