Get The App

શેરોમાં આશાસ્પદ તેજી સાથે વર્ષ 2025ની વિદાય

Updated: Jan 1st, 2026

GS TEAM

Google News
Google News
શેરોમાં આશાસ્પદ તેજી સાથે વર્ષ 2025ની વિદાય 1 - image

- લોકલ ફંડોની મેટલ, કન્ઝયુમર, ઓટો, ઓઈલ, કેપિટલ ગુડઝ શેરોમાં ધૂમ ખરીદી: સેન્સેક્સ 545 પોઈન્ટ ઉછળીને 85220

- નિફટી 191 પોઈન્ટની છલાંગે 26130 : સ્મોલ, મિડ કેપ શેરોમાં ફરી ખરીદી : રોકાણકારોની સંપતિમાં રૂ.4.07 લાખ કરોડનો વધારો : DIIની કેશમાં રૂ.6760 કરોડની ચોખ્ખી ખરીદી

મુંબઈ : કેલેન્ડર વર્ષ ૨૦૨૫એ આજે આશાસ્પદ ઓલ રાઉન્ડ તેજી સાથે વિદાય લીધી હતી. વૈશ્વિક બજારોમાં તેજીને બ્રેક સામે ભારતીય શેર બજારોમાં ઝડપી રિકવરી જોવાઈ હતી. વિશ્વમાં દરેક દેશો તેમની રક્ષણાત્મક નીતિ અપનાવી રહ્યા હોઈ ભારતે પણ પોતાના ઉદ્યોગોની સસ્તી આયાતો સામે સુરક્ષાને લઈ સ્ટીલની આયાત પર ટેરિફ વધારવાનો નિર્ણય લેતાં અને વધુ પગલાં અપેક્ષિત હોઈ આજે ભારતીય શેર બજારોમાં ફંડો, મહારથીઓએ સ્ટીલ, મેટલ શેરોની આગેવાનીએ તેજી કરી હતી. બુલિયન બજારમાં મોટી ઉથલપાથલ બાદ માર્જિનમાં વધારાના પરિણામે વિશ્વ બજારમાં સોના-ચાંદીના ભાવમાં ફરી કડાકો બોલાયો હોઈ ફંડો ઈક્વિટી તરફ વળવાની અપેક્ષાએ પણ શેરોમાં તેજી જોવાઈ હતી. ફંડોએ આજે વર્ષના અંતે પોર્ટફોલિયો વેલ્યુએશન ઊંચુ લાવવાની કવાયતમાં પણ ઘણા શેરોમાં તેજી કરી હતી. ખાસ મેટલ-માઈનીંગ, ઓટોમોબાઈલ, કન્ઝયુમર ડયુરેબલ્સ, કેપિટલ ગુડઝ-પાવર, ઓઈલ-ગેસ, હેલ્થકેર શેરોમાં મોટી ખરીદી કરી હતી. આ સાથે બેંકિંગ, આઈટી શેરોમાં પસંદગીની તેજી કરી હતી. સેન્સેક્સ ૫૪૫.૫૨ પોઈન્ટ ઉછળીને ૮૫૨૨૦.૬૦ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૧૯૦.૭૫ પોઈન્ટ વધીને ૨૬૧૨૯.૬૦ બંધ રહ્યા હતા.

સ્ટીલની આયાત પર ટેરિફ વધતાં શેરોમાં જેએસડબલ્યુ સ્ટીલ, સેઈલ, જિન્દાલ સ્ટીલ, ટાટા સ્ટીલ વધ્યા

