Get The App

ઓક્ટોબરમાં F&O ટર્નઓવર કેશ સેગમેન્ટની તુલનાએ 476 ગણું, બે વર્ષની ટોચે પહોંચી ગયું

- ઓક્ટોબર મહિનામાં કેશ સેગમેન્ટમાં ટર્નઓવર રૂ. ૨૨.૩૪ લાખ કરોડ જ્યારે એફએન્ડઓનું ટર્નઓવર ૧૦,૬૩૨ લાખ કરોડે આંબ્યુ

- સેબીના પ્રતિબંધો છતા સટ્ટો યથાવત

Updated: Nov 13th, 2025

GS TEAM

Google News
Google News
ઓક્ટોબરમાં F&O ટર્નઓવર કેશ સેગમેન્ટની તુલનાએ 476 ગણું, બે વર્ષની ટોચે પહોંચી ગયું 1 - image


અમદાવાદ : ભારતીય શેરબજારમાં સટ્ટાકીય પ્રવૃતિઓ અટકાવવા માટે માર્કેટ રેગ્યુલેટર સેબી દ્વારા અનેક પગલાં લેવામાં આવી રહ્યાં છે. માર્જિનમાં વધારા બાદ લોટમાં વધારો, અમુક કોન્ટ્રાકટ દૂર કરવા, ટૂંકી એક્સપાયરીને તાળા, લાંબાગાળાની એક્સપાયરીના જ વાયદાને મંજૂરી સહિતના અનેક અંકુશાત્મક પગલાં છતા ભારતીય માર્કેટમાં વાયદા બજાર ગતિ દિવસે ને દિવસે વધતી જ જઈ રહી છે. તાજેતરના આંકડાઓ ફરી સેબીની ચિંતા વધારી શકે છે.

ઓક્ટોબરમાં કેશ સેગમેન્ટમાં ટર્નઓવર માસિક દ્રષ્ટિએ ૪ ટકા ઘટયું છે પરંતુ ફ્યુચર્સ અને ઓપ્શન્સ (એફએન્ડઓ) માર્કેટમાં એક્ટિવિટી વધી અને કેશ સેગમેન્ટની સાપેક્ષે ૪૭૬ ગણી થઈ છે. કેશ ટૂ એફ એન્ડ ઓ રેશિયો ૪૭૬ પર બે વર્ષમાં સૌથી વધુ છે. આ અગાઉ આ માસિક સરેરાશ ઓક્ટોબર, ૨૦૨૩માં હતી, ત્યારે રેશિયો ૪૮૭.૩ ગણો હતો. એવરેજ મન્થલી પોઝીશન રોકાણકારો દ્વારા ઉભી કરવામાં આવેલી કુલ એફ એન્ડ ઓ પોઝીશનના કુલ મૂલ્યને પ્રતિબિંબિત કરે છે.

બજાર નિયમનકાર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા દ્વારા ડેરિવેટિવ્ઝ માર્કેટમાં સટ્ટાબાજીને રોકવા માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે છતા શેરબજારોમાં સટ્ટાબાજી સતત નવી ઊંચાઈએ પહોંચી રહી છે. 

બંને એક્સચેન્જોના કુલ ડેટા અનુસાર, ઓક્ટોબર મહિનામાં કેશ સેગમેન્ટમાં ટર્નઓવર ૨૨.૩૪ લાખ કરોડ રૂપિયા હતું અને કામચલાઉ એફએન્ડઓ ટર્નઓવર ૧૦,૬૩૨ લાખ કરોડ રૂપિયા હતું. ઓક્ટોબરમાં વાયદા બજારની એક્ટિવિટી એક વર્ષની ઊંચી સપાટીએ પહોંચી હતી, જ્યારે કેશ માર્કેટ ટર્નઓવર અગાઉના જુલાઈ, ૨૦૨૪ના રેકોર્ડ રૂ. ૩૨.૯૬ લાખ કરોડના સ્તરેથી ૩૨ ટકા ઓછું છે.

આ દરમિયાન, પ્રીમિયમની દ્રષ્ટિએ પણ ઓક્ટોબરમાં સરેરાશ દૈનિક ટર્નઓવર પાંચ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યું છે. આ રોકડ સેગમેન્ટના વોલ્યુમના ૨.૨ ગણું હતું.

ઓપ્શન ખરીદનાર પાસેથી ઓપ્શન પ્રીમિયમનું અગાઉથી કલેક્શન, એક્સપાયરી ડે પર કેલેન્ડર સ્પ્રેડ ટ્રીટમેન્ટ દૂર કરવા, પોઝિશન લિમિટનું ઇન્ટ્રા-ડે મોનિટરિંગ, ઇન્ડેક્સ ડેરિવેટિવ્ઝ માટે કોન્ટ્રાક્ટ સાઈઝ, વીકલી ઇન્ડેક્સ ડેરિવેટિવ્ઝ પ્રોડક્ટ્સનું તર્કસંગતિકરણ અને ઓપ્શન્સ એક્સપાયરી ડે પર ટેલ રિસ્ક કવરેજમાં વધારો સહિતના અનેક પગલાંનો સમાવેશ થાય છે.

આ પગલાં કારગર નીવડયા હતા. ઇન્ડેક્સ ઓપ્શન્સ ટર્નઓવર વર્ષ-દર-વર્ષ ૯ ટકા (પ્રીમિયમની દ્રષ્ટિએ) અને ૨૯ ટકા (નોશનલ દ્રષ્ટિએ) ઘટયું હતું. જોકે બે વર્ષ પહેલાની સરખામણીમાં, ઇન્ડેક્સ ઓપ્શન્સ વોલ્યુમમાં ૧૪ ટકા (પ્રીમિયમ દ્રષ્ટિએ) અને ૪૨ ટકા (નોશનલ દ્રષ્ટિએ) વધારો થયો હતો.

ઇક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં પ્રીમિયમ દ્રષ્ટિએ વ્યક્તિઓનું ટર્નઓવર વાર્ષિક ધોરણે ૧૧ ટકા અને બે વર્ષ પહેલાના સમાન સમયગાળામાં ૩૬ ટકા ઘટયું હતું અને ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં ટ્રેડિંગ કરતા યુનિક વ્યક્તિગત રોકાણકારોની સંખ્યામાં ગત વર્ષની સરખામણીમાં ૨૦ ટકાનો ઘટાડો થયો હતો અને બે વર્ષ પહેલાની સરખામણીમાં ૨૪ ટકાનો વધારો થયો હતો.

સેબીએ અગાઉ એક રિપોર્ટમાં ઇક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં વ્યક્તિગત ટ્રેડરોના નફા અને નુકસાનના વિશ્લેષણમાં ઘટસ્ફોટ કર્યો હતો કે નાણાંકીય વર્ષ ૨૦૨૫માં લગભગ ૯૧ ટકા ઈન્ડિવિડયુઅલ ટ્રેડરોએ નેટ ખોટ સહન કરી હતી અને નાણાંકીય વર્ષ ૨૦૨૪માં પણ સમાન વલણ જોવા મળ્યું હતું.

Tags :