Get The App

મેમાં સતત પાંચમાં મહિને એફપીઆઈ ભારતીય ઈક્વિટી કેશમાં નેટ વેચવાલ

- ૨૦૨૬માં વિદેશી રોકાણકારોએ અત્યારસુધીમાં રૂપિયા ૨,૯૬,૭૧૫ કરોડની જંગી વેચવાલી હાથ ધરી

Updated: May 31st, 2026

GS TEAM

Google News
Google News
મેમાં સતત પાંચમાં મહિને એફપીઆઈ ભારતીય ઈક્વિટી કેશમાં નેટ વેચવાલ 1 - image

મુંબઈ : ભારતીય ઈક્વિટીસમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફપીઆઈ)ની વેચવાલી સતત મેમાં પણ જળવાઈ રહી હતી. પ્રાપ્ત ડેટા પ્રમાણે મેમાં એફપીઆઈએ  ઈક્વિટી કેશમાં રૂપિયા ૫૫૯૬૩.૩૩ કરોડની નેટ વેચવાલી કરી છે. વર્તમાન વર્ષના સતત પાંચમાં મહિનામાં  એફપીઆઈ વેચવાલ રહેતા ૨૦૨૬માં અત્યારસુધીમાં કેશમાં નેટ વેચવાલીનો આંક રૂપિયા ૨,૯૬,૭૧૫ કરોડ સુધી પહોંચી ગયો છે જ્યારે આની સામે ઘરેલુ સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈ)એ રૂપિયા ૩,૮૪,૩૩૭.૦૨ કરોડની નેટ ખરીદી કરી હતી.

મેના અંતે એફપીઆઈની વેચવાલી ૨૦૨૫ના સંપૂર્ણ વર્ષની રૂપિયા ૩,૦૬,૪૧૯ કરોડની વેચવાલીની નજીક પહોંચી ગયો છે. 

એફપીઆઈની વેચવાલી વર્તમાન ગતિએ ચાલુ રહેશે તો ૨૦૨૬ના અંત સુધીમાં એફપીઆઈનો ભારતીય ઈક્વિટીસમાં વેચવાલીનો આંક વિક્રમી રહેવાની ધારણાં મૂકવામાં આવી રહી છે. 

પશ્ચિમ એશિયામાં ચાલુ રહેલી તંગદિલીને કારણે ક્રુડ તેલના ઊંચા ભાવને પરિણામે ભારતના અર્થતંત્ર પર અસર પડવાની શકયતાએ વિદેશી રોકાણકારો વેચવાલીમાં આક્રમક બન્યા હોવાનું બજારના વિશ્લેષકે જણાવ્યું હતું.

ભારતમાંથી પોતાના રોકાણ પાછા ખેંચી વિદેશી રોકાણકારો આર્ટિફિસિઅલ ઈન્ટેલિજન્સ (એઆઈ) પ્રેરિત ઈન્વેસ્ટમેન્ટ ચક્રમાંથી જેને લાભ થઈ રહ્યો છે તેવા ક્ષેત્રોમાં રોકાણ કરી રહ્યા છે. એફપીઆઈ ભારતને એઆઈ પર ધ્યાન આપતા મોટા  બજાર મથક તરીકે નિહાળતા નથી. 

પશ્ચિમ એશિયાનું યુદ્ધ ફાટી નીકળ્યા બાદ માર્ચમાં એફપીઆઈએ કેશમાં નેટ રૂપિયા ૧,૨૨,૫૪૦ કરોડની વેચવાલી કરી હતી, જે વર્તમાન વર્ષના કોઈ એક મહિનાની સૌથી ઊંચી વેચવાલી રહી છે.

જાણકારોના મત પ્રમાણે વિદેશી રોકાણકારોની મોટાભાગની વેચવાલી લાર્જ કેપ સ્ટોકસમાં રહી છે. 

વર્તમાન દાયકામાં ૨૦૨૬ સતત છઠ્ઠુ વર્ષ છે જેમાં વિદેશી રોકાણકારોની અત્યારસુધી નેટ વેચવાલી જોવાઈ રહી છે. જેપી મોર્ગન તથા એચએસબીસી જેવી વૈશ્વિક પેઢીઓએ ભારતીય ઈક્વિટીસને તાજેતરમાં ડાઉનગ્રેડ કરી છે.