- ભારતના પરિવારો પાસે પાંચ ટ્રિલિયન ડોલરનું સોનું
- ભારત વિશ્વનું ત્રીજુ મોટુ અર્થતંત્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે છતાં ભારતના લોકોનું સોના માટેના આકર્ષણમાં ઘટાડો થતો નથી
મુંબઈ : વૈશ્વિક સ્તરે સોનાના ભાવ જે ગયા સપ્તાહમાં પ્રતિ ઔંસ ૪૫૦૦ ડોલરને પાર કરી ગયા હતા તેને ધ્યાનમાં રાખતા ભારતના પરિવારો પાસે પડેલા સોનાનું એકંદર મૂલ્ય પાંચ ટ્રિલિયન ડોલરથી પણ વધુ થવા જાય છે, જે દેશના એકંદર ગ્રોસ ડોમેસ્ટિક ુપ્રોડકટ (જીડીપી) કરતા પણ વધુ હોવાનું કહી શકાય એમ છે.
મોર્ગન સ્ટેન્લીના વર્તમાન વર્ષના ઓકટોબરના એક રિપોર્ટ પ્રમાણે ભારતના પરિવારો પાસે અંદાજે ૩૪૬૦૦ ટન જેટલુ સોનુ પડયું છે. ગયા સપ્તાહમાં સોનાનો વૈશ્વિક ભાવ એક તબક્કે પ્રતિ ઔંસ ૪૫૫૦ ડોલરને પાર કરી ગયો હતો.
આ વૈશ્વિક ભાવ પ્રમાણે ભારતીય પરિવારો પાસેના સોનાનું એકંદર મૂલ્ય પાંચ ટ્રિલિયન ડોલરને પાર થઈ ગયું હતું એમ એક વિશ્લેષકે દાવો કર્યો હતો. ઈન્ટરનેશનલ મોનિટરી ફન્ડ (આઈએમએફ)ના તાજેતરના અંદાજ પ્રમાણે ભારતનું જીડીપી હાલમાં ૪.૧૦ ટ્રિલિયન ડોલર જેટલું છે.
ભારત વિશ્વનું ત્રીજુ મોટુ અર્થતંત્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે છતાં ભારતના લોકોનું સોના માટેના આકર્ષણમાં ઘટાડો થતો નથી અને તેમના દ્વારા સોનાની સતત ખરીદી જળવાઈ રહે છે. ભારતના પરિવારો સોનાને લાંબા ગાળાની બચત તરીકે જુએ છે.
સોનાની વૈશ્વિક માગમાં ભારતનો હિસ્સો ૨૬ ટકા છે જ્યારે ૨૮ ટક સાથે ચીન સોનાનો સૌથી મોટો વપરાશકાર દેશ છે.
દેશના પરિવારો જ નહીં પરંતુ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા પણ પોતાના રિઝર્વમાં સોનાનું હોલ્ડિંગ વધારી રહી છે. ૨૦૨૪થી અત્યારસુધીમાં રિઝર્વ બેન્કે અંદાજે ૭૫ ટન સોનુ ખરીદ કર્યું છે અને તેની પાસે હાલમાં ૮૮૦ ટન જેટલુ સોનું પડયું છે.
દેશના ફોરેકસ રિઝર્વમાં સોનાનું મૂલ્ય ૧૪ ટકા જેટલુ થવા જાય છે, એમ મોર્ગન સ્ટેન્લીના એક રિપોર્ટમાં જણાવાયું હતું.
ભારતમાં સરકારે સોનાની આયાત ઘટાડવા સોનાના વિકલ્પ તરીકે ગોલ્ડ ઈટીએફસ, સોવેરિન ગોલ્ડ બોન્ડ તથા ડિજિટલ ગોલ્ડ જેવા ઈન્વેસ્ટમેન્ટ સાધનો રજૂ કર્યા છે તેમ છતાં હાજર સોના માટેના આકર્ષણમાં ઘટાડો થયો નથી અને રજૂ કરાયેલા રોકાણ સાધનોને મર્યાદિત સફળતા મળી હોવાનું વિશ્લેષકે વધુમાં જણાવ્યું હતું.
રાજકીય ભૌગોલિક અનિશ્ચિતતા વચ્ચે વૈશ્વિક કેન્દ્રિય બેન્કો દ્વારા સોનાની સતત ખરીદીને પરિણામે ૨૦૨૫માં સોનાના ભાવમાં ૮૦ ટકા જેટલો ઉછાળો જોવા મળ્યો છે.


