વિદેશી કંપનીઓ દ્વારા 135 અબજ ડોલરના જંગી રોકાણની જાહેરાત
- એફડીઆઈની દ્રષ્ટિએ ૨૦૨૫ ભારત માટે શ્રેષ્ઠ જોવાઈ રહ્યું છે

મુંબઈ : વર્તમાન ૨૦૨૫નું કેલેન્ડર વર્ષ સમાપ્ત થવાની તૈયારીમાં છે ત્યારે ફોરેન ડાયરેકટ ઈન્વેસ્ટમેન્ટ (એફડીઆઈ)ની દ્રષ્ટિએ આ વર્ષ ભારત માટે શ્રેષ્ઠ સાબિત થવા જઈ રહ્યું છે. માઈક્રોસોફટ, ગુગલ, એમેઝોન સહિતની જાયન્ટ કંપનીઓ ભારતમાં નાણાં ઠાલવશ. પ્રાપ્ત માહિતી પ્રમાણે ૨૦૨૫માં અત્યારસુધીમાં વિદેશી કંપનીઓ તરફથી ભારતમાં ૧૩૫ અબજ ડોલરના ઈન્વેસ્ટમેન્ટની બાંયધરી આવી પડી છે.
ટેક કંપનીઓ, ચીપ ઉત્પાદકો, ઓટો તથા નાણાંકીય સેવા ક્ષેત્રની કંપનીઓ દ્વારા ભારતમાં રોકાણ માટે ઉત્સુકતા બતાવવામાં આવી છે. ૧૩૫ અબજ ડોલરના જાહેર થયેલા ઈન્વેસ્ટમેન્ટમાંથી આંશિક ઈન્વેસ્ટમેન્ટ પ્રાપ્ત પણ થઈ ગયાનું સરકારી સુત્રોએ જણાવ્યું હતું.
આર્ટિફિસિઅલ ઈન્ટેલિજન્સ તથા ટેકનોલોજી વિકાસને કારણે દેશમાં ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સમાં વ્યાપક ઈન્વેસ્ટમેન્ટ જોવા મળી રહ્યું છે. વર્તમાન નાણાં વર્ષના એપ્રિલથી સપ્ટેમ્બરના ગાળામાં એફડીઆઈ ઈન્ફલોસનો આંક ૧૬ ટકા વધી ૫૦.૪૦ અબજ ડોલર રહ્યો છે ત્યારે સંપૂર્ણ નાણાં વર્ષના અંત સુધામાં આ ઈન્ફલોસ ૧૦૦ અબજ ડોલર પહોંચવા અપેક્ષા છે.ગુગલ, માઈક્રોસોફટ, એનવિડિયા, એમેઝોન સહિતની ટેક જાયન્ટસ દ્વારા ભારતમાં જંગી રોકાણની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત દેશમાં સ્ટાર્ટઅપ્સમાં પ્રાઈવેટ ઈક્વિટી તથા વેન્ચર કેપિટલ ફન્ડો દ્વારા પણ નોંધપાત્ર રસ દાખવાઈ રહ્યો છે.

