અકલ્પનીય રેકોર્ડ તેજી છતા ભારતમાં જુલાઇ-સપ્ટેમ્બરમાં સોનાની માંગ 23 ટકા વધી
- એક્સચેન્જ ટ્રેડેડ ફંડમાં સૌથી વધુ ૨૨૨ ટનની નોંધપાત્ર ખરીદી
- બાર અને કોઈનની માંગ સતત ચોથા ક્વાર્ટરમાં ૩૦૦ ટનથી ઉપર

અમદાવાદ : સોનાના ભાવમાં આગઝરતી તેજી છતા વૈશ્વિક સોનાની માંગે ત્રીજા ક્વાર્ટર એટલેકે જુલાઈ-સપ્ટેમ્બર, ત્રિમાસિકમાં એક નવો રેકોર્ડ બનાવ્યો છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના 'ગોલ્ડ ડિમાન્ડ ટ્રેન્ડ્સ રિપોર્ટ ૨૦૨૫ના ત્રીજા ક્વાર્ટર'ના ડેટા અનુસાર જુલાઈ-સપ્ટેમ્બર ૨૦૨૫ના સમયગાળા દરમિયાન ભારતમાં કુલ સોનાની માંગ રૂ. ૨,૦૩,૨૪૦ કરોડ રહી હતી. આ આંકડો ગત વર્ષના સમાન સમયગાળાની તુલનામાં ૨૩ ટકા વધુ છે. જોકે એકંદર વોલ્યુમમાં ઘટાડો થયો છે અને વોલ્યુમમાં માંગ ૧૬ ટકા ઘટી છે.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના ડેટા અનુસાર વિશ્વભરમાં સોનાની કુલ માંગ ૧૩૧૩ ટન પર પહોંચી છે, જે વાર્ષિક ધોરણે ૩ ટકાની વૃદ્ધિ દર્શાવે છે. મૂલ્યની દ્રષ્ટિએ સોનાની માંગ ૪૪ ટકા વધીને ૧૪૬ અબજ ડોલર થઈ છે. ક્વાર્ટર દરમિયાન મજબૂત રોકાણકારોની ખરીદીને કારણે સોનાના ભાવ ૧૩ વખત નવા સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યા હતા, જ્યારે દાગીનાની માંગમાં ઘટાડો થયો છે.
ડબલ્યુજીસીના આંકડા અનુસાર સોનાની કુલ માંગમાં સૌથી વધુ ફાળો ગોલ્ડ ઈન્વેસ્ટરોએ આપ્યો છે. એક્સચેન્જ ટ્રેડેડ ફંડમાં સૌથી વધુ ૨૨૨ ટનની નોંધપાત્ર ખરીદી જોવા મળી છે અને ૨૦૨૦ના રેકોર્ડની નજીક છે. બાર અને કોઈનની માંગ સતત ચોથા ક્વાર્ટરમાં ૩૦૦ ટન (૩૧૬ ટન)થી ઉપર રહી છે.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ માને છે કે યુએસ વ્યાજદરમાં ઘટાડો અને ડોલરની નબળાઈએ રોકાણકારોનો વિશ્વાસ વધુ મજબૂત બનાવ્યો છે. વિશ્વના બીજા ક્રમના સૌથી મોટા બુલિયન બજારમાં સોનાના દાગીનાની માંગ ૩૧ ટકા ઘટીને ૧૭૧.૬ ટનથી ઘટીને ૧૧૭.૭ ટન થઈ ગઈ છે. જોકે, ઘરેણાંની ખરીદીનું મૂલ્ય આશરે ૧,૧૪,૨૭૦ કરોડ પર સ્થિર રહ્યું છે.
ભારત અને ચીનમાં બાર-એન્ડ-કોઈનની માંગ અનુક્રમે ૨૦ ટકા અને ૧૯ ટકા વધી છે. ભારતીય રોકાણકારોએ ત્રિમાસિક ગાળામાં ૧૦ અબજ ડોલરથી વધુનું રોકાણ કર્યું છે, જે અત્યાર સુધીનું સૌથી વધુ છે.
રેકોર્ડ ભાવને કારણે સોનાના દાગીનાના વપરાશ પર બ્રેક લાગી છે. વૈશ્વિક દાગીનાની માંગમાં ૧૯ ટકાનો ઘટાડો થયો છે, પરંતુ મૂલ્યમાં ૧૩ ટકાનો વધારો થયો છે.
૨૦૨૫માં અત્યાર સુધીમાં કુલ ૬૩૪ ટન સોનાની ખરીદી કરવામાં આવી છે, જે મહામારી પહેલાના સરેરાશ કરતા નોંધપાત્ર રીતે વધારે છે. એઆઇ સર્વર્સ અને ડેટા સેન્ટર્સની વધતી માંગને કારણે ટેકનોલોજી ક્ષેત્રમાં સોનાના વપરાશને ટેકો મળ્યો છે. જોકે અત્રે એકંદર માંગ ૨ ટકા ઘટીને ૮૨ ટન થઈ ગઈ છે. કુલ સોનાનો સપ્લાય આ કવાર્ટરમાં અત્યાર સુધીના સર્વાધિક ૧૩૧૩ ટન પર પહોંચ્યો છે.
સેન્ટ્રલ બેંકોએ ૨૨૦ ટન સોનું ખરીદ્યું
સેન્ટ્રલ બેંકની સોનાની ખરીદી પણ મજબૂત રહી છે. જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ૨૨૦ ટન સોનાની ખરીદી થઈ, જે પાછલા ક્વાર્ટર કરતા ૨૮ ટકા વધુ છે. કઝાકિસ્તાન, બ્રાઝિલ, તુર્કી અને ગ્વાટેમાલાએ સૌથી વધુ સોનાનો ભંડાર ઉમેર્યો છે. પોલેન્ડની સેન્ટ્રલ બેંક હવે તેના રિઝર્વમાં ૩૦ ટકા સોનો હિસ્સો રાખવાનું લક્ષ્ય ધરાવે છે. ચીન, ઇરાક અને ફિલિપાઇન્સ જેવા દેશોએ પણ તેમની હોલ્ડિંગમાં વધારો કર્યો છે.
રોકાણકારોએ આ વર્ષે સોનાને 'સેફ હેવન' તરીકે સ્વીકાર્યું છે. ત્રીજા ક્વાર્ટરમાં કુલ રોકાણ માંગ ૫૩૭ ટન હતી, જે ગયા વર્ષ કરતા ૪૭ ટકા વધુ છે. ઈટીએફ ઈન્ફલોના કારણે ભાવમાં વધુ વધારો થયો છે, ફક્ત સપ્ટેમ્બરમાં જ ૨૬ અબજ ડોલરની નવી એન્ટ્રીઓ થઈ છે.

