Get The App

ફોરેન ઈન્વેસ્ટરો : ફાઈનાન્શિયલ શેરોમાં પખવાડિયામાં રૂ.18000 કરોડની જંગી વેચવાલી

Updated: May 23rd, 2026

GS TEAM

Google News
Google News
ફોરેન ઈન્વેસ્ટરો : ફાઈનાન્શિયલ શેરોમાં પખવાડિયામાં રૂ.18000 કરોડની જંગી વેચવાલી 1 - image

- બેંકો ઉંચા બોન્ડ યિલ્ડના પડકારનો સામનો કરી રહી છે અને તેના કારણે ટ્રેઝરી આવક પર પડી રહેલી અસર

- મે મહિનાના પ્રથમ 15 દિવસમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની 19 સેક્ટરમાં કુલ રૂ.38,443 કરોડની વેચવાલીના 47 ટકા ફાઈનાન્શિયલ શેરોમાં થઈ

મુંબઈ : વિદેશી સંસ્થાકીય રોકાણકારો-ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની ભારતીય શેર બજારોમાં પાછલા ઘણા મહિનાઓથી થઈ રહેલી વેચવાલી ચાલુ વર્ષમાં પણ વધતી જોવાઈ છે. ફોરેન ઈન્વેસ્ટરોએ ચાલુ મે મહિનાના પ્રથમ પખવાડિયામાં રોકાણ પાછું ખેંચવાનું ચાલુ રાખ્યું છે. આ સમયગાળામાં ફાઈનાન્શિયલ ક્ષેત્રની કંપનીઓના શેરોમાંથી કુલ વિદેશી રોકાણના લગભગ ૪૭ ટકા એટલે કે રૂ.૧૭,૯૬૦ કરોડ પાછા ખેંચી લીધા છે. બેંકોના માર્જિનમાં ઘટાડા અને અન્ય ઊભરતા બજારોની તુલનાએ ભારતમાં ઓછા આકર્ષણે રોકાણ પાછું ખેંચાયું છે.

એક તરફ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા બેંકિંગ સિસ્ટમમાં લિક્વિડિટી વધારવાના અને ફુગાવાને કાબૂમાં લેવા માટે રેપો રેટ સહિતમાં વધારો કરવામાં આવશે એવા અહેવાલો અને બીજી તરફ અમેરિકી ડોલર સામે રૂપિયો વિક્રમી નવા તળીયે જતો હોઈ ફોરેક્સ માર્કેટમાં દરમિયાનગિરી કરી પડતી  અટકાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. આવા સમયે વિદેશી રોકાણકારોના રોકાણમાં એક્ત્રિત ધોરણે મોટી ઓટ જોવાઈ રહી છે. મે મહિનાના પ્રથમ ૧૫ દિવસમાં જ ફંડોએ ફાઈનાન્શિયલ સર્વિસિઝ ક્ષેત્રની કંપનીઓના શેરોમાંથી રૂ.૧૮૦૦૦ કરોડ જેટલું રોકાણ પાછું ખેંચી લેતાં ચિંતા વ્યાપી છે.

બેંકિંગ ક્ષેત્રની  નિષ્ણાંતોનું કહેવું છે કે, બેંકો ઉંચા બોન્ડ યીલ્ડ્સના પડકારનો સામનો કરી રહી છે, અને એના કારણે ટ્રેઝરી આવક પર અસર પડી શકે છે. જ્યારે એક્સપેક્ટેડ ક્રેડિટ લોસ (ઈસીએલ) ધોરણોનું અમલીકરણ, ઊંચી જોગવાઈની આવશ્યકતાના કારણે વળતરનું પ્રમાણ-રેશીયો નજીકના દિવસોમાં અનિશ્ચિત બનવાની શકયતા છે. જાન્યુઆરીથી એપ્રિલ દરમિયાન વિદેશી રોકાણકારોએ રૂ.૯૧૦૦૦ કરોડના ફાઈનાન્શિયલ ક્ષેત્રની કંપનીઓના શેરોમાં વેચાણ કર્યું છે. આ ક્ષેત્રમાં વિદેશી રોકાણકારો ભારતમાં મોટી ઓનરશીપ ધરાવે છે.

આ દરમિયાન બેંક નિફટીમાં પણ છેલ્લા એક મહિનામાં ૭ ટકા જેટલો ઘટાડો થયો છે, જેની સામે બેન્ચમાર્ક નિફટી ચાર ટકા ઘટયો છે. બેંકિંગમાં વેલ્યુએશન એકંદર વાજબી સ્તરે છે અને વિદેશી રોકાણ જાવક ખાસ આ રોકાણકારો ભારતમાં પોતાનું એક્સપોઝર-રોકાણ ઓછું કરવા માંગતા હોવાના કારણે છે. મે મહિનાના પ્રથમ પખવાડિયામાં તમામ ૧૯ સેક્ટરમાં વિદેશી રોકાણકારોએ રૂ.૩૮,૪૪૩ કરોડના શેરોનું વેચાણ કર્યું છે. જેમાં ઓઈલ-ગેસ ક્ષેત્રના શેરોમાં રૂ.૬૮૮૫ કરોડનું અને ટેલીકોમ શેરોમાં રૂ.૨૫૪૨ કરોડના શેરોનું વેચાણ થયું છે. અલબત આ પખવાડિયામાં ચાર ક્ષેત્રોમાં વિદેશી રોકાણકારોએ રૂ.૧૧,૩૯૫ કરોડની ખરીદી પણ કરી છે. જેમાંથી ૬૦ ટકા સર્વિસિઝ ક્ષેત્રના શેરોમાં થઈ છે. સર્વિસિઝ ક્ષેત્રમાં અદાણી ગુ્રપ કંપનીઓમાં અદાણી પોર્ટ, અદાણી એન્ટરપ્રાઈસીઝ સહિતનો સમાવેશ છે. 

આજના સોના-ચાંદીના ભાવ

સોનું :  ૧,૬૩,૦૦૦

ચાંદી :  ૨,૬૫,૦૦૦