સેબીની ચેતવણીના પગલે ઓકટોબરમાં ડિજિટલ ગોલ્ડની ખરીદીમાં 60 ટકાનો ઘટાડો
- સપ્ટેમ્બરમાં ખરીદીનો આંક રૂ. ૧૪૧૦ કરોડ પરથી ઘટી ઓકટોબરમાં ૫૫૦ કરોડ રહ્યો

મુંબઈ : યુપીઆઈના ઉપયોગ દ્વારા ડિજિટલ ગોલ્ડની ખરીદી ઓકટોબરમાં ૬૦ ટકા જેટલી ઘટી વર્તમાન વર્ષની સૌથી નીચી સપાટીએ રહી હતી. ડિજિટલ ગોલ્ડ પર કોઈ નિયમન નહીં હેવાની વારંવારની ચેતવણીને પરિણામે ખરીદી પર અસર પડી હોવાનું માનવામાં આવે છે.
નેશનલ પેમેન્ટસ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા જે યુપીઆઈ વ્યવસ્થા પૂરી પાડે છે તેના ડેટા પ્રમાણે સપ્ટેમ્બરમાં ડિજિટલ ગોલ્ડની ખરીદીનો આંક જે રૂપિયા ૧૪૧૦ કરોડ હતો તે ઓકટોબરમાં ઘટી રૂપિયા ૫૫૦ કરોડ પર આવી ગયો છે.
વર્તમાન વર્ષમાં ડિજિટલ ગોલ્ડની સરેરાશ ખરીદી રૂપિયા ૯૫૧ કરોડ રહી છે. ડિજિટલ ગોલ્ડની ખરીદી માટે યુપીઆઈ એક સૌથી લોકપ્રિય પદ્ધતિ છે.
અગાઉ વર્તમાન મહિનામાં સિક્યુરિટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ જણાવ્યું હતું કે ડિજિટલ ગોલ્ડ પર કોઈપણ સંસ્થાનું નિયમન નથી.
આ પહેલા કેટલાક ડિજિટલ નિષ્ણાતોએ પણ રોકાણકારોને ચેતવણી આપી હતી અને જણાવ્યું હતું કે, ડિજિટલ ગોલ્ડનું વેચાણ કરતા પ્લેટફોર્મ્સ બંધ પડી જવાના કિસ્સામાં રોકાણકારોએ તેમના નાણાં મેળવવાનું મુશકેલ બની જાય છે.
યુપીઆઈ મારફત ઓગસ્ટમાં ડિજિટલ ગોલ્ડ ખરીદીના વ્યવહાર જે ૧૦ કરોડ રહ્યા હતા તે સપ્ટેમ્બરમાં વધી ૧૦.૩૦ કરોડ રહ્યા હતા અને ઓકટોબરમાં ૮૦ ટકા ઘટાડો થઈ ૨.૧૦ કરોડ નોંધાયો હતો.
વર્તમાન વર્ષમાં વિવિધ પેમેન્ટ એપ્સ મારફત ડિજિટલ ગોલ્ડનું વેચાણ જે જાન્યુઆરીમાં રૂપિયા ૭૬૨ કરોડ રહ્યું હતું તે સપ્ટેમ્બરમાં વધી રૂપિયા ૧૪૧૦ કરોડ પર પહોંચી ગયું હતું.
સોનાના ભાવમાં વધારો અને સેફ હેવન ગુણવત્તા તથા ઓનલાઈન મારફત ખરીદીમાં સરળતાને પરિણામે ડિજિટલ ગોલ્ડની ખરીદીમાં રોકાણકારોના રસમાં તાજેતરમાં વધારો જોવા મળ્યો છે.
વર્તમાન મહિનાના પ્રથમ સપ્તાહમાં બજાર નિયામક સેબીએ જણાવ્યું હતું કે, 'ડિજિટલ ગોલ્ડ' પ્રોડક્ટસ સેબી દ્વારા નિયંત્રિત ગોલ્ડ પ્રોડક્ટસથી ભિન્ન છે, કારણ કે તે ન તો સિક્યુરિટીઝ તરીકે વર્ગીકૃત છે કે ન તો કોમોડિટી ડેરિવેટિવ્ઝ તરીકે નિયંત્રિત છે. ડિજિટલ ગોલ્ડ સંપૂર્ણપણે સેબીના કાર્યક્ષેત્રની બહાર કાર્ય કરે છે. આવા ડિજિટલ ગોલ્ડ પ્રોડક્ટસ રોકાણકારો માટે નોંધપાત્ર જોખમો લાવી શકે છે.
રોકાણકારોમાં સોનાની ખરીદી અથવા રોકાણમાં રસ વધી રહ્યો હોવાથી ઘણા ઓનલાઈન પ્લેટફોર્મ આવી ગયા છે, જે એવા પ્રોડક્ટસ ઓફર કરી રહ્યા છે, જે સેબી દ્વારા કોઈપણ રીતે નિયંત્રિત નથી.

