Get The App

સોનામાં રૂ.3000, ચાંદીમાં રૂ.20,000નું ગાબડું

- પ્લેટીનમ રૂ.૪૦૦૦ તૂટયું : જોકે ક્રૂડ ઉછળી ૧૦૯ ડોલર ઉપર ગયું:વૈશ્વિક ડોલર વધતાં સોનામાં ફંડોનું સેલીંગ વધ્યાના નિર્દેશો

- વિશ્વ બજારમાં સોનામાં ૧૭૫ ડોલરનો કડાકો બોલાયો

Updated: May 16th, 2026

GS TEAM

Google News
Google News
સોનામાં રૂ.3000, ચાંદીમાં રૂ.20,000નું ગાબડું 1 - image

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં ઝડપી કડાકો બોલાયો હતો. જો કે ઘરઆંગણે ડોલર સામે આજે રૂપિયો  ગબડયો હતો  છતાં વિશ્વ બજારમાં કિંમતી ધાતુઓના ભાવ તૂટી જતાં દેશના ઝવેરી બજારોમાં  આજે મંદીનો આંચકો લાગ્યો હતો.  વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંસના ૧૭૦થી ૧૭૫ ડોલર તૂટી જતાં ખેલાડીઓ સ્તબ્ધ બની ગયા હતા. 

વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ.૩૦૦૦ તથા ચાંદીના ભાવ રૂ.૨૦ હજાર તૂટી ગયા હતા! વિશ્વ બજારમાં સોનાના ભાવ ૪૭૦૫થી ૪૭૦૬ ડોલરવાળા જે ગબડી નીચામાં ભાવ ૪૫૩૨ થઆ ૪૫૪૯થી ૪૫૫૦ ડોલર રહ્યા હતા. ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ વધી જતાં વૈશ્વિક સોનામાં આજે ફંડોનું સેલીંગ વધ્યું હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા.

દરમિયાન, સોના પાછળ વૈશ્વિક ચાદીના ભાવ ઔંસના ૮૬.૫૧થી તૂટી નીચામાં ભાવ ૭૬.૮૪ ડોલર થઈ ૭૭.૬૩ થી ૭૭.૬૪ ડોલર રહ્યા હતા. ઘરઆંગણે અમદાવાદ સોનાના ભાવ ઘટી ૯૯૫ના રૂ.૧૬૨૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૬૩૦૦૦ રહ્યા હતા. અમદાવાદ ચાંદીના ભાવ ગબડી રૂ.૨ લાખ ૬૦ હજાર બોલાયા હતા. મુંબઈ બુલિયન બજારમાં સોનાના ભાવ ગબડી જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૫૭૫૭૭ તથા ૯૯૯ના રૂ.૧૫૮૨૧૦ રહ્યા હતા. 

મુંબઈ ચાંદીના ભાવ તૂટી જીએસટી રૂ.૨૬૮૫૦૦ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. વિશ્વ બજારમાં આજે ક્રૂડતેલ બજારમાં બ્રેન્ટક્રૂડના ભાવ બેરલદીઠ ૧૦૪.૫૪થી ઉછળી ૧૦૯.૬૮ થઈ ૧૦૮.૩૧ ડોલર રહ્યા હતા. 

ઈરાન-અમેરિકા વચ્ચે ઘર્ષણ ચાલુ રહેવાના સંકેતો મળ્યા હતા. દરમિયાન, યુએસ ક્રૂડના ભાવ ઉંચામાં ૧૦૫.૩૧ થઈ ૧૦૪.૪૮ ડોલર રહ્યા હતા. ક્રૂડનો સ્ટોક ઘટયાના વાવડ હતા. પ્લેટીનમના ભાવ ઔંસના ૨૦૯૭થી ઘટી ૧૯૮૦ થઈ ૧૯૮૫થી ૧૯૮૬ ડોલર રહ્યા હતા. 

મુંબઈ બુલિયન બજરામાં આજે પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામના રૂ.૪૦૦૦ તૂટી રૂ.૭૧૫૫૯ રહ્યા હતા.  વિશ્વ બજારમાં પેલેડીયમના ભાવ ૧૪૬૧  વાળા નીચામાં ૧૪૧૪ થઈ ૧૪૨૧થી ૧૪૨૨ ડોલર રહ્યા હતા.  કોપરના ભાવ આજે આશરે પાંચ ટકા ગબડયા હતા.  ભારતના ઈમ્પોર્ટ ડયુટી વધતાં તથા ઈંમ્પોર્ટ અંકુશો પણ વધતાં વિશ્વ બજારમાં સોનાના ભાવ પર હવે મંદીની અસર દેખાતી થયાનું વિશ્વ બજારના સૂત્રો જણાવી રહ્યા હતા.  વિશ્વ  બજારમાં સોનામાં ભારત મહત્ત્વનું બાયર મનાતું રહ્યું છે.