દર પાંચમાંથી ત્રણ વ્યક્તિના માથે ત્રણથી વધુ EMI, મધ્યમ વર્ગ માટે માથાનો દુઃખાવો
Image: AI Gemini |
EMI Trap: આજના હાઇટેક યુગમાં જ્યાં તમામ નાણાકીય વ્યવહાર મોબાઇલ ફોન મારફત મિનિટોમાં થઈ રહ્યા છે, સાથે સાથે મોંઘામાં મોંઘી વસ્તુઓ ખરીદવા માટે હવે રોકડની જરૂર રહી નથી. તેમાં પણ ક્રેડિટની સુવિધા મળતાં હવે ખાતામાં બેલેન્સ હોય કે ન હોય લોકો મન ભરીને ખરીદી કરી રહ્યા છે. પરંતુ શું આ ખરીદી વાજબી છે કે નહીં, તેની જાણકારી મેળવવી આવશ્યક છે. તમામ વસ્તુની ખરીદીમાં મળતી લોન-ફાયનાન્સની સુવિધાથી ખાસ કરીને યુવાનો પોતાના બજેટ બહારની મોજશોખની વસ્તુઓ ખરીદી રહ્યા છે અને બાદમાં EMIના બોજા હેઠળ દબાઈ જાય છે.
EMIનો બોજો મધ્યમવર્ગ માટે જોખમી
EMIનો બોજો મધ્યમવર્ગ માટે જોખમી છે. ફાયનાન્સિયલ એક્સપર્ટ તપસ ચક્રવર્તીએ 'EMI ડેટ ટ્રેપ'નો સામાન્ય ફોર્મ્યુલા રજૂ કરતાં સમજાવ્યું છે કે, મધ્યમવર્ગ EMIના વિષચક્રમાં ફસાઈ ગયો છે. મધ્યવર્ગ માટે આજે કમાઓ, ઉધાર લો, ચૂકાવો, ફરી કમાઓ, કોઈ બચત નહીં, ફરી સ્વાઇપ કરોની પેટર્ન બની છે. ક્રેડિટ કાર્ડ અને સરળ ફાયનાન્સની સુવિધાના માધ્યમથી મધ્યમવર્ગ પોતાની કમાણી કરતાં વધુ ખર્ચાઓ કરતો થયો છે અને બાદમાં તેનો EMI ભરવા તનતોડ મહેનત કરે છે. જેમાં બચતના નામે માત્ર ક્રેડિટ કાર્ડ પોઇન્ટ્સ જ રહે છે. કોઈપણ પ્રકારની બચત ન થતાં ઈમરજન્સી ખર્ચા દરમિયાન માથે હાથ દઈને રોવાનો વારો આવે છે.
આ પણ વાંચોઃ બાંગ્લાદેશ પર 35 ટકા ટેરિફથી ભારતના ગારમેન્ટ ઉદ્યોગ માટે સ્થિતિ સાનુકૂળ
એક હાથથી કમાણી અને બીજા હાથથી ઉધારી ચૂકવવાની
'EMI ડેટ ટ્રેપ' ફોર્મ્યુલા અનુસાર, વ્યક્તિ એક હાથથી કમાણી કરે છે અને બીજા હાથે તમામ કમાણી EMI ચૂકવવામાં ખર્ચી નાખે છે. જેથી કોઈ બચત તો થતી નથી પરંતુ ફરી ઉધારી લેવાનો વારો આવે છે. ઘરેલુ દેવું ભારતના કુલ જીડીપીના 42 ટકા થયું છે. જેમાં 32 ટકાથી વધુ હિસ્સો ક્રેડિટ કાર્ડ, પર્સનલ લોન, અને બાય નાઉ પે લેટરનો છે. ભારતમાં વેચાતાં 70 ટકા આઇફોન EMI પર ખરીદાય છે. ઘણા લોકો એક સાથે વિવિધ લોનના EMIનો બોજો સહન કરી રહ્યા છે. દર પાંચમાંથી ત્રણ લોકોના માથે એક સાથે ત્રણથી વધુ લોનનું ભારણ છે. માસિક EMI પર થતો ખર્ચ ઘરનું બજેટ ખોરવી નાખે છે. ઘણી વખત બિનજરૂરી એવી વસ્તુઓની ખરીદી થઈ જાય છે, કે તેનો EMI ચૂકવવા જીવન જરૂરી વસ્તુ પર કાપ મૂકવો પડે છે.
નાની રકમના EMI બન્યા માથાના મોટા દુઃખાવા
દેખાદેખીના યુગમાં આજે દર પાંચમાંથી ત્રણ લોકો ત્રણથી વધુ લોનના EMI ચૂકવી રહ્યા છે. EMIની રકમ નાની-નાની હોવાથી તેઓ મોટાપાયે ખરીદી તો કરી લે છે. પરંતુ તે નાની-નાની રકમનો EMI મહિનાના અંતે માથાનો મોટો દુઃખાવો બની જાય છે. ઉદાહરણ તરીકે 2,400 રૂપિયાની ફોન EMI, 3,000 રૂપિયાની લેપટોપ EMI, 4,000 રૂપિયાની બાઇક EMI અને 6,500 રૂપિયાનું ક્રેડિટ કાર્ડ બિલ, આ બધાને એકસાથે જોડીએ તો દર મહિને 25,000 રૂપિયા EMIમાં જતા રહે છે અને મધ્યમ વર્ગ માટે આ એક મોટી રકમ હોઈ શકે છે. આ જાળના ચક્કરમાં કોઈ બચત નહીં... કોઈ સહારો રહેતો નથી.
માત્ર અમીર દેખાવા લોન ન લો
EMIના વિષચક્રમાં ફસાઈ ન જાવ તે માટે હંમેશા વસ્તુ ખરીદતા પહેલાં પોતાની જરૂરિયાત નક્કી કરો. દેખાદેખી કે અમીર દેખાવાની ઇચ્છામાં મોંઘીદાટ અને બિનજરૂરી ચીજો ખરીદશો નહીં. પોતાની આવકના 40 ટકાથી વધુ EMI હોવો ન જોઈએ. મહદઅંશે EMI આવકના 20 ટકા સુધીનો હોય તો શ્રેષ્ઠ નાણાકીય આયોજન કરી શકાય. બચત પણ થાય અને રોકાણ પણ. ઈમરજન્સી અને પોતાની સુરક્ષા માટે સેફ્ટી ફંડની રચના કરો. જેના માટે તમે એસઆઇપી, ઇન્સ્યોરન્સનો વિકલ્પ અપનાવી શકો છો.
(નોંધઃ અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી પૂરતી છે. ગુજરાત સમાચાર નાણાકીય આયોજન મામલે કોઈ સલાહ આપતુ નથી.)