સોના-ચાંદીમાં પીછેહટ: રૂપિયા સામે ડોલર, પાઉન્ડ તેમજ યુરોમાં ઘટાડો
- ક્રૂડતેલમાં આંચકા પચાવી ભાવ ફરી ઉંચકાયા
- પેલેડિયમના ભાવ ૬થી ૭ ટકા તૂટયા પછી એકથી દોઢ ટકો ઉંચકાયા: અમેરિકામાં ફેડરલ રિઝર્વની મિટિંગ પર હવે ખેલાડીઓએ માંડેલી નજર
(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ, તા. 28 જાન્યુઆરી 2020, મંગળવાર
મુંબઈ ઝવેરી બજારમાં આજે તેજી અટકી ભાવ નીચા બોલાતા થયા હતા. વિશ્વ બજારના સમાચાર ઉછાળે વેચવાલી બતાવતા હતા. ઘરઆંગણે આજે કરન્સી બજારમાં રૂપિયા સામે ડોલરના ભાવ વધતા અટકી ઘટાડા પર રહ્યા હતા સામે બ્રિટીશ પાઉન્ડ તથા યુરોના ભાવમાં પીછેહઠ દેખાઈ હતી. વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔશના ૧૫૮૪ ડોલર વાળા નીચામાં ૧૫૭૭.૧૦ ડોલર થઈ સાંજે ભાવ ૧૫૭૭.૯૦ ડોલર રહ્યાના સમાચાર હતા.
મુંબઈ કરન્સી બજારમાં આજે ડોલરના ભાવ ૧૨ પૈસા ઘટી રૂ.૭૧.૩૩ રહ્યા હતા જ્યારે બ્રિટીશ પાઉન્ડના ભાવ ૬૪ પૈસા ઘટી રૂ.૯૩ની અંદર ઉતરી રૂ.૯૨.૮૪થી ૯૨.૮૫ રહ્યા હતા. યુરોના ભાવ ૧૮ પૈસા ઘટી ૭૮.૫૭થી ૭૮.૫૮ રહ્યા હતા. વિશ્વ બજારના ખેલાડીઓની નજર ઇમેરિકાના ફેડરલ રિઝર્વની મિટિંગ પર રહી હતી. જોકે આ વખતે ત્યાં વ્યાજના દરમો કોઈ ફેરફાર કરાશે નહિં એવી ગણતરી બજારના જાણકારો જણાવી રહ્યા હતા.
દરમિયાન, મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૧૦ ગ્રામના ૯૯.૫૦ના રૂ.૪૦૬૫૧ વાળા રૂ.૪૦૪૭૧ થઈ રૂ.૪૦૪૯૩ બંધ રહ્યા હતા. જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૪૦૮૧૪ વાળા રૂ.૪૦૬૩૪ થઈ રૂ.૪૦૬૫૬ બંધ રહ્યા હતા. જ્યારે જીએસટી સાથેના ભાવ આ ભાવતી ૩ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન મુંબઈ ર્બમાં આજે ચાંદીના ભાવ કિલોના ૯૯૯ના જીએસટી વગર રૂ.૪૭૩૯૫ વાળા રૂ.૪૭ હજારની અંદર ઉતરી રૂ.૪૬૬૮૫ થઈ રૂ.૪૬૬૯૫ બંધ રહ્યા પછી સાંજે ભાવ રૂ.૪૬૫૦૦થી ૪૬૫૫૦ તથા કેશમાં ભાવ આ ભાવથી આશરે રૂ.૯૦૦થી ૧૦૦૦ ઉંચા રહ્યા હતા. તથા જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા બોલાઈ રહ્યા હતા.
વિશ્વ બજારમાં આજે સોના પાછળ ચાંદીના ભાવ ઔંશના ૧૮.૨૮ ડોલરવાળા સાંજે ભાવ ૧૭.૮૧ ડોલર રહ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ મોડી સાંજે ૧૫૭૩.૭૦થી ૧૫૭૩.૮૦ ડોલર રહ્યા હતા. જ્યારે પ્લેટીનમના ભાવ ઘટી ૧૦૦૦ ડોલરની અંદર ઉતરી સાંજે ભાવ રૂ.૯૮૧.૪૦ ડોલર રહ્યાના સમાચાર હતા. પેલેડીયમના ભાવ ૬થી ૭ ટકા ગબડયા પછી આજે એકથી દોઢ ટકો વધી સાંજે ભાવ ઔંશના ૨૨૯૨.૪૦થી ૨૨૯૨.૫૦ ડોલર રહ્યા હતા. દરમિયાન, કોપરના ભાવ આંચકા પચાવી આજે વિશ્વ બજારમાં ઘટાડે સ્થિર થવા મથી રહ્યા હતા.
લંડન એક્સ.માં કોપરના ભાવ આજે ટનના ૫૭૨૦થી ૫૭૨૫ ડોલર રહ્યા હતા. દરમિયાન વિશ્વ બજારમાં ઘટયા પછી સાંજે ઉંચા બોલાતા હતા. બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના નીચામાં ૫૯ ડોલરની અંદર જતા રહ્યા પછી સાંજે ભાવ ૫૯.૪૦થી ૫૯.૪૫ ડોલર રહ્યા હતા. ન્યુયોર્કના ભાવ નીચામાં ૫૩ ડોલરની અંદર ઉતર્યા પછી આજે સાંજે ભાવ ૫૩.૪૦થી ૫૩.૪૫ ડોલર રહ્યા હતા.
અમેરિકા તથા યુરોપના શેરબજારો સોમવારે ઓવરનાઈટ નોંધપાત્ર પ્રમાણમાં ઘટયા પછી આજે આંચકા પચાવી શેરબજારો ફરી ઉંચકાયાના સમાચાર હતા. દરમિયાન, ભારતમાં હવે શનિવારે રજૂ થનારા કેન્દ્ર સરકારના અંદાજપત્ર પર ઝવેરી બજારની નજર રહી છે. આ બજેટમાં સોના પરની આયાત જકાત ઘટાડવામાં આવે છે કે નહિં તેના પર ખેલાડીઓની નજર રહી હોેવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું.