સોનું સતત આઠમા દિવસે નવી ઊંચાઈએ, પ્રતિ દસ ગ્રામનો ભાવ 1,10,000, સર્જાયો નવો રેકોર્ડ
Gold Price All Time High: અમેરિકામાં મંદીની ભીતિ અને ફેડ રિઝર્વ દ્વારા વ્યાજના દરોમાં ઘટાડાની તીવ્ર શક્યતાઓ વચ્ચે કિંમતી ધાતુના ભાવ રોજ નવી ઊંચાઈ આંબી રહ્યા છે. અમદાવાદમાં આજે સોનું ફરી નવી રૂ. 1,10,000 પ્રતિ 10 ગ્રામની ઐતિહાસિક ટોચે પહોંચ્યું હતું. જે છેલ્લા પાંચ દિવસમાં રૂ. 5700 પ્રતિ 10 ગ્રામ મોંઘું થયું છે. બીજી તરફ ચાંદીમાં પ્રોફિટ બુકિંગ વધ્યું છે. ચાંદી આજે તેની રૅકોર્ડ ટોચથી રૂ. 3000 તૂટી રૂ. 1,22,000 પ્રતિ કિગ્રા પર ક્વોટ થઈ છે.
સળંગ આઠમા દિવસે ઓલટાઇમ હાઇ
ફેડ દ્વારા વ્યાજના દરોમાં ઘટાડાના સંકેતો અને જિઓ-પોલિટિકલ ક્રાઇસિસના કારણે કિંમતી ધાતુમાં રોકાણ વધી રહ્યું છે. હેજિંગ માટે સોનાની માગ વધી છે. ગોલ્ડ ઈટીએફ પ્રવાહ પણ ઝડપથી વધ્યો છે. જેથી વૈશ્વિક સ્તરે સોનું 4000 ડૉલર થવાની શક્યતા નિષ્ણાતો દ્વારા વ્યક્ત થઈ રહી છે. સ્થાનિક બજારમાં સોનું 28 ઑગસ્ટે સોનું રૂ. 104600 પ્રતિ 10 ગ્રામની રૅકોર્ડ ટોચ નોંધાવ્યા બાદ સતત ઉછાળા સાથે રોજ નવી સર્વોચ્ચ ટોચ બનાવી રહ્યું છે.
MCX પર સોના અને ચાંદીની કિંમત નજીવી વૃદ્ધિ સાથે આગેકૂચ કરી રહી છે. સોનું 3 ઑક્ટોબર વાયદો રૂ. 284 વધી રૂ. 106701 પ્રતિ 10 ગ્રામ જ્યારે ચાંદીનો 5 ડિસેમ્બર વાયદો રૂ. 427 વધી રૂ. 124347 પ્રતિ કિગ્રા પર ટ્રેડ થઈ રહ્યો છે.