ટૂંક સમયમાં લૉન્ચ થશે EPFO 3.0 : 5 પોઈન્ટમાં સમજો 8 કરોડ ખાતાધારકોને કયા ફાયદા મળશે
EPFO 3.0: જો તમે નોકરિયાત છો, અને દરમહિને તમારા પીએફ એકાઉન્ટમાં રકમ જમા કરાવો છો, તો તમારા માટે મહત્ત્વના સમાચાર છે. ઈપીએફઓનું નવુ ડિજિટલ પ્લેટફોર્મ EPFO 3.0 ટૂંકસમયમાં લોન્ચ થઈ રહ્યું છે. જે આવ્યા બાદ પીએફ સંબંધિત તમામ મુંઝવણો અને મુશ્કેલી દૂર થશે. તમે ઉપાડથી માંડી ક્લેમ કરવા સુધીના તમામ કામ સરળ બનશે.
આવો જાણીએ કે, EPFO 3.0 લોન્ચ થવાથી પીએફની સંપૂર્ણ સિસ્ટમ કેવી રીતે બદલાઈ જશે, જેનો લાભ તેના આઠ કરોડ કર્મચારીઓને મળશે.
EPFO 3.0 શું છે?
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) નવુ વર્ઝન EPFO 3.0 લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ પ્લેટફોર્મનો ઉદ્દેશ પીએફ સર્વિસને વધુ ઝડપી, સરળ અને સંપૂર્ણપણે ડિજિટલ બનાવવાનો છે. સરકારે તેના માટે ઈન્ફોસિસ, વિપ્રો અને ટીસીએસ જેવી દિગ્ગજ આઈટી કંપનીઓને શોર્ટ-લીસ્ટ કરી છે. ઉલ્લેખનીય છે, EPFO 3.0 જૂન, 2025માં લોન્ચ થવાનું હતું. પરંતુ ટેક્નિકલ ટેસ્ટિંગના કારણે તેમાં વિલંબ થયો છે. અપેક્ષા છે કે, હવે ટૂંકસમયમાં આ પ્લેટફોર્મ તમામ કર્મચારીઓ માટે ઉપલબ્ધ થશે.
EPFO 3.0ના લાભ
1. યુપીઆઈમાંથી પીએફ ઉપાડી શકાશે
નવા પ્લેટફોર્મ પર યુપીઆઈ મારફત પીએફ ઉપાડી શકાશે. ગુગલ પે, ફોનપે કે પેટીએમ જેવી એપ મારફત સરળતાથી પીએફ ઉપાડી શકાશે. જે ઈમરજન્સી દરમિયાન કારગર સાબિત થશે.
2. એટીએમથી પીએફ ઉપાડની સુવિધા
ઈપીએફઓ 3.0 આવ્યા બાદ તમે સીધા એટીએમમાંથી પીએફ ઉપાડી શકશો. જેમ બેન્ક એકાઉન્ટમાંથી રોકડ ઉપાડો છો, તેવી જ રીતે પીએફની રકમ પણ તુરંત મળશે. જેના માટે UAN એક્ટિવ કરાવવો પડશે. તેમજ બેન્ક એકાઉન્ટને આધાર સાથે લિંક કરાવવુ અનિવાર્ય છે.
3. ઓનલાઈન ક્લેમ અને કરેક્શન
પીએફ ક્લેમ તેમજ વ્યક્તિગત વિગતોમાં ફેરફાર કરવા માટે પીએફ ઓફિસના ધક્કા ખાવાની જરૂર નથી. તમામ ચીજ ઓનલાઈન થશે. માત્ર ઓટીપી મારફત કરેક્શન કરવુ પડશે. ક્લેમ સ્ટેટસ પણ સરળતાથી ટ્રેક થઈ શકશે.
4. મરણના દાવાનો ઝડપી નિકાલ
ઈપીએફઓએ હાલમાં જ નિર્દેશ આપ્યો હતો કે, ડેથ ક્લેમનું સેટલમેન્ટ (મરણના દાવાનો નિકાલ) હવે ઝડપી અને સરળ બનશે. સગીર બાળકો માટે ગાર્ડિયનશીપ સર્ટિફિકેટની જરૂર પડશે નહીં. જેથી પરિવારને તુરંક મદદ મળશે.
5. શ્રેષ્ઠ ડિજિટલ એક્સપિરિયન્સ
નવુ EPFO 3.0 પ્લેટફોર્મ યુઝર ફ્રેન્ડલી હશે. જેમાં પીએફ એકાઉન્ટનું બેલેન્સ, કોન્ટ્રિબ્યૂશન અને અન્ય વિગતો ટ્રેક કરવી સરળ બનશે.
ઈપીએફઓ આપી રહી છે આ ખાસ સુવિધા
તદુપરાંત ઈપીએફઓએ અનેક નવી સુવિધાઓ શરૂ કરી છે. જેમાં આધાર વડે કેવાયસી પ્રક્રિયા કરવી સરળ બની છે. નામ અને જન્મતારીખ જેવા નાના-મોટા કરેક્શન હવે ઓનલાઈન થઈ શકે છે. નોકરી બદલવા પર પીએફ ટ્રાન્સફર સેવા પણ સરળ અને ઝડપી બની છે.