મોટી બેંકો બનાવવા માટે PSU બેંકોના મર્જરના બીજા તબક્કા પર ચર્ચા શરૂ
- બેંક એકીકરણના પ્રથમ તબક્કામાં ૧૩ બેંકોનું મર્જર કરીને પાંચ બેંકો બનાવવામાં આવી હતી

અમદાવાદ : જાહેર ક્ષેત્રની બેંક એકીકરણના બીજા તબક્કા પર ચર્ચા શરૂ થવાનો સંકેત આપતા, કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે સરકારે ભારતમાં મોટી બેંકો બનાવવા માટે એક ઇકોસિસ્ટમ વિકસાવવા માટે ભારતીય રિઝર્વ બેંક અને બેંકો સાથે ચર્ચા શરૂ કરી છે. જાહેર ક્ષેત્રની બેંકોનું મર્જર એ દેશમાં મોટી બેંકિંગ સંસ્થાઓ બનાવવાનો એક માર્ગ છે.
દેશને ઘણી મોટી, વિશ્વ-સ્તરીય બેંકોની જરૂર છે. આપણે બેસીને બેંકો સાથે ચર્ચા કરવાની જરૂર છે કે તેઓ કેવી રીતે આગળ વધવા માંગે છે. રિઝર્વ બેંક સાથે પણ ચર્ચા કરવાની જરૂર છે કે તેઓ મોટી બેંકો બનાવવા વિશે શું વિચારે છે. આ અંગે કોઈ નિર્ણય લેતા પહેલા ઘણું કામ કરવાનું બાકી છે. હાલ રિઝર્વ બેંક અને બેંકો સાથે આ અંગે ચર્ચા ચાલુ છે.
જાહેર ક્ષેત્રની બેંકોના એકીકરણનો પ્રથમ તબક્કો ૨૦૧૯-૨૦ નાણાકીય વર્ષમાં થયો હતો. તે સમયે, ૧૩ બેંકોને મર્જ કરીને પાંચ બનાવવામાં આવી હતી.
ભારતમાં કુલ ૧૨ જાહેર ક્ષેત્રની બેંકો છે, પરંતુ સંપત્તિ દ્વારા વૈશ્વિક બેંકોની ટોચની ૫૦ યાદીમાં ફક્ત એક જ સ્થાનિક બેંક છે. એસએન્ડપી રેન્કિંગ અનુસાર, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ૪૩મા અને HDFC બેંક ૭૩મા ક્રમે ટોચની ૧૦૦ વૈશ્વિક બેંકોમાં શામેલ છે. ટોચની ચાર વૈશ્વિક બેંકો ચીનની છે, અને ટોચની ૨૦ માંથી સાત પણ તે દેશની છે.