સ્ટીલની આયાત પર કેન્દ્ર સરકારે ટેરિફ વધારતાં ભારતીય કંપનીઓના શેરોમાં ફંડોએ આક્રમક ખરીદી કરી હતી. જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૫૩.૩૦ વધીને રૂ.૧૧૬૪.૯૫, સેઈલ રૂ.૫.૯૦ વધીને રૂ.૧૪૬.૯૦, જિન્દાલ સ્ટીલ રૂ.૩૨.૬૫ વધીને રૂ.૧૦૫૩.૬૫, ટાટા સ્ટીલ રૂ.૪.૩૦ વધીને રૂ.૧૮૦.૦૫, લોઈડ્સ મેટલ રૂ.૩૦ વધીને રૂ.૧૩૨૨, એપીએલ અપોલો રૂ.૩૧.૩૫ વધીને રૂ.૧૯૧૪.૪૫, અદાણી એન્ટરપ્રાઈસીઝ રૂ.૨૪.૪૦ વધીને રૂ.૨૨૩૯.૫૦ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૫૪૮.૨૬ પોઈન્ટ વધીને ૩૬૮૧૧.૭૩ બંધ રહ્યો હતો.

કન્ઝયુમર ઈન્ડેક્સની ૮૨૦ પોઈન્ટની છલાંગ : ડિક્સન, પીજી ઈલેક્ટ્રો, બર્જર પેઈન્ટ, ટાઈટન વધ્યા

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પણ ફંડોએ આજે વર્ષના અંતિમ દિવસે મોટી ખરીદી કરી હતી. ડિક્સન ટેકનોલોજી રૂ.૩૧૪.૨૦ વધીને રૂ.૧૨,૧૦૬.૯૫, પીજી ઈલેક્ટ્રોપ્લાસ્ટ રૂ.૧૩.૩૫ વધીને રૂ.૫૭૫.૨૫, બર્જર પેઈન્ટસ રૂ.૧૧.૪૦ વધીને રૂ.૫૩૭.૯૦, ટાઈટન કંપની રૂ.૭૬.૬૦ વધીને રૂ.૪૦૫૦.૬૫, અંબર એન્ટરપ્રાઈસીઝ રૂ.૧૧૨.૨૫ વધીને રૂ.૬૩૮૧.૪૦, બ્લુ સ્ટાર રૂ.૨૬.૮૫ વધીને રૂ.૧૭૩૪.૬૫, હવેલ્સ ઈન્ડિયા રૂ.૧૨.૭૫ વધીને રૂ.૧૪૨૫.૭૦ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૮૨૦.૭૦ પોઈન્ટ ઉછળીને ૬૦૦૦૩.૫૮ બંધ રહ્યો હતો.

ક્રુડમાં સપ્લાય વધતાં ઓઈલ શેરોમાં તેજી : એચપીસીએલ, બીપીસીએલ, આઈઓસી વધ્યા

સાઉદી અરેબિયાએ એશીયા માટે ઓઈલના ભાવ નીચા રાખતાં અને ભારતની આયાત નીચા ભાવોએ વધી હોઈ ઓઈલ-ગેસ શેરોમાં ફરી તેજીના મંડાણ થયા હોય એમ આજે ફંડો મોટાપાયે ખરીદદાર બન્યા હતા. એચપીસીએલ રૂ.૩૦.૬૫ વધીને રૂ.૪૯૯, બીપીસીએલ રૂ.૧૪.૨૦ વધીને રૂ.૩૮૩.૯૦, ઓઈલ ઈન્ડિયા રૂ.૧૨.૭૦ વધીને રૂ.૪૨૪.૫૦, ઈન્ડિયન ઓઈલ કોર્પ રૂ.૪.૯૫ વધીને રૂ.૧૬૬.૪૫, ઓએનજીસી રૂ.૫.૪૫ વધીને રૂ.૨૪૦.૨૫, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૮.૬૦ વધીને રૂ.૧૫૬૯.૪૦ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૭૬૩.૫૧ પોઈન્ટ ઉછળીને ૨૮૭૦૮.૮૩ બંધ રહ્યો હતો.

