| (IMAGE - IANS) |
Elon Musk net worth $600 Billion: વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ અને ટેસ્લા-સ્પેસએક્સના સીઈઓ ઇલોન મસ્કે એક નવો ઇતિહાસ રચ્યો છે. તેમની કુલ નેટવર્થ 600 બિલિયન ડૉલર એટલે કે આશરે ₹54.50 લાખ કરોડને પાર કરી ગઈ છે. મસ્ક આ ઐતિહાસિક આંકડા સુધી પહોંચનારા વિશ્વના પ્રથમ વ્યક્તિ બની ગયા છે.
સ્પેસએક્સના વેલ્યુએશનમાં જોરદાર ઉછાળો
ફોર્બ્સના અહેવાલ મુજબ, મસ્કની સંપત્તિમાં આ મોટો વધારો સ્પેસએક્સના $800 બિલિયનના નવા વેલ્યુએશન અને આવતા વર્ષે કંપનીના IPO લાવવાની તૈયારીઓને કારણે થયો છે. સ્પેસએક્સના શેરના વેચાણના સમાચારો બાદ મસ્કની નેટવર્થમાં એક જ દિવસમાં $168 બિલિયનનો વધારો થયો છે.આમ ઇલોન મસ્કની સંપત્તિમાં એક જ દિવસમાં આશરે 15 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. જ્યારે બીજી તરફ મુકેશ અંબાણીની અત્યાર સુધીની કુલ નેટવર્થ 10 લાખ કરોડની આસપાસ છે.
SpaceX: મસ્ક સ્પેસએક્સમાં આશરે 42% હિસ્સો ધરાવે છે. જો કંપની આગામી વર્ષે પબ્લિક લિસ્ટિંગ(IPO) કરે, તો તેનું વેલ્યુએશન $1.5 ટ્રિલિયન સુધી પહોંચી શકે છે, જે મસ્કને વિશ્વના પ્રથમ 'ટ્રિલિયોનેર' બનાવી દેશે.
Tesla: ટેસ્લામાં મસ્કનો 12% હિસ્સો છે, જેની કિંમત હાલ $197 બિલિયન છે. 2025માં ટેસ્લાના શેર અત્યાર સુધીમાં 13% વધી ચૂક્યા છે.
xAI: તેમનું AI સ્ટાર્ટઅપ પણ $230 બિલિયનના વેલ્યુએશન પર નવું રોકાણ મેળવવા માટે તૈયાર છે.
'ભવિષ્યમાં પૈસાની જરૂરિયાત રહેશે નહીં" - મસ્કનું વિઝન
તાજેતરમાં એક પોડકાસ્ટમાં વાત કરતાં મસ્કે એક ચોંકાવનારી આગાહી કરી હતી. તેમણે કહ્યું કે, ભવિષ્યમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોબોટિક્સ માનવીની તમામ જરૂરિયાતો પૂરી કરવા માટે પૂરતા હશે, જેના કારણે 'પૈસા'નો કન્સેપ્ટ જ ખતમ થઈ જશે.
આ પણ વાંચો: ડોલર સામે રૂપિયામાં 90.79નું નવું તળિયું
મસ્ક માને છે કે ભવિષ્યમાં રોબોટ્સ જ ઘર બનાવશે, ખોરાક ઉગાડશે અને આરોગ્ય-શિક્ષણ જેવી સેવાઓ લગભગ મફત પૂરી પાડશે. આ સ્થિતિમાં, લોકોએ જીવન નિર્વાહ માટે કામ કરવાની જરૂર નહીં રહે. કામ કરવું એ માત્ર એક 'શોખ' બની જશે. તેમણે ઈયાન એમ. બેંક્સની પુસ્તક 'ધ કલ્ચર'નો ઉલ્લેખ કર્યો, જે એક એવા સમાજની કલ્પના કરે છે જ્યાં AI બધું જ સંભાળે છે અને લોકો પોતાની પસંદગીના કામોમાં વ્યસ્ત રહે છે.
મસ્ક અનુસાર, દરેકને સમૃદ્ધ બનાવવાનો એકમાત્ર રસ્તો AI અને રોબોટિક્સનો વ્યાપક ઉપયોગ છે. મસ્કની આ સફળતા અને તેમનું વિઝન દર્શાવે છે કે તેઓ માત્ર સંપત્તિ એકઠી કરવામાં જ નહીં, પરંતુ માનવ સભ્યતાના ભવિષ્યને પણ ધરમૂળથી બદલવામાં માને છે.


