ઇલેક્ટ્રિક વ્હીકલનો રજિસ્ટ્રેશન આંક પ્રથમ જ વખત વીસ લાખને પાર
- ઈ-ટુ વ્હીલર્સ તથા પેસેન્જર વાહનોની માગમાં વધારો

મુંબઈ : વર્તમાન કેલેન્ડર વર્ષના પ્રથમ ૧૧ મહિનામાં ઇલેક્ટ્રિક વ્હીકલના રજિસ્ટ્રેશનનો આંક વીસ લાખને પાર કરી ગયો છે. ઇલેક્ટ્રિક વ્હીકલ તથા ટુ વ્હીલર્સના વેચાણમાં વૃદ્ધિને પરિણામે એકંદર વીજ વાહનોનો આંક વીસ લાખથી ઊંચો જોવા મળ્યો હોવાનું ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન (ફાડા)ના સુત્રોએ જણાવ્યું હતું. વાર્ષિક ધોરણે વેચાણમાં ૧૪.૩૦ ટકા વૃદ્ધિ જોવા મળી છે.
વર્તમાન વર્ષના જાન્યુઆરીથી નવેમ્બરના ગાળામાં ઇલેક્ટ્રિક ટુ વ્હીલર્સનો આંક ૧૧.૮૧ લાખ રહ્યો છે જે વાર્ષિક ધોરણે ૯.૮૦ ટકા વધુ છે જ્યારે ઈ-થ્રી વ્હીલર્સનું વેચાણ ૧૨.૩૦ ટકા વધી ૭૦૯૫૧૦ રહ્યું છે. ઊતારૂ વાહનોનું વેચાણ ૭૭ ટકાથી વધુ વધી ૧૬૦૮૯૪ રહ્યાનું જોવા મળે છે.
કોઈ એક વર્ષના પ્રથમ ૧૧ મહિનામાં ઇલેક્ટ્રિક વ્હીકલનો વેચાણ આંક વીસ લાખથી વધુ રહ્યો હોય તેવું આ પ્રથમ જ વખત જોવા મળ્યું છે.
ઇલેક્ટ્રિક વ્હીકલના ઉત્પાદન તથા વેચાણ માટે સરકાર દ્વારા પૂરા પડાતા પ્રોત્સાહનોને કારણે વાહન ખરીદનારાઓનું તે તરફ આકર્ષણ વધી રહ્યું છે. ઇલેક્ટ્રિક વ્હીકલ માટે માળખાકીય સુવિધા ખાસ કરીને બેટરીઝની ઉપલબ્ધતા ઉપરાંત ચાર્જિંગ સ્ટેશનોમાં વધારાને પરિણામે પણ ઇલેક્ટ્રિક વ્હીકલ માટે આકર્ષણ વધ્યું હોવાનું ફાડાના સુત્રોએ ઉમેર્યું હતું.

