GSTમાંથી મુક્તિ: જીવન વીમા કંપનીઓના નવા બિઝનેસ પ્રીમિયમમાં 12 ટકા વધારો
- પોલિસીના વેચાણમાં પણ ૬૨ ટકા જેટલો જંગી વધારો થઈને ૧૯.૫૦ લાખ રહી

મુંબઈ : વ્યક્તિગત તથા જૂથ વીમા વેપારમાં મજબૂત વૃદ્ધિને પરિણામે ઓકટોબરમાં જીવન વીમા ઉદ્યોગના નવા બિઝનેસ પ્રીમિયમ મારફતની આવક વાર્ષિક ધોરણે ૧૨ ટકા વધી રૂપિયા ૩૪૦૦૦ કરોડ રહી હોવાનું લાઈફ ઈન્સ્યૂરન્સ કાઉન્સિલના ડેટા જણાવે છે. પોલીસિના વેચાણમાં ૬૨ ટકાથી વધુનો વધારો થયો છે.
વીમા પોલીસિઓને ગુડસ એન્ડ સર્વિસીઝ ટેકસ (જીએસટી)માંથી બાકાત રખાતા નવા બિઝનેસ પ્રીમિયમ તથા પોલીસિના વેચાણ વોલ્યુમમાં ગયા મહિને વધારો જોવા મળ્યો હોવાનું લાઈફ ઈન્સ્યૂન્સ કાઉન્સિલના સુત્રોએ જણાવ્યું હતું.
ગયા વર્ષના ઓકટોબરમાં ઉદ્યોગની નવા બિઝનેસ પ્રીમિયમ મારફતની આવક રૂપિયા ૩૦૩૪૭ કરોડ રહી હતી. એલઆઈસીની નવા બિઝનેસ પ્રીમિયમ મારફતની આવક ૧૨.૫૦ ટકા વધી રૂપિયા ૧૯૨૭૪ કરોડ જ્યારે ખાનગી જીવન વીમા કંપનીઓની આવક વાર્ષિક ધોરણે ૧૧.૫૦ ટકા વધી રૂપિયા ૧૪૭૩૨ કરોડ રહી હોવાનું પણ પ્રાપ્ત ડેટામાં જણાવાયું છે.
પોલીસિના વેચાણની દ્રષ્ટિએ વાર્ષિક ધોરણે ૬૨.૭૦ ટકા વધી ૧૯.૫૦ લાખ રહી હતી. એલઆઈસીની પોલીસિના વેચાણમાં ૧૨૦ ટકા વધારો થઈને ૧૨.૬૦ લાખ જ્યારે ખાનગી વીમા કંપનીઓ માટે આ આંક ૧૦ ટકા વધી સાત લાખ રહ્યો છે.
વર્તમાન વર્ષના એપ્રિલથી ઓકટોબરના ગાળામાં નવા બિઝનેસ પ્રીમિયમ મારફતની આવક વાર્ષિક ધોરણે ૮.૨૦ ટકા વધી રૂપિયા ૨.૪૦ ટ્રિલિયન રહી હતી.
વીમા પોલીસિને જીએસટીમાંથી મુક્તિ અપાતા જીવન વીમા કંપનીઓના નવા વેપારમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, એમ પણ સુત્રોએ ઉમેર્યું હતું.

