પેટ્રોલ-ડીઝલ, LPGની કિંમતો ઘટી... આજથી 10 મોટા ફેરફાર, જાણો તમને શું અસર થશે?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

July 1 financial rule change: દર મહિનાની શરૂઆતની જેમ જુલાઈ મહિનાના પ્રથમ દિવસથી પણ સામાન્ય લોકોના ખિસ્સા અને રોજિંદા જીવન સાથે જોડાયેલા કેટલાક મહત્ત્વના નિયમો બદલાયા છે. 1 જુલાઈથી દેશમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે, જે વેપારીઓ અને સામાન્ય જનતા માટે રાહતના સમાચાર લાવ્યો છે. આ સિવાય ચાલુ મહિનામાં આધાર કાર્ડમાં ઈ-મેલ અપડેટ, રેલવેના નિયમો, ક્રેડિટ કાર્ડ, પાસપોર્ટ અને બેંકિંગ સેવાઓ સહિતના અનેક મહત્ત્વના નિયમોમાં પણ ફેરફારો લાગુ થઈ ગયા છે અથવા આગામી દિવસોમાં થવા જઈ રહ્યા છે.
LPG ભાવમાં મોટો ઘટાડો
જુલાઈ મહિનાની શરૂઆત સામાન્ય જનતા માટે રાહતના સમાચાર લઈને આવી છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં ઘટાડો કર્યો છે. આ કિંમતોમાં ઘટાડો 19 કિલોગ્રામ વાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર કરવામાં આવ્યો છે, જ્યારે ઘરની રસોઈમાં વપરાતા 14 કિલોના ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવ સ્થિર રાખવામાં આવ્યા છે.
દિલ્હીથી લઈને મુંબઈ સુધી કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. રાજધાની દિલ્હીમાં અત્યાર સુધી 3,113.50 રૂપિયામાં મળતો કોમર્શિયલ સિલિન્ડર હવે 183 રૂપિયા સસ્તો થઈને 2,930 રૂપિયામાં મળશે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી તણાવભરી સ્થિતિને કારણે છેલ્લા કેટલાક સમયથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં સતત વધારો થઈ રહ્યો હતો. વર્ષ 2026માં આ પહેલીવાર બન્યું છે જ્યારે તેલ કંપનીઓએ કોમર્શિયલ સિલિન્ડરના ભાવ ઘટાડ્યા હોય.
પેટ્રોલમાં લિટરે રૂ. 5 અને ડીઝલમાં રૂ. 3નો ઘટાડો
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ ઘટવાનો ફાયદો હવે ભારતીય ગ્રાહકોને મળવા લાગ્યો છે. ખાનગી ક્ષેત્રની અગ્રણી ઈંધણ કંપની નાયરા એનર્જી (Nayara Energy)એ દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. કંપનીએ પેટ્રોલની કિંમતમાં પ્રતિ લીટર ₹5 અને ડીઝલની કિંમતમાં પ્રતિ લીટર ₹3નો ઘટાડો કર્યો છે. આ નવી કિંમતો 1 જુલાઈ 2026થી તાત્કાલિક અસરથી લાગુ થઈ ગઈ છે. છેલ્લા બે વર્ષ કરતાં વધુ સમયગાળામાં ઈંધણના ભાવમાં આ સૌથી મોટો ઘટાડો છે.
વગર ટિકિટે મુસાફરી કરનારાઓ માટે રેલવેના નિયમો કડક
કેન્દ્ર સરકારે રેલવેના નિયમોમાં મોટો ફેરફાર કરીને દંડની રકમમાં ભારે વધારો કર્યો છે. હવે ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરતા પકડાવા પર લઘુત્તમ દંડ 250 રૂપિયાથી વધારીને 500 રૂપિયા કરી દેવાયો છે. આ ઉપરાંત, જો કોઈ મુસાફર અન્ય વ્યક્તિના નામે બુક થયેલી ટિકિટ પર પ્રવાસ કરતા પકડાશે, તો તેની ટિકિટ તરત જ જપ્ત કરી લેવાશે અને તેની પાસેથી ટિકિટનું પૂરું ભાડું તેમજ 500 રૂપિયાનો વધારાનો દંડ વસૂલવામાં આવશે. એટલું જ નહીં, રેલવેમાં કોઈ પણ પ્રકારનો જોખમી સામાન લઈ જવા બદલ 10,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે અને મામલો વધારે ગંભીર હશે તો જેલની સજા પણ થઈ શકે છે.
આધાર એપ દ્વારા ફ્રીમાં અપડેટ થશે ઈમેલ આઈડી
આધાર કાર્ડ જાહેર કરતી સંસ્થા UIDAI દ્વારા ગ્રાહકો માટે એક ખાસ સુવિધા શરૂ કરવામાં આવી છે. આ નવા નિયમ હેઠળ, જો તમે તમારા આધાર કાર્ડમાં પોતાનું ઈમેલ આઈડી (Email ID) અપડેટ કરવા માંગો છો, તો 1 જુલાઈથી આધાર એપ દ્વારા આ કામ બિલકુલ ફ્રીમાં કરી શકશો. અગાઉ આ અપડેટ માટે 75 રૂપિયાની ફી ચૂકવવી પડતી હતી.
