મુંબઈ : એશિયા તથા યુરોપમાં ઈક્વિટી બજારો ઊંચકાતા સોનાના વૈશ્વિક ભાવમાં પ્રત્યાઘાતી ઘટાડો જોવા મળ્યો હતો. ઈક્વિટી બજારોમાં વધારાને પરિણામે ગોલ્ડની સેફ હેવન માગ અટકી હતી. બુધવારે વૈશ્વિક ચાંદી ૫૮.૯૮ ડોલરની નવી ટોચે પહોંચ્યા બાદ તેમાં પણ સોના પાછળ પીછેહટ રહી હતી. વિશ્વ બજાર પાછળ સ્થાનિકમાં સોનાચાંદીમાં ભાવ નરમ પડયા હતા.
બીજી બાજુ ઘરઆંગણે ડોલરની રેલી અટકી હતી. રૂપિયા સામે ડોલર ૯૦ની અંદર ઊતરી ગયો હતો. અમેરિકામાં આવતા સપ્તાહે ફેડરલ રિઝર્વની બેઠકમાં વ્યાજ દરમાં ઘટાડાની શકયતા વધી જતા ડોલર નબળો પડયો હતો. ક્રુડ તેલના ભાવમાં સ્થિરતા જળવાઈ હતી.
ઘરઆંગણે મુંબઈ ઝવેરીમાં ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના જીએસટી વગરના ભાવ સાધારણ ઘટી રૂપિયા ૧,૨૭,૮૪૫ રહ્યા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ૯૯.૫૦ દસ ગ્રામ સોનાના જીએસટી વગરના ભાવ રૂપિયા ૧૨૭૩૩૩ બોલાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગર રૂપિયા ૧૭૬૬૨૫ મુકાતા હતા. બુધવારની સરખામણીએ મુંબઈ ચાંદીમાં રૂપિયા ૧૫૬૫નો ઘટાડો જોવાયો હતો.
અમદાવાદ બજારમાં ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના ભાવ રૂપિયા ૧,૩૧,૭૦૦ જ્યારે ૯૯.૫૦ સોનાના પ્રતિ દસ ગ્રામ ભાવ રૂપિયા ૧,૩૧,૪૦૦ મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના રૂપિયા ૧,૭૪,૦૦૦ કવોટ થતા હતા. અમદાવાદમાં કિંમતી ધાતુમાં સ્થિરતા જળવાઈ હતી.
અમેરિકામાં ખાનગી પેરોલ્સ નવેમ્બરમાં ૩૨૦૦૦ ઘટયા છે, જે અઢી વર્ષનો મોટો ઘટાડો છે. આ ઉપરાંત અમેરિકામાં જોબલેસના સાપ્તાહિક ડેટા અને સપ્ટેમ્બરનો પરસનલ કન્ઝમ્પશન એકસપેન્ડિચર (પીસીઈ) ઈન્ડેકસ પર પણ બજારની નજર રહી હતી. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરના નિર્ણય માટે આ ડેટા મહત્વના બની રહેશે.
ઈક્વિટીમાં આવેલી રેલીને પગલે ગુરુવારે વિશ્વ બજારમાં સોનુ પ્રતિ ઔંસ ૪૨૦૦ ડોલરની અંદર ઊતરી ૪૧૯૧ ડોલર બોલાતુ હતું. ચાંદીએ ૫૮.૯૮ ડોલરની નવી ટોચ બતાવી પછી તેમાં પીછેહટ જોવા મળી હતી અને મોડી સાંજે ૫૭.૪૦ ડોલર કવોટ થતી હતી. પ્લેટિનમ ઔંસ દીઠ ૧૬૪૫ ડોલર જ્યારે પેલેડિયમ ૧૪૫૭ ડોલર મુકાતુ હતું.
રૂપિયા સામે ઓલટાઈમ હાઈ સપાટીએથી ડોલરમાં રેલી અટકી હતી અને ડોલર ૯૦ રૂપિયાની અંદર સરકી ૮૯.૯૮ રહ્યો હતો. પાઉન્ડ ૨૬ પૈસા વધી રૂપિયા ૧૨૦.૦૨ જ્યારે યુરો રૂપિયા ૧૦૫.૦૪ બોલાતો હતો.
રશિયાના ક્રુડ ઓઈલ મથકો પર યુક્રેનના હુમલાના અહેવાલે ક્રુડ ઓઈલના ભાવમાં ટકેલુ વાતાવરણ રહ્યું હતું. નાયમેકસ ડબ્લ્યુટીઆઈ ક્રુડ તેલ પ્રતિ બેરલ ૫૯.૩૬ ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ પ્રતિ બેરલ મોડી સાંજે ૬૨.૯૯ ડોલર બોલાતું હતું.


