મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવ વધતા અટકી ફરી નીચા ઉતર્યા હતા. વિશ્વ બજારના સમાચાર ઉછાળે વેચવાલી બતાવતા હતા. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણાના ઝવેરી બજારોમાં પણ ઉછાળે નવી માગના અભાવે માનસ વેંચવાનું રહ્યું હતું.
ભારતમાં ચાંદી આયાત વધી છે. ચાંદીની આયાત ૧૨૯ ટકા એપ્રિલથી ડિસેમ્બર ૨૦૨૫ દરમિયાન વધી છે. આ ગાળામાં ચાંદીની ઈમંપોર્ટ વધી ૭.૭૭ અબજ ડોલર થઈ છે. ક્વોન્ટીટીના સંદર્ભમાં આવી આયાત ૫૬થી ૫૭ ટકા વધી છે. આ ગાળામાં સોનાની આયાત ૧૯૩ ટકા વધી છે.
વિશ્વ બજારમાં સોનાના ભાવ ૫૦૦૪ ડોલર રહ્યાના નિર્દેશો હતા. દરમિયાન, વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૧૦૦૦ ઘટયા હતા. જ્યારે ચાંદીના ભાવ કિલોના રૂ.૫૦૦૦ તૂટયા હતા. વિશ્લ બજારમાં સોના પાછળ ચાંદીના ભાવવ પણ ઔંસના ૭૭.૪૨થી ઘટી ૭૪.૫૯ થઈ ૭૬.૯૮થી ૭૬.૯૯ ડોલર રહ્યા હતા. અમદાવાદ ચાંદીના ભાવ ઘટી રૂ.૨૪૫૦૦૦ તથા અમદાવાદ સોનાના ભાવ ઘટી ૯૯૯ના રૂ.૧૫૯૨૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૫૯૫૦૦ બોલાતા થયા હતા. વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ૨૦૩૯ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૧૬૯૮ ડોલર રહ્યા હતા. મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ રૂ.૧૩૦૦ ઘટી ૯૯૫ના ભાવ જીએસટી વગર રૂ.૧૫૩૪૮૧ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૫૪૦૯૮ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૨૪૦૯૪૭ રહ્યા હતા. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ધીમી તેજી બતાવતા હતા. બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના ૬૭.૭૫ વાળા વધી ૬૮.૧૩ થઈ ૬૭.૯૧ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ બેરલના ૬૩.૦૪ ડોલર રહ્યા હતા. ભારતમાં આયાત થતાં સોના-ચાંદીની ઈમ્પોર્ટ ડયુટી ગણવા બેન્ચમાર્ક તરીકે વપરાતી ટેરીફ વેલ્યુમાં સરકારે ઘટાડો કર્યો છે તથા તેના પગલે કિંમતી ધાતુઓની ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં ઘટાડો થયો હતો. આવી ટેરીફ વેલ્યુ સોનાની ડોલરના સંદર્ભમાં ૧૦ ગ્રામના ૧૭૪૦થી ઘટી ૧૬૨૪ ડોલર કરાઈ છે જ્યારે ચાંદીની આવી ટેરીફ વેલ્યુ ડોલરના સંદર્ભમાં કિલોના ૩૮૩૦થી ઘટી ૨૭૦૭ ડોલર કરાઈ છે.


