સોનું વધુ રૂ. 1500 સસ્તું થયું, ચાંદીમાં પણ ઘટાડો, જાણો અમદાવાદમાં આજના ભાવ
Gold Price Today: વૈશ્વિક અને સ્થાનિક સ્તરે વેપાર તણાવમાં ઘટાડો નોંધાતા કિંમતી ધાતુના ભાવો ઘટ્યા છે. વૈશ્વિક બજારોના સથવારે અમદાવાદમાં આજે સોનું રૂ. 1500 સસ્તું થયું છે. જ્યારે ચાંદી રૂ. 500 સસ્તી થઈ છે. એમસીએક્સ સોના-ચાંદીમાં પણ ઘટાડો નોંધાયો હતો.
અમદાવાદમાં સોનું (24 કેરેટ) આજે રૂ. 1500 ઘટી રૂ. 95500 પ્રતિ 10 ગ્રામ થયુ હતું. જે તેની રૅકોર્ડ ટોચ રૂ. 1,01,500 પ્રતિ 10 ગ્રામ સામે 25 દિવસમાં રૂ. 6000 સસ્તુ થયું છે. ચાંદીનો ભાવ આજે રૂ. 500ના ઘટાડા સાથે રૂ. 95500 પ્રતિ કિગ્રા થયો હતો. 22 કેરેટ સોનાનો ભાવ આજે રૂ. 95200 પ્રતિ 10 ગ્રામ નોંધાયો હતો. જે ગઈકાલે રૂ. 96700 પ્રતિ 10 ગ્રામ હતો.
આ પણ વાંચોઃ સોનામાં રૂ.500 તથા ચાંદીમાં રૂ.1000નો ઘટાડો:ક્રૂડમાં વધઘટ
ટ્રેડ ડીલ, મજબૂત અર્થવ્યવસ્થાના કારણે કરેક્શન
અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ ડીલ થયા બાદ ભારત અને અમેરિકા વચ્ચે પણ સફળ વેપાર મંત્રણા ચાલી રહી હોવાના અહેવાલો મળ્યા છે. સ્થાનિક સ્તરે પણ મજબૂત અર્થવ્યવસ્થાના સંકેતોએ કિંમતી ધાતુમાં આકર્ષણ ઘટાડ્યું છે. વધુમાં સ્થાનિક બજારોમાં લગ્નસરા અને તહેવારોની સીઝન ન હોવાના કારણે પણ સોના-ચાંદીમાં ઘરાકી ઘટી છે. પરિણામે છેલ્લા કેટલાક મહિનાથી સોના-ચાંદીમાં નોંધાયેલી રૅકોર્ડ તેજી બાદ કરેક્શન જોવા મળ્યું છે. હાલ માર્કેટમાં પ્રોફિટ બુકિંગ વધ્યું છે.
વૈશ્વિક સ્તરે સોનામાં એક માસનો સૌથી મોટો ઘટાડો
વિશ્વની ટોચની બે મહાસત્તા વચ્ચે ટ્રેડ ડીલ થયા બાદ વેપાર તણાવ ઘટ્યો છે. જિઓ-પોલિટિકલ ક્રાઇસિસમાં પણ ઘટાડો નોંધાતા બુલિયન માર્કેટમાં શુષ્ક બન્યા છે. વૈશ્વિક સ્તરે સ્પોટ ગોલ્ડ આજે 0.8 ટકા તૂટી 3154 પ્રતિ ઔંસ નોંધાયુ હતું. જે 10 એપ્રિલના રોજ 1 ટકા ઘટાડા બાદથી સૌથી મોટો ઘટાડો છે. સમાચાર લખાયા ત્યારે સ્પોટ ગોલ્ડ 3.30 ડૉલર તૂટી 3185 ડોલર પ્રતિ ઓંસ પર ક્વોટ થઈ રહ્યું હતું.