બાંગ્લાદેશ પર 35 ટકા ટેરિફથી ભારતના ગારમેન્ટ ઉદ્યોગ માટે સ્થિતિ સાનુકૂળ
- ટેરિફમાં ઘટાડો કરવા બાંગ્લાદેશ અમેરિકા સાથે ચર્ચા કરવા તત્પર
- ૩૫ ટકા ટેરિફને કારણે વૈશ્વિક બજારમાં બાંગ્લાદેશની સ્પર્ધાત્મકતા ઘટી જશે
મુંબઈ : રેડીમેડ ગારમેન્ટસ તથા એપરલની નિકાસમાં ભારતના મોટા હરિફ બાંગ્લાદેશ પર અમેરિકા દ્વારા ૩૫ ટકા ટેરિફ લાગુ કરવાના નિર્ણયથી ભારતના એપરલ તથા રેડીમેડ ગારમેન્ટ ઉત્પાદકો માટે હાલમાં સ્થિતિ સાનુકૂળ બની છે. જો કે નવા ટેરિફનો અમલ ૧લી ઓગસ્ટથી થવાનો છે ત્યારે બાંગ્લાદેશ પણ અમેરિકાને આ મુદ્દે સમજાવવાના પ્રયાસમાં હોવાન પ્રાપ્ત અહેવાલો જણાવે છે.
૩૫ ટકા ટેરિફને કારણે વૈશ્વિક બજારમાં બાંગ્લાદેશની સ્પર્ધાત્મકતા ઘટી જશે. ઊંચા ટેરિફને ધ્યાનમાં રાખી અમેરિકાના રેડીંમેડ ગારમેન્ટના આયાતકારોએ ભારત સહિતના અન્ય દેશો પર નજર દોડાવવાનું શરૂ કરવું પડશે જ્યાંથી તેમને સ્પર્ધાત્મક ભાવે માલ મળી રહે એમ એપરલ એકસપોર્ટ પ્રમોશન કાઉન્સિલના સુત્રોએ જણાવ્યું હતું.
વિયેતનામ સાથેના વેપાર કરારમાં અમેરિકાએ વીસ ટકા ટેરિફ લાગુ કર્યા છે ત્યારે હવે ભારત સાથેના કરારમાં ટેરિફ નીચા રહે તે જરૂરી છે.
હાલમાં ભારતની ટેકસટાઈલ નિકાસ પર ૧૦ ટકા ટેરિફ વસૂલવામાં આવે છે પરંતુ પ્રોડકટ કલાસીફેકશન તથા દરમાં વિવિધતાને કારણે કેટલાક સેગમેન્ટસ પર ૨૬ ટકા ડયૂટી લાગુ થાય છે.
અમેરિકા સાથે હાલમાં ચાલી રહેલી વેપાર વાટાઘાટમાં જો સ્થિતિ ભારત તરફ વળશે તો ભારતને સ્પર્ધાત્મકતાનો લાભ મળી રહેશે એમ પણ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.
ભારતની ટેકસટાઈલ નિકાસને ભાવમાં સ્પર્ધાત્મકતાનો લાભ મળી રહેશે તો અમેરિકા ખાતે નિકાસ હિસ્સામાં વધારો થવાની પણ અપેક્ષા વ્યકત કરવામાં આવી રહી છે.
સસ્તા લેબરને કારણે બાંગ્લાદેશ રેડીમેડ ગારમેન્ટસમાં ભારતની સ્પર્ધા સામે ટકી શકે છે, પરંતુ હાલની પ્રવાહી સ્થિતિને ધ્યાનમાં રાખી દેશના ગારમેન્ટસના નિકાસકારોએ અમેરિકાના ખરીદદારોને ડિસ્કાઉન્ટ ઓફ કરવાનું આ અગાઉથી જ શરૂ કરી દીધું હોવાનું સુત્રોએ ઉમેર્યું હતું.
નાણાં વર્ષ ૨૦૨૪-૨૫માં અમેરિકા ખાતે ભારતની એપરલ નિકાસનો આંક પાંચ અબજ ડોલર રહ્યો હતો. સૂચિત વેપાર કરારમાં ભારતના હિતોના રક્ષણ માટે દરેક આવશ્યક પગલાં લેવામાં આવશે ખાસ કરીને ટેકસટાઈલ તથા એપરલ જેવા ક્ષેત્રોને ધ્યાનમાં રખાશે એવી સરકાર દ્વારા આ અગાઉ ખાતરી ઉચ્ચારવામાં આવી છે.
દરમિયાન આકરા ટેરિફ દરને ધ્યાનમાં રાખી બાંગ્લાદેશ અમેરિકા સાથે ચર્ચા કરી ટેરિફમાં રાહત આપવા રજૂઆત કરવાની તૈયારી કરી રહ્યું હોવાનું એક અહેવાલમાં જણાવાયું હતું.