EPFOની મોટી જાહેરાત! હવે PFના પૈસા ઉપાડવા માટે કોઈપણ ડૉક્યુમેન્ટની જરૂર નહીં પડે
EPFO News: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને(ઈપીએફઓ) ખાતામાંથી ઉપાડ પ્રક્રિયા સરળ બનાવતા મોટી જાહેરાત કરી છે. હવે ઈપીએફ ખાતામાંથી ઉપાડ કરતી વખતે કોઈપણ પ્રકારના ડૉક્યુમેન્ટની જરૂર નહીં પડે. કેન્દ્ર સરકારે સંસદ ગૃહમાં આ અંગે સ્પષ્ટતા કરી હતી કે, આ નિયમ પહેલાથી જ લાગુ છે. હવે કોઈપણ ડૉક્યુમેન્ટ વિના ઈપીએફ ખાતામાંથી પૈસા ઉપાડી શકાશે. જેથી હવે ઈપીએફ ધારકો અભ્યાસ, ઘરની ખરીદી, બીમારી કે અન્ય કોઈ પણ ઈમરજન્સી દરમિયાન પીએફ એકાઉન્ટમાંથી સરળતાથી ઉપાડ કરી શકશે.
માત્ર આ માહિતી આપી કરી શકાશે ઉપાડ
શ્રમ અને રોજગાર મંત્રાલયે સંસદમાં જણાવ્યું હતું કે, ઈપીએફઓના સભ્યો હવે માત્ર સેલ્ફ ડિક્લેરેશન મારફત ઉપાડ કરી શકશે. તેમાં માત્ર ઉપાડ પાછળનું કારણ જણાવવું પડશે. તેના માટે કોઈ ડૉક્યુમેન્ટ જમા કરાવવાની જરૂર પડશે નહીં. ઉલ્લેખનીય છે કે, લોકસભામાં સાંસદ વિજય કુમાર, વિજય વસંથ, માણિકમ ટાગોર બી અને સુરેશ કુમાર શેટકરે સવાલ ઉઠાવ્યો હતો કે, ઈપીએફઓએ આંશિક ઉપાડ માટે માત્ર ખાતેદારની જાહેરાત પર વિશ્વાસ કરવાનું ક્યારથી શરુ કર્યું. જેનો જવાબ આપતાં સરકારે કહ્યું કે, આ પ્રક્રિયા સરળ, પારદર્શી અને વિશ્વસનીયતા સાથે શરુ કરવામાં આવી છે. જેથી લોકો કારણ વિના ભાગદોડ કરવાના બદલે સરળતાથી ઉપાડ કરી શકે.
આ પણ વાંચોઃ PIN યાદ રાખવાની માથાકૂટથી છૂટકારો! આ રીતે થશે UPI પેમેન્ટ, ફ્રોડ-સ્કેમથી પણ બચી શકાશે
કમ્પોઝિટ ક્લેમ ફોર્મથી પ્રક્રિયા સરળ બની
મીડિયા રિપોર્ટ અનુસાર, લોકસભામાં રજૂ કરવામાં આવેલો ઈપીએફઓમાં બદલાવ નવો નથી. 2017માં ઈપીએફઓએ કમ્પોઝિટ ક્લેમ ફોર્મ શરુ કર્યું હતું. જેના મારફત ઉપાડની પ્રક્રિયા સરળ બની હતી. ફોર્મે આંશિક અને અંતિમ ઉપાડ માટે ડૉક્યુમેન્ટની જરૂરિયાત દૂર કરી છે. હવે ખાતેદાર માત્ર સેલ્ફ ડિક્લેરેશનના આધાર પર ઉપાડ કરી શકે છે. વધુમાં બૅન્ક પાસબુક અને ચેક અપલોડ કરવાની ઝંઝટ પણ 3 એપ્રિલ, 2025ના રોજ દૂર કરવામાં આવી હતી. કેવાયસી અને બૅન્ક એકાઉન્ટ વેરિફિકેશનમાં નડતી મુશ્કેલીઓ પણ ઘટી છે. ઈમરજન્સીમાં ફંડ ઉપાડવું સરળ બન્યું છે. આ નવી પ્રક્રિયાનો અત્યારસુધીમાં 1.9 કરોડથી વધુ ઈપીએફ ખાતેદારોએ લાભ લીધો છે. આ આંકડો 22 જુલાઈ, 2025 સુધીનો છે.