સોનામાં રૂ.500 તથા ચાંદીમાં રૂ.1000નો ઘટાડો:ક્રૂડમાં વધઘટ
- અમેરિકાએ સિરીયા પરના અંકુશો હળવા કરતાં વિશ્વ બજારમાં હવે સિરીયાના ક્રૂડતેલની સપ્લાય વધવાની બતાવાતી આશા
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોેના-ચાંદીના ભાવમાં ઉછાળા ઉભરા જેવા નિવડતાં ભાવ ફરી તૂટયા હતા. વિશ્વ બજારના સમાચાર ઉછાળે ફંડોનું સેલીંગ બતાવતા હતા. ચીન તથા અમેરિકા વચ્ચે વેપાર કરાર થઈ જતાં સોનામાં સેફ-હેવન ડિમાન્ડ ઘટયાની ચર્ચા હતી.
વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ.૫૦૦ ઘટી ૯૯૫ના રૂ.૯૬૭૦૦ તથા ૯૯૯ના રૂ.૯૭૦૦૦ બોલાતા થયા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૧૦૦૦ ઘટી રૂ.૯૬૫૦૦ રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ૩૨૦૭ ડોલર રહ્યા હતા. વૈશ્વિક ચાંદીના ભાવ પણ ૩૨.૨૭ ડોલર રહ્યા હતા.
દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૯૩૯૬૬ વાળા રૂ.૯૩૪૦૧ થઈ છેલ્લે રૂ.૯૩૪૮૩ રહ્યા હતા જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૯૪૩૪૪ વાળા રૂ.૯૩૭૭૬ થઈ રૂ.૯૩૮૫૯ છેલ્લે રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૯૬૮૨૦ વાળા રૂ.૯૫૯૪૯ થઈ છેલ્લે રૂ.૯૬૪૦૦ રહ્યા હતા.
વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ વધી ૯૯૫ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ વધી ૯૬૨ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ જોકે આજે ૦.૬૮ ટકા નરમ હતા.
અમેરિકાએ સીરીયા પરનો પ્રતિબંધ હળવો કરવાના સંકેતો આપ્યા હતા આના પગલે સિરીયાનું ઓઈલ વિશ્વ બજારમાં વધુ આવવાની આશા સર્જાઈ છે. વિશ્વ બજારમાં આજે બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ઉંચામાં ૬૬.૫૯ થયા પછી ૬૫.૭૨ થઈ ૬૫.૯૫ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ઉંચામાં ૬૩.૬૮ થયા પછી નીચામાં ભાવ ૬૨.૭૫ થઈ ૬૨.૯૮ ડોલર રહ્યાના સમાચાર હતા.