સોના-ચાંદીમાં પીછેહટ: પાઉન્ડમાં કડાકો બોલાતાં ભાવ રૂ.93ની અંદર ખાબક્યા
યુરો પણ ગબડી રૂ.૭૯ની અંદર ઉતર્યો : બ્રેકઝીટ પ્રશ્ને ફરી નિરાશા દેખાઈ
- ક્રૂડતેલ વધી ૬૬ ડોલર વટાવી ગયા પછી ફરી નીચે ઉતર્યું
(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ, તા. 18 ડિસેમ્બર 2019, બુધવાર
મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવ વધતા અટકી ઘટાડા પર રહ્યા હતા. વિશ્વ બજાર નરમ હતી. દરમિયાન, ઘર આંગણે કરન્સી બજારમાં આજે ડોલરના ભાવ સાંકડી વધઘટે અથડાતા રહ્યા હતા જ્યારે બ્રિટીશ પાઉન્ડના ભાવમાં ઝડપી ઘટાડો આગળ વધ્યો હતો. બ્રિટીશ પાઉન્ડના ભાવ મંગળવારે ૧૧૩ પૈસા ગબડયા પછી આજે ભાવ વધુ ૮૦ પૈસા તૂટી ગયા હતા. તથા ભાવ રૂ.૯૩ની અંદર જતા રહ્યા હતા.
યુરોના ભાવ પણ ગબડયા હતા તથા રૂ.૭૯ની અંદર ઉતર્યા હતા. ડોલરના ભાવ રૂ.૭૦.૯૯ વાળા રૂ.૭૧.૦૪ ખુલી રૂ.૭૧.૧૨ થયા પછી નીચામાં રૂ.૭૦.૯૬ થઈ છેલ્લે બંધ રૂ.૭૦.૯૭ રહ્યા હતા. જ્યારે બ્રિટીશ પાઉન્ડના ભાવ રૂ.૯૭.૭૮ વાળા રૂ.૯૩.૦૦ ખુલી રૂ.૯૩.૩૦ રહ્યા પછી નીચામાં ભાવ રૂ.૯૨.૯૭ થઈ રૂ.૯૨.૯૮ બંધ રહ્યા હતા.
બ્રિટીશ પાઉન્ડના ભાવ બે દિવસમાં આશરે બે રૂપિયા ગબડતાં કરન્સી બજારના ખેલાડીઓ સ્તબ્ધ બની ગયાનું જાણકારોએ જણાવ્યું હતું. બ્રેકઝીટ પ્રશ્ને ફરી ચિંતા સર્જાતાં બ્રિટીશ પાઉન્ડ ગબડયો છે. આજે યુરોના ભાવ પણ ૨૬ પૈસા તૂટી રૂ.૭૯ની અંદર ઉતરી રૂ.૭૮.૯૫થી ૭૮.૯૬ સાંજે બોલાઈ રહ્યા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં ડોલર ઉંચકાતાં સોનાના ભાવ નરમ રહ્યા હતા. સોનાના ઔંશના ભાવ નીચામાં આજે ૧૪૭૫.૩૦ ડોલર થઈ સાંજે ભાવ ૧૪૭૬.૬૦ ડોલર રહ્યા હતા. સોના પાછળ ચાંદીના ભાવ નીચામાં આજે ઔંશના ૧૬.૯૮ ડોલર થઈ સાંજે ભાવ ૧૭.૦૧થી ૧૭.૦૨ ડોલર રહ્યા હતા.
મુંબઈ બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના ૧૦ ગ્રામના રૂ.૩૭૯૫૯ વાળા રૂ.૩૭૯૩૯ થઈ રૂ.૩૭૯૫૯ બંધ રહ્યા પછી સાંજે ભાવ રૂ.૩૭૯૦૦ બોલાતા હતા. જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૩૮૧૧૨ વાળા રૂ.૩૮૦૯૨ થઈ રૂ.૩૮૧૧૨ બંધ રહ્યા પચી સાંજે ભાવ રૂ.૩૮૦૫૩ બોલાઈ રહ્યા હતા. દરમિયાન, જીએસટી સાથેના ભાવ આ ભાવતી ૩ ટકા ઉંચા રહ્યા હતા.
દરમિયાન, મુંબઈ બજારમાં આજે ચાંદીના ભાવ કિલોના ૯૯૯ના જીએસટી વગર રૂ.૪૪૨૭૫ વાળા રૂ.૪૪૧૭૫ થઈ ૪૪૨૦૦ બંધ રહ્યા પછી સાંજે ભાવ રૂ.૪૪૦૫૦થી ૪૪૧૦૦ તથા કેશમાં ભાવ આ ભાવથી આશરે રૂ.૧૧૦૦થી ૧૧૫૦ ઉંચા રહ્યા હતા જ્યારે જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ આજે સાંજે ઔંશના ૯૨૯.૬૦થી ૯૨૯.૭૦ ડોલર રહ્યા હતા. જ્યારે પેલેડીયમના ભાવ આજે એકથી સવા ટકો તૂટી ઔંશના સાંજે ૧૯૩૩.૩૦થી ૧૯૩૩.૪૦ ડોલર રહ્યાના સમાચાર હતા. ન્યુયોર્ક કોપર વાયદો ઉંચેથી ઘટી આજે સાંજે ૦.૫૦ ટકા માઈનસમાં રહ્યો હતો.
વિશ્વ બજારમાં ક્રૂડ તેલના ભાવ બ્રેન્ટ ક્રૂડના બેરલના ઉંચામાં ૬૬ ડોલર વટાવી ગયા પછી ઘટી આજે સાંજે ૬૫.૯૦થી ૬૫.૯૫ ડોલર રહ્યા હતા. જ્યારે ન્યુયોર્કના ભાવ ઉંચેથી ઘટી સાંજે ૬૦.૫૫થી ૬૦.૬૦ ડોલર રહ્યા હતા.