ટાટા જૂથમાં ચેરમેન તરીકે પાછા ફરવામાં રસ નથી: સાયરસ મિસ્ત્રી
મુંબઇ 5 જાન્યુઆરી 2020 રવિવાર
ત્રણ વર્ષ પહેલા ટાટા ગ્રુપનાં ચેરમેનનાં હોદ્દા પરથી હાકી કાઢવામાં આવેલા સાયરસ મિસ્ત્રીએ કહ્યું કે તે ટાટા ગ્રુપનાં કોઇ હોદ્દા પર પાછા ફરવા માંગતા નથી.
તેમણે મોડી સાંજે એક નિવેદન જારી કરીને કહ્યું કે તે ટાટા ગ્રુપનાં હિતોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લઇ રહ્યા છે,તેમણે કહ્યું કે ટાટા ગ્રુપનાં હિતો તેમના અથવા કોઇ પણ અન્ય વ્યક્તિનાં હિતોથી ઉપર છે અને વધુ મહત્વપુર્ણ છે.
મિસ્ત્રીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે સુપ્રિમ કોર્ટ ટાટા ગ્રુપ સાથેનાં તેમના વિવાદોની સુનાવણી કરવાની છે,મિસ્ત્રીને ટાટા ગ્રુપનાં ચેરમેન તથા ગ્રુપની કંપનીઓનાં બોર્ડ ઓફ ડિરેક્ટરનાં પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતાં.
નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)એ તાજેતરમાં જ મિસ્ત્રીની તરફેણમાં ચુકાદો આપ્યો હતો,તેમની ફરીથી આ પદો પર નિમણુક કરવાનો ફેંસલો સંભળાવ્યો હતો,NCLTનાં આ ચુકાદાને ટાટા સંન્સ તથા ગ્રુપની કંપનીઓએ સુપ્રિમ કોર્ટમાં પડકાર્યો છે.
સાયરસ મિસ્ત્રીએ કહ્યું કે ચાલી રહેલા કુપ્રચારને ખતમ કરવા માટે હું એ સ્પષ્ટ કરવા માંગુ છું કે NCLTનો નિર્ણય મારી તરફેણમાં આવ્યો હોવા છતા પણ હું ટાટા સન્સનાં કાર્યકારી ચેરમેન તથા ટીસીએસ,ટાટા ટેલીસર્વિસીસ, અને ટાટા ઇન્ડસ્ટ્રીઝનું ડાયરેક્ટરનો હોદ્દો સંભાળવા માંગતો નથી.
જો કે લઘુમતી શેર હોલ્ડર હોવાના કારણે પોતાના અધિકારોનું રક્ષણ કરવા માટે અને બોર્ડ ઓફ ડિરેક્ટરમાં સ્થાન મેળવવા માટે તમામ વિકલ્પો સાથે સખત પ્રયાસ કરતો રહીશ.