બેંકોમાં 'મિસ-સેલિંગ' પર લાગશે રોક
ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા ગ્રાહકોના હિતમાં નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. આ નિયમોનો મુખ્ય ઉદ્દેશ્ય બેંકો દ્વારા વીમો, મ્યુચ્યુઅલ ફંડ કે અન્ય નાણાકીય પ્રોડક્ટ્સનું ખોટું વેચાણ (મિસ-સેલિંગ) અટકાવવાનો છે. જો કોઈ ગ્રાહકને આવી કોઈ પ્રોડક્ટ ખોટી રીતે વેચવામાં આવી હોવાનું સાબિત થશે, તો તેને વળતર મેળવવાનો અને પોતાની પૂરેપૂરી રકમ પાછી મેળવવાનો કાનૂની અધિકાર રહેશે.
પાસપોર્ટ કઢાવવો હવે થશે મોંઘો
કેન્દ્ર સરકારે પાસપોર્ટ નિયમ 1980માં મોટો સુધારો કર્યો છે, જેના કારણે હવે નવો પાસપોર્ટ કઢાવવો કે તેને રી-ઈશ્યૂ કરાવવો મોંઘો પડશે. 36 પેજના સામાન્ય પાસપોર્ટ માટે હવે 1500 રૂપિયાના બદલે 2500 રૂપિયા ચૂકવવા પડશે, જ્યારે તેની તત્કાલ ફી 3500 રૂપિયાથી વધારીને 5000 રૂપિયા કરાઈ છે. એ જ રીતે, 60 પેજના જમ્બો પાસપોર્ટ માટે 2000 રૂપિયાના બદલે 3500 રૂપિયા અને તેના તત્કાલ બુકિંગ માટે 4000 રૂપિયાના બદલે 6000 રૂપિયાનો ખર્ચ થશે.
રસી અને કેન્સરની દવાઓ પર QR કોડ ફરજિયાત
બજારમાં મળતી નકલી અને હલકી ગુણવત્તાવાળી દવાઓ પર લગામ લગાવવા માટે સરકારે 1 જુલાઈ 2026થી તમામ વેક્સિન, એન્ટીમાઇક્રોબાયલ અને કેન્સર વિરોધી દવાઓ પર ક્યૂઆર કોડ અથવા બારકોડ લગાવવાનું ફરજિયાત બનાવ્યું છે. અગાઉ આ નિયમ માત્ર દેશની ટોપ-300 ફાર્મા બ્રાન્ડ્સ પર જ લાગુ હતો, પરંતુ હવે દવા ઉત્પાદકોએ પ્રાથમિક પેકેજિંગ પર જ તેને છાપવો કે ચોંટાડવો પડશે, જેથી નકલી દવાઓના વેચાણ પર રોક લગાવી શકાય.
SBI અને HDFC ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર
SBI કાર્ડ દ્વારા તેના 'ફોન-પે સહ-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ' પર મળતા રિવોર્ડ પોઈન્ટ્સના નિયમો બદલવામાં આવ્યા છે, જેના કારણે હવે ઘણી કેટેગરીના ખર્ચ પર ગ્રાહકોને ઓછા રિવોર્ડ પોઈન્ટ મળશે. બીજી તરફ, HDFC બેંકના કેટલાક ક્રેડિટ કાર્ડ પર એરપોર્ટ લાઉન્જની સુવિધા મેળવવા માટે હવે લઘુત્તમ ખર્ચ (મિનિમમ સ્પેન્ડિંગ) કરવાની નવી શરત લાગુ કરવામાં આવી છે.
મનરેગા યોજના બંધ, દેશભરમાં લાગુ થયો નવો કાયદો
દેશમાં છેલ્લા બે દાયકાથી ચાલતી 'મનરેગા' (MGNREGA) યોજના હવે સત્તાવાર રીતે બંધ થઈ ગઈ છે. તેના સ્થાને 1 જુલાઈથી દેશભરમાં નવો 'વિકસિત ભારત-રોજગાર અને આજીવિકા ગેરંટી મિશન' (VB-G RAM JI) અધિનિયમ લાગુ કરવામાં આવ્યો છે. આ નવા માળખા હેઠળ ગ્રામીણ પરિવારોને વર્ષમાં 125 દિવસની કાનૂની વેતન સાથેના રોજગારની ગેરંટી મળશે. આ યોજનામાં પારદર્શિતા લાવવા માટે જૂના જોબ કાર્ડના બદલે ફેસ રેકગ્નિશન (ચેહરો ઓળખવાની) સુવિધા ધરાવતા નવા 'સ્માર્ટ જોબ કાર્ડ' અપાશે, જોકે વેતન સીધું શ્રમિકોના બેંક કે પોસ્ટ ઓફિસ ખાતામાં જ જમા થતું રહેશે.
ITR ફાઇલ કરવાની ડેડલાઈન નજીક
ITR-1 અને ITR-2 ફોર્મ ભરતા કરદાતાઓ માટે નાણાકીય વર્ષ 2025-26નું ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2026 નક્કી કરવામાં આવી છે. જો તમે આ સમયમર્યાદામાં આઈટીઆર ફાઈલ નહીં કરો, તો તમારે મોટો દંડ ભરવો પડી શકે છે અને નવી ટેક્સ સિસ્ટમ પસંદ કરવા પર પણ પ્રતિબંધ આવી શકે છે.









