ઉંચા ભાવના કારણે ચાલુ માસે સોનાની આયાતમાં ઘટાડો થશે
- જાણકારોના મત મુજબ ડિસેમ્બરમાં આયાતમાં ૩૦ ટકા ઘટાડો થશે
નવી દિલ્હી, તા. 26 ડિસેમ્બર 2019, ગુરૃવાર
ચાલુ ડિસેમ્બર માસમાં સોનાના ભાવ સતત ઊંચા રહેતા તેની માંગમાં ઘટાડો થયો છે. જેના પગલે ચાલુ માસમાં સોનાની આયાતમાં ૩૦ ટકા જેટલો ઘટાડો થવાથી સંભાવના છે.
બજારના જાણકાર વર્તુળોના જણાવ્યા મુજબ ગત નવેમ્બર માસમાં સોનાનો ભાવ ઘટીને (૧૦ ગ્રામ દીઠ) રૂ. ૩૭૯૦૦ સુધી ઉતરી આવ્યો હતો. જેના કારણે લગ્નસરાની માંગ સારા એવા પ્રમાણમાં નીકળી હતી.
ડિસેમ્બર માસની શરૃઆત સાથે સોનાના ભાવ ફરી ઉંચકાયા છે. આજે અમદાવાદ ખાતે સોનાના ભાવ વધીને રૂ. ૩૯૭૦૦ પહોંચી ગયા છે. જાણકારોના જણાવ્યા મુજબ ટ્રેડ ડીલનો પ્રથમ તબક્કો પૂર્ણ થયા બાદ વૈશ્વિક સ્તરે આ મુદ્દાને લઈને વધુ સ્પષ્ટતા થાય તેની રાહ જોવાઈ રહી છે. જેના કારણે સોનાના ભાવ ઉંચકાયા છે.
આમ, સોનાના ભાવ ઉંચકાતા ચાલુ માસમાં તેની માંગમાં પણ ઘટાડો થયો છે. જે જોતા ચાલુ ડિસેમ્બર માસમાં સોનાની આયાત ૩૦ ટકા જેટલી ઘટીને ૫૦ ટન આસપાસ રહેવાની શક્યતા છે. તેમ જાણકાર વર્તુળોએ જણાવ્યું હતું.અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે ગત ઓક્ટોબર માસમાં ૪૦ ટન આસપાસ સોનાની આયાત થઈ હતી. જે નવેમ્બરમાં વધીને ૭૧ ટન જેટલી આયાત થઈ હતી. તે ચાલુ માસમાં ફરીથી ઘટે તેવી સંભાવના છે.