Get The App

સોનામાં રૂ.141000નું નવું શિખર: દિલ્હી ચાંદી રૂ.9750 ઉછળીને રૂ.227000

- ચાંદી ત્રણ દિવસમાં રૂ.૨૧ હજાર વધી: ન્યુયોર્કમાં ભાવ ૭૨ ડોલર સામે ચીનમાં ૭૮ ડોલર

- વૈશ્વિક સોનું ઉછળી ઔંસના ૪૫૦૦ ડોલર પાર : ટૂંકમાં ચાંદી રૂપિયા અઢી લાખ થઈ થવાની શક્યતા

Updated: Dec 25th, 2025

GS TEAM

Google News
Google News
સોનામાં રૂ.141000નું નવું  શિખર: દિલ્હી ચાંદી રૂ.9750 ઉછળીને રૂ.227000 1 - image

અમદાવાદ,મુંબઈ : ટેરીફના કારણે અનિશ્વિત વાતાવરણમાં સેફ હેવન લેવાલી રૂપે ફંડો સોના-ચાંદી તરફ વળતા વૈશ્વિક બજોરોમાં સોના-ચાંદી નવી ટોચ તરફ આગળ વધી રહ્યા છે.  વિશ્વ બજારમાં સોનાના ભાવ વધુ ઉછળી ઔસના ઉંચામાં ૪૫૦૦ ડોલર કુદાવી ગયા હતા.આ અહેવાલો પાછળ ભારતીય સોના-ચાંદી બજારમાં આજે દિલ્હી ચાંદીએ રૂ.૨,૨૭,૦૦૦ અને અમદાવાદ સોનાએ રૂ.૧,૪૧,૦૦૦નો નવો વિક્રમ રચ્યો હતો.

મુંબઈ ઝવેરી બજારમાં આજે  સોના-ચાંદીના ભાવમાં રેકોર્ડ બ્રેક તેજી વેગથી આગળ વધતાં નાતાલ પૂર્વે કિંમતી ધાતુઓમાં નવી ઊંચી ટોચ દેખાઈ હતી. વિશ્વ બજારમાં ભાવમાં આગઝરતી તેજી જોવા મળી હતી. વિશ્વ બજાર વધુ ઉછળતાં તથા ઘરઆંગણે કરન્સી બજારમાં ડોલર સામે રૂપિયો ઘટતાં દેશમાં આયાત થતી કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ ઝડપથી વધી ગઈ છે  અને તેના કારણે દેશના ઝવેરી બદજારોમાં રોજેરોજ ભાવ કુદકે-ને-ભુસકે વધતાં જતા જોવા મળ્યા હતા.

 વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંશના ૪૪૮૬થી ૪૪૮૭ વાળા વધી ઉંચામાં ભાવ પ્રથમ વખત ૪૫૦૦ પાર કરી ૪૫૨૪થી ૪૫૨૫ ડોલરની નવી ટોચ બતાવી ત્યારબાદ ભાવ ફરી ઘટી ૪૪૯૪થી ૪૪૯૫ ડોલર રહ્યાના નિર્દેશો હતા. રશિયા-યુક્રેન પછી હવે અમેરિકા તથા વેનેઝુએલા વચ્ચે તણાવ વધતાં  તથા ક્રૂડની તેજી વચ્ચે વિશ્વ બજારમાં સોનામાં ફંડો એક્ટીવ રહ્યા હતા. વૈશ્વિક ચાંદીના ભાવ ઔંસના ૬૯.૬૭ ડોલરથી ઉછળી ઉંચામાં ભાવ ૭૨ પાર કરી ૭૨.૭૦ થઈ ૭૨.૭૩થી ૭૨.૭૪ ડોલર રહ્યા હતા.ચીનના બજારોમાં ભાવ વધુ ઉંચા ૭૮ ડોલર સુધી પહોંચી ગયાની ચર્ચા પણ બજારમાં સંભળાઈ હતી.

 વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે આજે અમદાવાદ ઝવેરી બજારમાં ચાંદીના ભાવ કિલોના વધુ રૂ.૯૦૦૦ ઉછળી રૂ.૨૨૧૦૦૦ની નવી ટોચે પહોંચ્યા હતા. અમદાવાદ સોનાના ભાવ આજે ૧૦ ગ્રામના વધુ રૂ.૫૦૦ વધી ૯૯૫ના રૂ.૧૪૦૭૦૦ તથા ૯૯૯ના  રૂ.૧૪૧૦૦૦ બોલાતા નવો રેકોર્ડ થયો હતો. સોનાના ભાવ ત્રણ દિવસમાં રૂ.૪૫૦૦ ઉછળ્યા હતા.

દિલ્હી સોના-ચાંદી બજારમાં આજે ચાંદીમાં રૂ.૯૭૫૦નો ઉછાળો નોંધાતા રૂ.૨,૨૭,૦૦૦ની વિક્રમી સપાટીએ પહોંચી હતી. જ્યારે સોનું રૂ.૫૦ ઘટી૧૪૦૮૦૦ની સપાટીએ રહ્યુ હતુ. 

દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર વધી ૯૯૫ના રૂ.૧૩૬૦૮૦ તથા ૯૯૯ના  રૂ.૧૩૬૬૨૭ રહ્યા હતા. જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૨૧૧૦૦૦ વાળા રૂ.૨૧૮૯૫૩ બોલાયા હતા. 

 વિશ્વ બજારમાં અન્ય કિંમતી ધાતુઓ પણ ઉછળતી  જોવા મળી હતી.  પ્લેટીનમના  ભાવ ઔંસ દીઠ ૨૧૭૬ વાળા વધી ઉંચામાં ભાવ ૨૩૮૧ થઈ ૨૩૧૫થી ૨૩૧૬ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ઉંચામાં ૧૮૬૨ થઈ ૧૮૩૧થી ૧૮૩૨ ડોલર રહ્યા હતા.

 મુંબઈ બુલિયન બજારમાં  પ્લેટીનમના ભાવ ઉછલી ૧૦ ગ્રામના રૂ.૭૪ હજાર નજીક પહોંચી ગયા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે વધુ દોઢ ટકો વધતાં ૧૨ હજાર ડોલર ઉપર નવી ટોચ બજારમાં જોવા મળી હતી. નવા વર્ષના આગમન પૂર્વે કદાચ ચાંદીના ભાવ ઉછળી રૂપિયા અઢી લાખ થઈ જાય તો નવાઈ નહિં એવું બજારના એનાલીસ્ટો જણાવી રહ્યા હતા.

દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલમાં પણ તેજી આગળ વધી હતી. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના વધી ૬૨.૭૭ થઈ ૬૨.૫૬ ડોલર તતા યુએસ ક્રૂડના ભાવ ઉંચામાં  ૫૮.૭૫ થઈ ૫૮.૬૨ ડોલર રહ્યા હતા.  વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ ઘટતાં વૈશ્વિક સોનામાં ફંડોનું બાઈંગ વધ્યાની ચર્ચા બજારમાં સંભળાઈ રહી હતી.