કિંમતી ધાતુની તેજી પર બ્રેક વાગી, સોનું એક લાખ અંદર, ચાંદીમાં પણ નોંધાયો ઘટાડો, જાણો આજના ભાવ
Gold Price Today: કિંમતી ધાતુના ભાવ તેજી બાદ હવે કરેક્શન મોડ પર જોવા મળ્યા છે. અમેરિકાના ટેરિફ વૉરના ભય વચ્ચે અન્ય દેશો સાથે થઈ રહેલી ટ્રેડ ડીલના કારણે સોના-ચાંદીના ભાવ ઘટ્યા છે. 28 જુલાઈ, 2025ના રોજ સોનાની કિંમતમાં રૂ. 500નો ઘટાડો નોંધાયો છે.
દિલ્હીમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ રૂ. 99920 પ્રતિ 10 ગ્રામ આસપાસ બોલાઈ રહ્યો છે. શનિવારે તેનો ભાવ રૂ. 100470 પ્રતિ 10 ગ્રામ હતો. ચાંદીના ભાવમાં પણ ઘટાડો નોઁધાયો છે. ચાંદી આજે રૂ. 2000 તૂટી રૂ. 115,900 પ્રતિ 10 ગ્રામ પર ક્વોટ થઈ રહી છે.
અમદાવાદમાં શું છે ભાવ
IBJA અનુસાર, અમદાવાદમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ રૂ. 99970 પ્રતિ 10 ગ્રામ બોલાઈ રહ્યો છે. જે શનિવારે રૂ. 1,01,200 પ્રતિ 10 ગ્રામ સામે રૂ. 1230નો ઘટાડો દર્શાવે છે. મુંબઈમાં સોનાની કિંમત રૂ. 99920 પ્રતિ 10 ગ્રામ પર ક્વોટ થઈ રહી છે. સોનાના ઊંચા ભાવોના કારણે ખરીદી ઘટી છે.
આ પણ વાંચોઃ ભારતની દિગ્ગજ IT કંપનીમાં 12000 કર્મચારીની નોકરી પર લટકતી તલવાર, કંપનીનો છટણીનો પ્લાન
ટેરિફની સમય-મર્યાદા પર નજર
રોકાણકારોનું ફોકસ હવે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની એક ઓગસ્ટના રોજ પૂર્ણ થતી ટેરિફ રાહત મર્યાદા પર છે. અત્યારસુધી ટ્રમ્પ ત્રણ વખત રેસિપ્રોકલ ટેરિફની ડેડલાઈન આપી ચૂક્યા છે. જો કે, વિવિધ દેશો આ મામલે સમાધાન કરવા અમેરિકા સાથે વાતચીત કરી રહ્યા હોવાથી તેની ડેડલાઈન લંબાવવામાં આવી રહી હોવાનું જણાવ્યું છે. 30 ઓક્ટોબરથી 1 નવેમ્બર દરમિયાન એશિયા-પેસિફિક આર્થિક સહયોગ સંમેલન પહેલાં ટ્રમ્પ ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથે મુલાકાત કરી શકે છે.
ભારત સાથે પણ વેપાર કરાર અંતિમ તબક્કામાં
અમેરિકા-ભારત વચ્ચે પણ વેપાર કરાર અંતિમ તબક્કામાં છે. અમેરિકાની ટ્રેડ ડીલ્સ અને આંતરરાષ્ટ્રીય આર્થિક ઘટનાઓની સીધી અસર કિંમતી ધાતુ પર થઈ રહી છે. ગત સપ્તાહની શરૂઆતમાં વૈશ્વિક અનિશ્ચિતતાઓના કારણે સોના-ચાંદીના ભાવ ઐતિહાસિક ટોચે પહોંચ્યા હતાં.