સોના-ચાંદીના ભાવમાં ભડકો: ચાંદીમાં રૂ. 3500નો ઉછાળો, સોનું પણ ચમક્યું; જાણો લેટેસ્ટ રેટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| (IMAGE - IANS) |
Gold Silver Market Trends: સપ્તાહના બીજા દિવસે સોના અને ચાંદીની શરૂઆત જોરદાર તેજી સાથે થઈ છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાનો જૂન મહિનાનો કોન્ટ્રેક્ટ 1,53,999 રૂપિયા પર ખૂલ્યો હતો, જે અગાઉના બંધ ભાવ કરતાં 336 રૂપિયા વધારે હતો. સવારના 10 વાગ્યા સુધીમાં સોનું વધીને 1,54,224 રૂપિયા સુધી પહોંચી ગયું હતું. તેવી જ રીતે, ચાંદીમાં પણ મોટી તેજી જોવા મળી છે. જુલાઈ મહિનાનો ચાંદીનો કોન્ટ્રેક્ટ 2,80,229 રૂપિયા પર ખુલ્યા બાદ થોડી જ વારમાં 1.33%ના ઉછાળા સાથે 2,82,006 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો હતો.
વૈશ્વિક અસ્થિરતા અને ઈરાન-અમેરિકા વિવાદની અસર
બજારના નિષ્ણાતો માને છે કે કિંમતી ધાતુઓમાં આ મજબૂતીનું મુખ્ય કારણ વૈશ્વિક સ્તરે વધતી જતી અસ્થિરતા છે. અમેરિકન પ્રમુખ ટ્રમ્પ દ્વારા ઈરાનનો શાંતિ પ્રસ્તાવ ફગાવી દેવામાં આવતા આંતરરાષ્ટ્રીય તણાવમાં વધારો થયો છે. ખાસ કરીને પરમાણુ કાર્યક્રમ, અમેરિકન નાકેબંધી અને મિસાઇલ કાર્યક્રમ જેવા મુદ્દાઓ પર બંને દેશો વચ્ચે ચાલી રહેલા વિવાદને કારણે રોકાણકારો સોના અને ચાંદીને સુરક્ષિત રોકાણ માની રહ્યા છે.
આ પણ વાંચો: સોના, ક્રૂડ સહિતની ચાર કોમોડિટીના આયાત બિલમાં પાંચ વર્ષમાં બમણાથી પણ વધુ વધારો
રોકાણકારોને મળ્યું શાનદાર રિટર્ન
છેલ્લા કેટલાક સમયથી કિંમતી ધાતુઓએ રોકાણકારોને મબલખ વળતર આપ્યું છે. આંતરરાષ્ટ્રીય બજાર (કોમેક્સ)માં સોનું 4,733 ડૉલર અને ચાંદી 86 ડૉલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયા છે. છેલ્લા એક વર્ષના આંકડા જોઈએ તો સોનાએ ડૉલરમાં 47% અને છેલ્લા છ મહિનામાં 12% રિટર્ન આપ્યું છે. જ્યારે ચાંદીમાં અકલ્પનીય ઉછાળો જોવા મળ્યો છે; ચાંદીએ છેલ્લા એક વર્ષમાં 166% અને છેલ્લા છ મહિનામાં 63%થી વધુ વળતર આપીને રોકાણકારોને માલામાલ કર્યા છે.









