Business

ક્રૂડની કિંમતોમાં 2-3 અઠવાડિયા પછી ભડકાના એંધાણ, વૈશ્વિક કંપનીઓની ચેતવણીથી ખળભળાટ

By GS Team
3 Jun 20262 mins read
TukuTouch Logo
દુનિયાભરમાં આગામી 2 થી 3 અઠવાડિયામાં ઇંધણના ભાવમાં ભયંકર વિસ્ફોટ થઈ શકે છે તેવી ઓઇલ ક્ષેત્રની જાયન્ટ કંપનીઓએ આપેલી ચેતવણીને પગલે આંતરરાષ્ટ્રીય બજારમાં ભારે હડકંપ મચી ગયો છે. મધ્ય-પૂર્વ એશિયામાં ઈરાન અને અમેરિકા વચ્ચે છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહેલા સૈન્ય સંઘર્ષના કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલનો પુરવઠો પૂરો પાડતો સૌથી મહત્વનો દરિયાઈ માર્ગ 'હોર્મુઝ સ્ટ્રેટ' હાલ સંપૂર્ણપણે ઠપ્પ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ક્રૂડની કિંમતોમાં 2-3 અઠવાડિયા પછી ભડકાના એંધાણ, વૈશ્વિક કંપનીઓની ચેતવણીથી ખળભળાટ

Global Energy Crisis: દુનિયાભરમાં આગામી 2 થી 3 અઠવાડિયામાં ઇંધણના ભાવમાં ભયંકર વિસ્ફોટ થઈ શકે છે તેવી ઓઇલ ક્ષેત્રની જાયન્ટ કંપનીઓએ આપેલી ચેતવણીને પગલે આંતરરાષ્ટ્રીય બજારમાં ભારે હડકંપ મચી ગયો છે. મધ્ય-પૂર્વ એશિયામાં ઈરાન અને અમેરિકા વચ્ચે છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહેલા સૈન્ય સંઘર્ષના કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલનો પુરવઠો પૂરો પાડતો સૌથી મહત્ત્વનો દરિયાઈ માર્ગ 'હોર્મુઝ સ્ટ્રેટ' હાલ સંપૂર્ણપણે ઠપ્પ છે.

નિષ્ણાતો પણ થયા ચિંતિત  

આ નાકાબંધીને કારણે દરરોજ આશરે 1.2થી 1.3 કરોડ બેરલ તેલની સપ્લાય માર્કેટમાંથી ગાયબ થઈ ચૂકી છે. જેપી મોર્ગન અને ગોલ્ડમેન સાક્સ જેવા વૈશ્વિક ઇન્વેસ્ટમેન્ટ બૅંકોના વિશ્લેષણ અનુસાર, બજારમાં તેલની આ અછતને પહોંચી વળવા માટે અત્યાર સુધી વિવિધ દેશો પોતાના ઈમરજન્સી અને સ્ટ્રેટેજિક ઓઇલ રિઝર્વ(તેલ ભંડાર)નો બેફામ ઉપયોગ કરી રહ્યા હતા, જે હવે અંતિમ આરે પહોંચી ગયા છે.

માર્કેટમાં મોટું તોફાન આવવાની ભીતિ

ઓઇલ ઇન્ડસ્ટ્રીની અગ્રણી કંપની 'શેવરોન'(Chevron)ના સીઈઓ માઈક વર્થ અને 'એક્સોન'(Exxon)ના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ નીલ ચેપમેને સંયુક્ત રીતે ઓઇલ માર્કેટમાં એક મોટું તોફાન આવવાની ભીતિ વ્યક્ત કરી છે. તેમના મતે, અમેરિકામાં ટ્રમ્પ પ્રશાસન અને અન્ય સરકારી તંત્રો દ્વારા ઈરાન સાથે ટૂંક સમયમાં સમજૂતી થઈ જશે તેવા ખોટા સંકેતો આપીને બજારને કૃત્રિમ રીતે શાંત રાખવાનો પ્રયાસ કરાયો હતો, જેના કારણે ગત સપ્તાહે ક્રૂડના ભાવમાં 10 ટકાનો ઘટાડો પણ જોવા મળ્યો હતો. પરંતુ વાસ્તવિકતા એ છે કે આવો કોઈ જ કરાર થતો દેખાતો નથી. પરિણામે, જૂન અને ખાસ કરીને જુલાઈ મહિનામાં આ દબાણ સીધું કિંમતો પર દેખાશે. 

બ્રેન્ટ ક્રૂડ ભડકે બળશે?

એક્સપર્ટ્સનું માનવું છે કે વૈશ્વિક ક્રૂડ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 150થી 160 ડૉલર પ્રતિ બેરલની ઐતિહાસિક સપાટી વટાવી શકે છે, જે સામાન્ય દેશોના અર્થતંત્રની કમર તોડી નાખશે. સ્થિતિ એટલી ગંભીર છે કે જો આજે જ આ યુદ્ધ અટકી જાય તો પણ આગામી વર્ષ સુધી બજાર સામાન્ય થાય તેમ નથી. સંયુક્ત આરબ અમીરાત(UAE)ની સરકારી ઓઇલ કંપની 'Adnoc'ના પ્રમુખ સુલ્તાન અલ-જાબેરના જણાવ્યા અનુસાર, હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્યા પછી પણ માત્ર 80 ટકા સપ્લાય બહાલ કરવામાં ઓછામાં ઓછા ચાર મહિનાનો સમય લાગશે, જ્યારે પૂર્ણ ક્ષમતાથી ઓઇલ સપ્લાય શરૂ થતાં 2027ના પ્રથમ કે બીજા ક્વાર્ટર સુધીની રાહ જોવી પડી શકે છે. 

ભયંકર મંદીના સંકેત! 

બીજી તરફ ચીન પણ પોતાના 1.4 અબજ બેરલના ગુપ્ત વ્યૂહાત્મક ભંડારમાંથી તેલ ખાલી કરી રહ્યું છે. જો આગામી દિવસોમાં આ વૈશ્વિક ભંડારો સંપૂર્ણ ખાલી થઈ જશે, તો બજારમાં કિંમતો એટલી હદે વધી જશે કે લોકોની ખરીદશક્તિ જ ખતમ થઈ જશે (Demand Destruction). આ ઊર્જા સંકટ જો લાંબો સમય ચાલશે તો વૈશ્વિક અર્થતંત્ર સીધું જ ભયંકર મંદીની ખાઈમાં ધકેલાઈ જશે તે નક્કી છે.