- એફઆઈઆઈ દ્વારા રેકોર્ડ વેચાવલી
- દર ટ્રેડિંગ કલાકે રૂ. 152 કરોડના શેર્સનું વેચાણ ડિસેમ્બરમાં આંકડો રૂ. 15,959 કરોડને પાર થયો
મુંબઈ : વિદેશી રોકાણકારો ભારતીય બજારોમાંથી અત્યાર સુધી ક્યારેય ન જોવા મળેલી ગતિએ શેર્સનું વેચાણ કરી રહ્યા છે. એક સમયે વિદેશી રોકાણકારો માટે ભારતીય શેરબજાર પહેલી પસંદગી હતું. પરંતુ, આ વર્ષે તેમણે સેકન્ડરી માર્કેટ દ્વારા રૂ. ૨.૨૩ લાખ કરોડથી વધુ મૂલ્યના શેર્સ વેચ્યા છે. વિદેશી રોકાણકારોની વેચાવલીની સામે ભારતના સંસ્થાકીય રોકાણકારો બજાર માટે અડીખમ સ્તંભ બની ઊભર્યા છે.
૨૦૨૫માં વિદેશી રોકાણકારોએ દર ટ્રેડિંગ કલાકે લગભગ રૂ. ૧૫૨ કરોડના શેરો વેચ્યા છે. તેમના દ્વારા દર ટ્રેડિંગ દિવસે આશરે રૂ. ૯૦૦ કરોડનું ચોખ્ખું વેચાણ થયું છે. જેને કલાકના હિસાબથી ગણવામાં આવે તો દર કલાકે લગભગ રૂ. ૧૫૨ કરોડના શેર્સનું વેચાણ થાય છે. આ અવિરત વેચાણના દબાણ વચ્ચે પણ બેન્ચમાર્ક સૂચકાંકો સ્થિતિસ્થાપક રહ્યાં છે.
ડિસેમ્બરમાં પણ આ ટ્રેન્ડ ચાલુ રહ્યો છે. આ મહિનામાં અત્યાર સુધીની તમામ ટ્રેડિંગ દિવસોમાં એફઆઈઆઈએ વેચાણ કર્યું છે. રિપોર્ટ મુજબ, તેમણે રૂ. ૧૫,૯૫૯ કરોડથી વધુનું વેચાણ કર્યું છે. જો કે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ. ૩૯,૯૬૫ કરોડના શેર્સ ખરીદીને માર્કેટને સ્થિર રાખ્યું છે.
વિદેશી રોકાણકારો અને સ્થાનિક રોકાણકારો વચ્ચેના સંઘર્ષ વચ્ચે પણ ભારતીય શેરબજાર ટકી રહ્યું છે. તેમાં, એસઆઈપીનો રોલ રહ્યો છે. રિપોર્ટ મુજબ, છેલ્લા ત્રણ મહિનામાં એસઆઈપી દ્વારા રૂ. ૨૯,૦૦૦ કરોડથી વધુનું રોકાણ કરવામાં આવ્યું છે. વિદેશી રોકાણકારો વિમુખ થવા પાછળ ભારત અમેરિકા વેપારને અંતિમ સ્વરૂપ આપવામાં વિલંબને મહત્ત્વપૂર્ણ કારણ માનવામાં આવ્યું છે.