ડિસેમ્બરના મજબૂત આંકડાએ ઓટો શેરોમાં ટીવીએસ રૂ.૮૨, ટીઆઈ રૂ.૫૦, આઈશર રૂ.૧૦૮ વધ્યા

ઓટોમોબાઈલ શેરોમાં આજે ફરી ફંડોએ આક્રમક ખરીદી કરી હતી. કેલેન્ડર વર્ષ ૨૦૨૫ પૂરું થતાં ડિસેમ્બર મહિનામાં ફોર વ્હીલર વાહનોનું વેચાણ એકંદર મજબૂત રહેતાં અને હવે નવા વર્ષ ૨૦૨૬માં નવા મેન્યુફેકચર થનારા વાહનો માટેની ખરીદી વધવાની અને નવા મોડલો લાઈનઅપ રહેતાં ફંડોએ વેચાણ વધવાની અપેક્ષાએ પસંદગીના શેરોમાં મોટી ખરીદી કરી હતી. ટીવીએસ મોટર રૂ.૮૧.૬૫ વધીને રૂ.૩૭૧૯.૪૫, ટીઆઈ ઈન્ડિયા રૂ.૪૯.૮૫ વધીને રૂ.૨૬૧૪.૮૦, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ રૂ.૬ વધીને રૂ.૩૬૭.૫૦, આઈશર મોટર્સ રૂ.૧૦૮ વધીને રૂ.૭૩૧૨.૧૦, બોશ રૂ.૪૮૨.૫૦ વધીને રૂ.૩૬,૦૫૦.૩૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૪૬.૧૦ વધીને રૂ.૩૭૦૯.૬૦, હીરો મોટોકોર્પ રૂ.૫૮.૪૦ વધીેન રૂ.૫૭૭૦.૨૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૬૩૧.૪૬ પોઈન્ટ ઉછળીને ૬૨૫૫૬.૬૩ બંધ રહ્યો હતો.

પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં ફંડો ફરી તેજીમાં આવ્યા : કાર્બોરેન્ડમ, પીટીસીઆઈએલ, કેઈઆઈ, એસ્ટ્રલ વધ્યા

પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં પણ ફંડો વર્ષાંતે ફરી તેજીમાં આવ્યા હોય એમ મોટી ખરીદી કરી હતી. કાર્બોરેન્ડમ યુનિવર્સલ રૂ.૨૭.૫૫ વધીને રૂ.૮૫૬.૬૫, પીટીસીઆઈએલ રૂ.૪૮૭.૯૫ વધીને રૂ.૧૮,૫૫૫.૪૦, કેઈઆઈ રૂ.૧૦૭.૯૦ વધીને રૂ.૪૪૬૦.૧૫, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૭૯.૩૦ વધીને રૂ.૩૩૫૫.૨૫, એસ્ટ્રલ રૂ.૨૮.૩૫ વધીને રૂ.૧૩૮૯.૧૫, પોલીકેબ રૂ.૧૩૨.૮૫ વધીને રૂ.૭૬૨૭.૬૦, ભેલ રૂ.૪.૮૦ વધીને રૂ.૨૮૭.૫૦, ટીમકેન રૂ.૪૩.૫૦ વધીને રૂ.૩૦૦૮.૮૦ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૭૪૫.૭૨ પોઈન્ટની છલાંગે ૬૭૧૧૨ બંધ રહ્યો હતો.

બેંકિંગ શેરોમાં સિલેક્ટિવ તેજી : ઈન્ડસઈન્ડ રૂ.૨૩ વધી રૂ.૮૬૪ : કોટક બેંક રૂ.૪૬, એક્સિસ બેંક રૂ.૨૩ વધ્યા

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડોએ આજે સિલેક્ટિવ ખરીદી કરી હતી. ઈન્ડસઈન્ડ બેંક રૂ.૨૨.૮૫ વધીને રૂ.૮૬૪.૪૦, કોટક મહિન્દ્રા બેંક રૂ.૪૬.૧૦ વધીને રૂ.૨૨૦૦.૭૫, એક્સિસ બેંક રૂ.૨૨.૭૦ વધીને રૂ.૧૨૬૮.૭૦, પીએનબી રૂ.૧.૨૦ વધીને રૂ.૧૨૩.૬૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૮.૯૦ વધીને રૂ.૯૮૨.૨૦ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૪૮૧.૨૨ પોઈન્ટ ઉછળીને ૬૬૭૫૯.૯૩ બંધ રહ્યો હતો.

