મુંબઈ : પશ્ચિમ એશિયાના યુદ્ધ છતાં મેમાં દેશની ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિમાં વધારો જોવા મળ્યો છે. એસએન્ડપી ગ્લોબલ દ્વારા એકત્રિત કરાયેલા ડેટા પ્રમાણે,મેનો ઉત્પાદન ક્ષેત્રનો પરચેઝિંગ મેનેજર્સ' ઈન્ડેકસ (પીએમઆઈ) વધી ૫૫.૦૦ સાથે ત્રણ મહિનાની ઊંચી સપાટીએ રહ્યો છે. એપ્રિલનો આ આંક ૫૪.૭૦ રહ્યો હતો.
૫૦થી ઉપરના પીએમઆઈને જે તે ક્ષેત્રનું વિસ્તરણ ગણવામાં આવે છે. પ્રારંભિક અંદાજમાં મેનો પીએમઆઈ ૫૪.૩૦ દર્શાવાયો હતો, જેની સામે અંતિમ આંક ઊંચો આવ્યો છે.
સંબંધિત મહિનાના નવા ઓર્ડરો, ઉત્પાદન, રોજગાર, પૂરવઠેદારો દ્વારા ડિલિવરીનો સમયગાળો તથા ખરીદાયેલા સ્ટોકસના માપ પૂરા પાડતા ઈન્ડાઈસિસનો પીએમઆઈ વેઈટેડ એવરેજ છે.
સમાપ્ત થયેલા મહિનામાં ઘરઆંગણે મજબૂત માગને પગલે નવા ઓર્ડરોમાં જોરદાર વૃદ્ધિ જોવા મળી છે. જો કે એપ્રિલની સરખામણીએ નિકાસ ઓર્ડરમાં વૃદ્ધિ ધીમી પડી હતી.
ભારતના માલસામાન માટે એશિયા, યુરોપ, નાઈજિરિયા તથા કેન્યા ખાતેથી મજબૂત માગ રહી હતી.
પશ્ચિમ એશિયાનો વિવાદ વણઉકેલાયેલો રહેતા અગમચેતીના વ્યૂહ તરીકે સ્ટોક કરવા ઉત્પાદનમાં વધારો કરાયો હોવાનું માનવામાં આવે છે.
યુદ્ધને કારણે ખર્ચનું દબાણ ગત મહિને ચાર વર્ષની ઊંચી સપાટીએ રહેવા પામ્યું હતું. પશ્ચિમ એશિયાની કટોકટીને પરિણામે મુખ્યત્વે ઈંધણ ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે. ખર્ચમાં વધારો છતાં ઉત્પાદકોએ કાચા માલની ખરીદી ચાલુ રાખી હતી. ઈન્વેન્ટરીના ભાગરૂપ આ ખરીદી જોવા મળી હોવાનું પીએમઆઈ રિપોર્ટમાં જણાવાયું હતું.


