MSCIની નવી યાદીમાં ચાર ભારતીય શેરોનો સમાવેશ, ચીનનું વધતું પ્રાધાન્ય
- ફેબ્રુઆરી ૨૦૨૪ પછી પહેલી વાર ચીનના વધુ શેર ઉમેરાયા

અમદાવાદ : વૈશ્વિક સૂચકાંક બનાવતી સંસ્થા MSCIએ તેના મુખ્ય સૂચકાંકોમાં મોટા ફેરફારોની જાહેરાત કરી છે. કંપનીએ જણાવ્યું હતું કે ગ્લોબલ સ્ટાન્ડર્ડ ઇન્ડેક્સમાં ચાર નવા શેર ઉમેરવામાં આવ્યા છે. આમાં ફોર્ટિસ હેલ્થકેર, જીઈ વર્નોવા, વન ૯૭ કોમ્યુનિકેશન્સ (પેટીએમ) અને સિમેન્સ એનર્જીનો સમાવેશ થાય છે.
MSCIની જાહેરાત અનુસાર, ફોર્ટિસ હેલ્થકેર, જીઈ વર્નોવા, વન ૯૭ કોમ્યુનિકેશન્સ (પેટીએમ) અને સિમેન્સ એનર્જીનો સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે કન્ટેઈનર કોર્પ અને ટાટા એલેક્સીને ગ્લોબલ સ્ટાન્ડર્ડ ઇન્ડેક્સમાંથી દૂર કરવામાં આવ્યા છે. આ ફેરફારો ૧ ડિસેમ્બર, ૨૦૨૫થી અમલમાં આવશે.
આ ચાર કંપનીઓને ઇન્ડેક્સમાં સામેલ કરવામાં આવી છે કારણ કે તાજેતરના મહિનાઓમાં તેમના શેરોમાં ઉછાળો જોવા મળ્યો છે, જ્યારે આ સમયગાળા દરમિયાન નિફ્ટી ઇન્ડેક્સમાં માત્ર ૮.૨% નો વધારો થયો છે. આનો અર્થ એ થયો કે આ ચાર શેરોએ બજાર કરતાં વધુ સારો દેખાવ કર્યો છે.
અંદાજ મુજબ, ફોર્ટિસ અને નવા સમાવિષ્ટ અન્ય ત્રણ શેરોને ૨૫૨ મિલિયન ડોલરથી ૪૩૬ મિલિયન ડોલર (રૂ.૨,૧૦૦થી રૂ. ૩,૬૦૦ કરોડ) સુધીનું વિદેશી ભંડોળ મળી શકે છે. દરમિયાન, ઇન્ડેક્સમાંથી દૂર કરાયેલા બે શેર - કન્ટેઇનર કોર્પ અને ટાટા એલેક્સી -ને ૧૬૨ મિલિયન ડોલર સુધીનો આઉટફ્લો જોવા મળી શકે છે.
આ વખતે, MSCI ઇન્ડિયા ડોમેસ્ટિક સ્મોલ કેપ ઇન્ડેક્સમાં ૭ નવી કંપનીઓ ઉમેરવામાં આવી હતી અને ૩૩ કંપનીઓને દૂર કરવામાં આવી હતી. નવા ઉમેરાયેલા શેરોમાં એસ્ટ્રલ, બ્લુ જેટ હેલ્થકેર, કન્ટેનર કોર્પ, હનીવેલ ઓટોમેશન, લીલા પેલેસિસ, ટાટા એલેક્સી અને થર્મેક્સ સામેલ છે.
વૈશ્વિક સ્તરે, MSCIએ નવેમ્બર ૨૦૨૫ની સમીક્ષામાં ૬૯ નવા શેર ઉમેર્યા અને ૬૪ દૂર કર્યા છે. આ ચીન માટે ખાસ હતું, કારણ કે આ વખતે MSCIએ વધુ ચીની શેર ઉમેર્યા અને ઓછા દૂર કર્યા છે. ફેબ્રુઆરી ૨૦૨૪ પછી આવું પહેલી વાર બન્યું છે. MSCI ચાઇના ઇન્ડેક્સ આ વર્ષે અત્યાર સુધીમાં ૩૦% થી વધુ વધ્યો છે.