ફાર્મા શેરોમાં તેજી : વોક્હાર્ટ રૂ.૬૭ ઉછળી રૂ.૧૪૪૫ : પોલીમેડ, મેટ્રોપોલિસ, ગ્લેક્સો, એફડીસી વધ્યા

ફાર્માસ્યુટિકલ્સ-હેલ્થકેર શેરોમાં પણ ફંડોએ આજે પસંદગીની મોટી ખરીદી કરી હતી. વોક્હાર્ટ રૂ.૬૭.૪૦ વધીને રૂ.૧૪૪૫.૯૦, પોલીમેડ રૂ.૭૭.૭૫ વધીને રૂ.૧૭૭૫.૮૦, મેટ્રોપોલિસ રૂ.૬૯.૫૫ વધીને રૂ.૧૯૨૯.૧૫, ગ્લેન્ડ રૂ.૫૭.૧૦ વધીને રૂ.૧૭૨૨.૩૦, ગ્લેક્સો ફાર્મા રૂ.૮૧.૬૦ વધીને રૂ.૨૪૭૦.૯૫, નારાયણ હ્યુદાલ્યા રૂ.૬૧.૨૫ વધીને રૂ.૧૮૯૦.૯૫, એફડીસી રૂ.૧૩.૬૦ વધીને રૂ.૪૨૩.૩૦, મેદાન્તા રૂ.૩૨.૭૫ વધીને રૂ.૧૧૮૫.૯૫, ઈપ્કા લેબ રૂ.૩૬.૪૦ વધીને રૂ.૧૪૨૪.૦૫ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૩૭૧.૪૨ પોઈન્ટ વધીને ૪૩૮૦૧.૯૪ બંધ રહ્યો હતો.

૨૦૨૫ના વર્ષાંતે ફરી સ્મોલ, મિડ કેપ શેરોમાં તેજીના વ્યાપક ફૂંફાળા : ૨૭૫૩ શેરો પોઝિટીવ બંધ

વર્ષાંતે આજે ફરી ફંડોએ તેમના પોર્ટફોલિયોમાં પડેલા શેરોમાં અને નવા શેરોમાં ખરીદીની તક ઝડપતાં તેજીના વ્યાપક ફૂંફાળા જોવા મળ્યા હતા. જેથી માર્કેટબ્રેડથ ફરી પોઝિટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૩૮૧ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૭૫૩ અને ઘટનારની સંખ્યા ૧૪૬૭ રહી હતી.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૪.૦૭ લાખ કરોડ વધીને રૂ.૪૭૫.૭૯ લાખ કરોડ થયું

શેરોમાં આજે વ્યાપક તેજીના પરિણામે રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૪.૦૭ લાખ કરોડ વધીને રૂ.૪૭૫.૭૯ લાખ કરોડ પહોંચ્યું હતું.

DIIની કેશમાં રૂ.૬૭૬૦ કરોડની ચોખ્ખી ખરીદી :  FPIs/FIIની રૂ.૩૫૯૭ કરોડની ચોખ્ખી વેચવાલી

સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈએ શેરોમાં સતત ખરીદી ચાલુ રાખી આજે વર્ષ ૨૦૨૫ના અંતિમ દિવસે કેશમાં રૂ.૬૭૫૯.૬૪ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. જ્યારે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝે રૂ.૩૫૯૭.૩૮ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૂ.૫૩૨૨.૫૨ કરોડની ખરીદી સામે કુલ રૂ.૮૯૧૯.૯૦ કરોડની વેચવાલી કરી હતી.