Business

સોનામાં વધુ રૂ.1000 અને ચાંદીમાં રૂ.4500નો ઘટાડો: ક્રૂડ વધી ૧૧૦ ડોલર

By GS Team
17 May 20262 mins read
સોનામાં વધુ રૂ.1000 અને ચાંદીમાં રૂ.4500નો ઘટાડો: ક્રૂડ વધી ૧૧૦ ડોલર

મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જોકે બંધ બજારે સોના- ચાંદીના ભાવ વધુ તૂટયા હતા. વિશ્વબજારમાં ભાવ વધુ નીચા ઉતરતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ ઘટી હોવાનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા. દરમિયાન, મુંબઈ કરન્સી બજારમાં બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ જે શુક્રવારે ઉંચામાં રૂ.૯૬.૧૫ થઈ રૂ.૯૫.૯૬ બંધ રહ્યા હતા તે ભાવ શનિવારે ઘટી રૂ.૯૫.૮૩ આસપાસ બોલાઈ રહ્યા હતા.

દેશમાં ફોરેક્સ રિઝર્વ વધતાં રૂપિયામાં તળીયેથી મજબુતાઈ દેખાઈ હતી. વિશ્વબજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૧૦૮.૩૧થી વધી ૧૦૯.૭૫ થઈ ૧૦૯.૨૬ ડોલર છેલ્લા રહ્યા હતા. આ સપ્તાહમાં ક્રુડના ભાવ આશરે ૮ ટકા વધ્યા હોવાનું જાણકારો જણાવી રહ્યા હતા. યુએસ ક્રુડના ભાવ વધી ૧૦૬ થઈ ૧૦૫.૪૨ ડોલર રહ્યા હતા. 

દરમિયાન, વૈશ્વિક સોનાના ભાવ ઔંશના ૪૫૪૯થી ૪૫૫૦ વાળા ઘટી છેલ્લે ભાવ ૪૫૪૦થી ૪૫૪૧ ડોલર રહ્યા હતા. મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૧૦૦૦ ઘટી જીએસટી વગર ભાવ ૯૯૫ના રૂ.૧૫૬૫૦૦ તથા ૯૯૯ના રૂ.૧૫૭૧૦૦ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ કિલોદીઠ વધુ રૂ.૪૫૦૦ તૂટી જીએસટી વગર ભાવ રૂ.૨૬૪૦૦૦ બોલાયા હતા.

વિશ્વબજારમાં સોના પાછળ ચાંદીના ભાવ ઔંશના ૭૭.૬૪ વાળા નીચામાં ભાવ ૭૫.૭૪ ડોલર થઈ ૭૫.૯૯થી ૭૬.૦૦ ડોલર છેલ્લે રહ્યા હતા. પ્લેટીનમના ભાવ ૧૯૮૨ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૧૪૧૬ ડોલર રહ્યા હતા.

દરમિયાન, અમદાવાદ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ રૂ.૫૦૦ ઘટી ૯૯૫ના ભાવ રૂ.૧૬૨૨૦૦ તથા ૯૯૯ના રૂ.૧૬૨૫૦૦ રહ્યા હતા. અમદાવાદ ચાંદીના ભાવ રૂ.૨૬૦૦૦૦ રહ્યા હતા. ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ નીચામાં ૯૮.૯૨ તથા ઉંચામાં ૯૯.૩૨ થઈ છેલ્લે ૯૯.૨૭ રહ્યાના નિર્દેશો હતા. ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ વધી પાંચ સપ્તાહની ટોચે પહોંચ્યો હતો. ભારતની વિવિધ ચીજોની નિકાસ એપ્રિલમાં ૧૩થી ૧૪ ટકા વધી ૪૩.૫૬ અબજ ડોલર થયાના વાવડ  હતા.

આની સામે આયાત ૧૦ ટકા વધી ૭૧.૯૪ અબજ ડોલર થઈ છે. દેશમાં  એપ્રિલમાં  સોનાની ઈમ્પોર્ટ ૮૧થી ૮૨ ટકા વધી ૫.૬૨ અબજ ડોલર થઈ છે. એકંદરે વેપાર ખાધ ૨૦.૬૭ અબજ ડોલરથી વધી ૨૮.૭૮ અબજ ડોલર રહી હતી. ભારતમાં ક્રૂડની આયાત વેનેઝુએલા તથા વેસ્ટ આફ્રીકાથી વધી છે. જેમ એન્ડ જવેલરીની નિકાસ એપ્રિલમાં નવ ટકા ઘટી છે.