Get The App

નાની કાર પણ હવે સામાન્ય લોકોની પહોંચની બહાર : મારુતિ ચેરમેન ભાર્ગવ

- ૮૮ ટકા ભારતીય પરિવારો ૧૦ લાખ રૂપિયાની કાર ખરીદવા સક્ષમ નથી, નાની કારના વેચાણમાં ૯% ઘટાડો

Updated: Apr 27th, 2025

GS TEAM

Google News
Google News
નાની કાર પણ હવે સામાન્ય લોકોની પહોંચની બહાર : મારુતિ ચેરમેન ભાર્ગવ 1 - image


અમદાવાદ : મારુતિ સુઝુકી ઈન્ડિયાના ચેરમેન આર સી ભાર્ગવે શુક્રવારે જણાવ્યું હતું કે ભારતમાં કારની ખરીદી મુખ્યત્વે રૂ. ૧૨ લાખથી વધુ વાર્ષિક આવક ધરાવતા ટોચના ૧૨ ટકા પરિવારો માટે મર્યાદિત છે, જ્યારે બાકીના ૮૮ ટકા માટે નાની કાર પણ પરવડે તેમ નથી.

જો દેશના ૮૮ ટકા લોકો આવકના સ્તરથી નીચે હોય, જ્યાં તેઓ રૂ. ૧૦ લાખ અને તેનાથી વધુની કિંમતની આ કાર ખરીદવા માટે સક્ષમ ન હોય તો તમે કારના વેચાણમાં ઊંચી વૃદ્ધિ કેવી રીતે મેળવી શકો?  તેમણે જણાવ્યું હતું કે મેં અગાઉ કહ્યું તેમ, નિયમનકારી પગલાં અમલમાં મૂકવાની ઊંચી કિંમતે આ લોકો માટે નાની કાર, સસ્તી કાર પણ પરવડે નહીં તેવી બનાવી દીધી છે.

અમે જોયું છે કે આ ચાલુ વર્ષમાં નાની કાર (સેડાન અને હેચબેક)ના વેચાણમાં લગભગ ૯ ટકાનો ઘટાડો થયો છે. તેથી, જો દેશમાં ૮૮ ટકા લોકોએ ખરીદેલી કારની શ્રેણીમાં ૯ ટકાનો ઘટાડો થયો હોય, તો તમે વૃદ્ધિ ક્યાંથી મેળવશો?

મારુતિ સુઝુકીનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો FY૨૫ના ચોથા ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે ૪.૩ ટકા ઘટીને રૂ. ૩,૭૧૧ કરોડ થયો છે. નાની કારના વેચાણમાં સતત ઘટાડો અને શહેરી બજારોમાં નબળી માંગને કારણે ચોખ્ખા નફા પર આ દબાણ આવ્યું છે.

સિયામના ડેટા અનુસાર, ભારતમાં ૨૦૨૪-૨૫માં કુલ પેસેન્જર વાહનોના વેચાણમાં ૪.૩ મિલિયન વાહનોનો વધારો થયો છે, જે એક વર્ષ અગાઉની સરખામણીમાં માત્ર ૨ ટકા વધુ છે. ભાર્ગવે કહ્યું, ભારતમાં દર ૧,૦૦૦માંથી માત્ર ૩૪ લોકો પાસે જ કાર છે, જે વિશ્વના કોઈપણ દેશની સરખામણીમાં આ બાબતમાં કદાચ સૌથી ઓછી છે. 

વિકાસશીલ દેશ માટે, પેસેન્જર વાહનોના વેચાણમાં દર વર્ષે માત્ર બે થી ત્રણ ટકાનો વૃદ્ધિ દર દેશમાં કારના પ્રવેશમાં નોંધપાત્ર વધારો કરી શકશે નહીં. આ થોડી ચિંતાનો વિષય છે, ખાસ કરીને કારણ કે, સિયામ દ્વારા અનુમાન મુજબ, ૨૦૨૫-૨૬ વધુ સારું વર્ષ નહીં હોય. વિકાસ દર એકથી બે ટકા રહેવાનો અંદાજ છે.

Tags :