2026માં વૈશ્વિક અસ્થિરતા વચ્ચે ઇક્વિટી મજબૂત રહેશે સોનુ પણ ચમક જાળવશે
- નિફ્ટીમાં તેજીમાં ૩૨,૦૩૨નો અને મંદીમાં ૨૬,૨૦૮નો લક્ષ્યાંક

અમદાવાદ : કોટક સિક્યોરિટીઝ લિમિટેડે (“Kotak Neo”) એ આજે તેનું માર્કેટ આઉટલૂક ૨૦૨૬ રજૂ કર્યું હતું, જે વૈશ્વિક અસ્થિરતા હોવા છતાં ભારતીય ઇક્વિટી અને કોમોડિટીઝ માટે આશાવાદનો સંકેત આપે છે. આ રિપોર્ટ આગામી વર્ષમાં જે મેક્રો ટ્રેન્ડ્સ, ક્ષેત્રની તકો અને કોમોડિટી આગાહીઓ પર રોકાણકારોએ નજર કરવાની જરૂર છે તે દર્શાવે છે.
કોટક સિક્યોરિટીઝના શ્રીપાલ શાહે જણાવ્યું હતું કે, 'વૈશ્વિક અશાંતિ વચ્ચે ભારત વિકાસની એક દીવાદાંડી બની રહ્યો છે. મજબૂત કમાણીના અંદાજો અને નીતિગત સમર્થનને કારણે ૨૦૨૬માં ઇક્વિટી મજબૂત રહેશે, જ્યારે સોનું સેફ-હેવન એસેટ તરીકે તેની ચમક જાળવી રાખે તેવી અપેક્ષા છે. યુવા રોકાણકારોની વધતી ભાગીદારી સાથે, બજાર ગહન જોડાણ અને સંપત્તિ નિર્માણ માટે તૈયાર છે તેમ કોટક સિક્યોરિટીઝના માર્કેટ આઉટલૂકમાં જણાવાયું છે.
માર્કેટ આઉટલૂક મુજબ સેબીના તાજેતરના સર્વેક્ષણના તારણો મુજબ, ફક્ત ૯.૫ ટકા પરિવારો સક્રિય રીતે રોકાણ કરે છે, જ્યારે ૬૩ ટકા ઓછામાં ઓછી એક સિક્યોરિટીઝ માર્કેટ પ્રોડક્ટથી વાકેફ છે. આનો અર્થ એ છે કે ભારતના ઇક્વિટી માર્કેટમાં અપાર વણખેડાયેલી સંભાવનાઓ છે. રોકાણને સમાવેશક અને સુલભ બનાવવા માટે બ્રોકરેજ કંપનીઓએ આગેવાની લેવી જોઈએ.
ભારતીય ઇક્વિટીમાં સપ્ટેમ્બર ૨૦૨૪ના ઉચ્ચતમ સ્તરેથી ૧૭ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો પરંતુ કેલેન્ડર વર્ષ ૨૦૨૫ના અંત સુધીમાં નિફ્ટી ૫૦ ફરી એક નવા સર્વકાલીન ઉચ્ચ સ્તર પર પહોંચ્યો હતો. સ્થાનિક રોકાણકારોએ સતત એફઆઈપી આઉટફ્લોને ટેકો આપ્યો હતો જેનાથી ભારતના ઇક્વિટી બજારોમાં વિશ્વાસ મજબૂત થયો હતો. પ્રાયમરી માર્કેટની મજબૂત પ્રવૃત્તિ રોકાણકારોના સતત આશાવાદ અને સ્થિતિસ્થાપકતા પર ભાર મૂકે છે
નિફ્ટી આઉટલૂક અને લક્ષ્યાંકોની વાત કરીએ તો અર્નિંગ આઉટલૂક મજબૂત થયું છે અને FY27Eમાં નિફ્ટી નફો ૧૭.૬ ટકા અને FY28Eમાં ૧૪.૮ ટકા વધવાનો અંદાજ છે. ડિસેમ્બર ૨૦૨૬ સુધીમાં નિફ્ટી ૨૯,૧૨૦ સુધી પહોંચવાનો અંદાજ છે. તેજીમાં ૩૨,૦૩૨નો લક્ષ્યાંક અને મંદીમાં ૨૬,૨૦૮નો લક્ષ્યાંક છે.
મેક્રો અનિશ્ચિતતા, ભૂ-રાજકીય તણાવ અને મજબૂત સેન્ટ્રલ બેંક ખરીદીને કારણે સોનાએ ૨૦૨૫માં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ૫૫ ટકાથી વધુ ઉછાળો નોંધાવી ૪,૦૦૦ ડોલર પ્રતિ ઔંસની સપાટી વટાવી હતી. રૂપિયાના અવમૂલ્યનને કારણે ભારતીય સોનાના ભાવમાં ૬૦ ટકાનો વધારો થયો હતો. ટેરિફ-સંબંધિત ઔદ્યોગિક અવરોધો છતાં સેફ-હેવન તરીકે માંગ અને માળખાકીય પુરવઠા ખાધને કારણે ચાંદીએ ૧૦૦ ટકાનો વધારો નોંધાવ્યો હતો.

